કૌશલ બારડ લેખકની કલમે

મને ક્લોરોફોર્મ સુંઘાડવાની જરૂર નથી ,હું ગીતા વાંચીશને તમે ઓપરેશન કરી નાખજો!હલાવી નાખે તેવી સત્યઘટના

હોસ્પિટલના બિછાને પડેલા એ માણસનું ઓપરેશન કરવાનો સમય આવ્યો. શરીરના અંગમાં વાઢકાપ કરવી જરૂરી હતી.જે દર્દીની જાગ્રત અવસ્થામાં તો શક્ય જ નહોતું. અસહ્ય પીડા ઝીરવી શકવી દરેક માટે અસહ્ય હોય છે.

માટે નક્કી થયું કે દર્દીને ક્લોરોફોર્મ સુંઘાડવામાં આવે.જેથી તે થોડીવાર પુરતા બેભાન અવસ્થામાં સરી પડે અને એ સમય દરમિયાન ડોક્ટરો અંગોની વાઢકાપ કરી શકે.આમ ઓપરેશન યોગ્ય રીતે સફળ થાય.

પણ એ વખતે બધાના આશ્વર્ય વચ્ચે એ મરીઝે કહ્યું –

“મને ક્લોરોફોર્મ સુંઘાડવાની કોઇ જરૂર નથી.મને ગીતાનું પુસ્તક આપી દો.હું વાંચીશ એ સમયમાં તમે ઓપરેશન કરી નાખજો!”

પુસ્તક પ્રત્યે આવી જબરદસ્ત લાગણી ધરાવતા,મનને આટલી ઉમદા રીતે એકાગ્ર રાખી શકતા આ માણસ એટલે આપણા લોકલાડીલા આઝાદી જંગના નેતા લોકમાન્ય બાળગંગાધર તિલક!

એકાગ્રતાનો શું ચીજ છે એનો જડબેસલાક દાખલો લોકમાન્ય તિલકે બેસાડ્યો કહેવાય.પોતે પણ જીવનભર જાણે એવું જ લોઢું ચાવ્યું હતું!પછી એ બર્માની જેલમાં ગાળેલો કારાવાસ કેમ ન હોય!બાલ ગંગાધર તિલક ભારતના ઇતિહાસમાં સદાયે સુવર્ણ અક્ષરે લખાય એવું નામ છે.આર્યાવર્તની દુર્દશાથી લોહી ઉકાળનાર અને જે દિવસોમાં ગાંધીજી જેવા નેતાઓ ભારતમાં આવશે એવી કલ્પના પણ નહોતી એ વખતે તિલકસાહેબે “કેસરી”વર્તમાનપત્રમાં અંગ્રેજોના દમન વિશે ખુલ્લેઆમ ખુલાસા કરેલા.ચાપેકર બંધુઓ અને ખુદીરામ બોઝનું ખુલ્લું સમર્થન કરેલું.ડેક્કન એજ્યુકેશન સોસાયટી સ્થાપી ભારતીય વિદ્યાર્થીઓને પ્રાચીન શિક્ષણ તરફ લાવેલા.

એ સાથે જ ગીતા પર એણે જોરદાર ગ્રંથ લખેલો.”ગીતા રહસ્ય”જે આજે પણ મહાન પુસ્તકોની હરોળમાં સ્થાન પામે છે.એટલે જ તો ગીતા તિલકનો પ્રાણ હતોને!

દુ:ખ એ વાતનું કે જે ‘શ્રીમદ્ ભગવતગીતા’માં બાળગંગાધર તીલકને અંગ કપાય તોય ખબર ન પડે એ રીતના એકમન કરવાની શક્તિ છે એ ગીતાને આપણે આજે અભરાઇ પર ચડાવી દીધી છે!

વંદન છે આવા ભેખધારી મહાનુભાવને!

લેખક – કૌશલ બારડ

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.