ફિલ્મ જેવી લવ સ્ટોરી રિયલ લાઇફમાં : સગાઇ બાદ યુવતિએ અકસ્માતમાં ગુમાવ્યા પગ તો પણ ના છોડ્યો યુવકે સાથ

પાટણ : અકસ્માતમાં યુવતિએ બંને પગ ગુમાવ્યાં બાદ પરિવારે કર્યુ સગાઈ તોડવા દબાણ તો યુવકે કોર્ટમાં જઈ કર્યા લગ્ન, દિલ જીતી લેશે લવ સ્ટોરી

ઘણીવાર આપણી સામે એવી એવી લવ સ્ટોરીઓ આવતી હોય છે કે સાંભળી આપણી આંખમાંથી પણ આંસુ સરી પડતા હોય છે. ત્યારે તમને કદાચ યાદ હશે વર્ષ 2006માં આવેલી ફિલ્મ વિવાહની સ્ટોરી. જેમાં અમૃતા રાવ લગ્ન સમયે દાઝી જાય છે અને તે શાહિદ કપૂરને તેની સાથે લગ્નની ના પણ પાડે છે, તેમ છત્તાં પણ તે બંને વચ્ચેનો પ્રેમ એવો હોય છે કે શાહિદ તેની સાથે હોસ્પિટલના સ્ટેચર પર જ લગ્ન કરે છે. તે પૂનમ એટલે કે અમૃતા રાવની માંગમાં સિંદૂર ભરે છે. ત્યારે આ કહાનીને જ મળતી ઝુલતી લવ સ્ટોરી પાટણમાંથી સામે આવી છે.

પાટણના હારિજના કુકરાણા ગામના એક યુવકની જે યુવતી સાથે સગાઈ થઈ હતી તેણે અકસ્માતમાં બંને પગ ગુમાવ્યા હતા. જે બાદ યુવકને પરિવાર અને સાથે સાથે યુવતિનો પરિવાર પણ આ લગ્ન ન કરવા યુવકને સમજાવતા હતા. જો કે, યુવકે પોતાનો વાયદો નિભાવ્યો અને દિવ્યાંગ યુવતી સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. તેણે તે યુવતિ સાથે કોર્ટમાં જઈ લગ્ન કર્યા હતા. સ્વાર્થની આ દુનિયામાં નિસ્વાર્થ પ્રેમની આ અનોખી પ્રેમ કહાની સાંભળી તમારુ હૈયુ પણ ભરાઇ આવશે.

હમણાં જ વિશ્વ દિવ્યાંગતા દિવસ ગયો અને ત્યારે જ આ યુવકે દિવ્યાંગ યુવતિ સાથે લગ્ન કરી લોકો માટે અને સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું. હાલ આ લગ્નનો કિસ્સો ચર્ચાનો વિષય બનેલો છે. આની તસવીરો પણ સામે આવી છે, જેમાં યુવક યુવતિને હાથમાં ઉઠાવી લગ્નના ફેરા ફરતો જોઇ શકાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મહાવીર સિહ વાઘેલાની સગાઈ અમદાવાદના બામરોલી ગામની રીનલબા ઝાલા સાથે થઈ હતી અને સગાઈના બે મહિના બાદ રીનલબા ખેતરના એક વૃક્ષ પરથી નીચે પડી ગઇ,

જેને કારણે તેની કમરનું હાડકું ભાંગી ગયું અને તેણે આ અકસ્માતમાં તેના બંને પગ ગુમાવ્યા. આ વાતને બે વર્ષ વીતી ગયા અને આટલો સમય પસાર થતાં સમાજના વડીલો એ મહાવીર સિહને યુવતી સાથેની સગાઈ તોડી નાખવા જણાવ્યું. વડીલોના આ નિર્ણયને કારણે રીનલબા પણ ભાંગી પડ્યા પરંતુ મહાવીર સિંહ રીનલબા સાથે લગ્ન કરવાના નિર્ણય પર અડગ રહ્યો હતો. જો કે મહાવીર સિહના આ લગ્ન કરવાના નિર્ણયને કારણે તેના પરિવારજનો

અને સમાજના વડીલો નારાજ હતા અને વિકલાંગ યુવતી સાથે લગ્ન ન કરવાં મહાવીર સિહને સમજાવતા રહ્યા પણ મહાવીર સિહનો જ્યારે કોઇએ સાથ ન આપ્યો ત્યારે તે રીનલબાને હાથોમાં ઉઠાવી કોર્ટમાં લઈ ગયો અને ત્યાં તેણે લગ્ન કરી લીધા. મહાવીર સિહે કહ્યું કે મારી સગાઈ થઈ ત્યારે રીનલબા સારી-સાજી છોકરી હતી અને આજે તેણે અક્સ્માતમાં બંને પગ ગુમાવ્યા છે તો તેમાં તેનો શું દોષ છે ? હું તેની સાથે લગ્ન કરીને ખુશ છું અને જિંદગીભર તેનો સાથ નિભાવીશ.’ જો કે લગ્ન બાદ મહાવીર સિહના માતા-પિતા પણ ખુશ છે.

Shah Jina