જામનગર: વૈજ્ઞાનિકો જેને કહે છે ‘તરતું સોનું’ તે પ્રતિબંધિત વ્હેલની ઉલટીના જથ્થો સાથે જામનગરમાંથી એકની ધરપકડ

અતિ દુર્લભ એવી વ્હેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ કે જેની કિંમત અંદાજે એકાદ કરોડ રૂપિયા અથવા તેનાથી વધુ છે તેની જામનગર SOG શાખાએ ધરપકડ કરી છે. ગુજરાતના જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાંથી એસઓજી શાખાએ આ વ્યક્તિને ઝડપી પા઼ડ્યો હતો. તેની પાસેથી વ્હેલ માછલીની ઉલટી કબ્જે કરવામાં આવી છે અને તેનું સેમ્બલ પૃથક્કરણ માટે ગંધીનગરની વિશેષ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યુ છે. જામનગર SOG પોલિસે પટેલ કોલોની વિસ્તારમાંથી દેવભૂમિ દ્વારકાના ખંભાળીયાના રહેવાસી ભાવેશગીરી ગોસ્વામીના નામના વ્યક્તિને ઝડપી તેની પાસેથી 1-2 કરોડનુ એમ્બરગ્રીસ જપ્ત કર્યુ હતુ. આની કિંમત તેની ગુણવત્તા અને બજાર કિંમત પણ ગણવામાં આવી હતી. SOGએ આ શખ્સ સામે ફરિયાદ નોંધી આ રેકેટના મૂળ સુધી પહોચવા તપાસ હાથ ધરી છે.

જામનગર પોલીસના ઈતિહાસમાં પ્રથમ વખત મળી આવેલ એમ્બરગ્રીસના જથ્થાને કબજે કરી પોલીસે લેબ પરીક્ષણ માટે મોકલી આપ્યો છે. તમને સવાલ એવો થતો હશે કે વ્હેલ માછલીની ઉલટી શું છે ? તો જણાવી દઇએ કે, જ્યારે કોઈ વ્હેલ કટલફિશ કે ઑક્ટોપસ કે અન્ય કોઈ દરિયાઈજીવનો શિકાર કરે, ત્યારે તેના ધારદાર અંગ કે દાંતને વહેલના શરીરને નુકસાન ન પહોંચાડે તે માટે તેના શરીરની પાચનવ્યવસ્થામાં વિશેષ પ્રકારના સ્રાવ ઝરે છે, જેની મદદથી પાચનક્રિયા થાય છે. બાદમાં બિનજરૂરી પદાર્થોને સ્પર્મ વ્હેલ મોં મારફતે શરીરમાંથી બહાર કાઢીને ફેંકી દે છે. કેટલાક સંશોધકોના મતે સ્પર્મ વ્હેલ મળવાટે પણ એમ્બરગ્રીસનો નિકાલ કરે છે.

આ એમ્બરગ્રીસનો ફ્રેન્ચમાં અર્થ ગ્રે એમ્બર થાય છે અને તે મીણ જેવો પદાર્થ હોય છે, જે સંરક્ષિત સ્પર્મ વ્હેલના પાચન તંત્રમાંથી ઉદ્ભવે છે. એમ્બરગ્રીસ એ આછો પીળો રંગનો પદાર્થ છે અને તે ચરબીયુક્ત હોય છે પરંતુ જેમ જેમ ઉંમર વધે છે તેમ તે મીણ જેવું બને છે અને લાલ કથ્થઈ રંગનું બને છે, કેટલીકવાર તે ગ્રે અને કાળા રંગના શેડ્સમાં પણ જોવા મળતુ હોય છે અને દરિયાઈ ગંધની સાથે હળવી, માટીની, મીઠી ગંધ કે કસ્તુરી જેવી સુગંધ ધરાવતુ હોય છે. નોંધનીય છે કે, ભારતભરની તપાસ એજન્સીઓ કે જેમણે તાજેતરના ભૂતકાળમાં એમ્બરગ્રીસ જપ્ત કરી છે તે શુદ્ધતા અને ગુણવત્તાના આધારે તેની કિંમત 1 થી 2 કરોડ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હોવાનો અંદાજ છે.

તસવીર સૌજન્ય : ન્યુઝ 18 ગુજરાતી

અધિકારીઓનું કહેવું છે કે અત્યંત દુર્લભ હોવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ઊંચી માંગ અને ઊંચી કિંમતમાં ફાળો છે. આનો ઉપયોગ અત્તર બનાવવા માટે થાય છે જેમાં કસ્તુરી જેવી સુગંધ હોય છે. જણાવી દઇએ કે, ભારતીય સંદર્ભમાં, વ્હેલ એ વન્યજીવ સંરક્ષણ અધિનિયમની અનુસૂચિ 2 હેઠળ એક સંરક્ષિત પ્રજાતિ છે અને એમ્બરગ્રીસ અને તેની આડપેદાશો સહિત તેની કોઈપણ ઉપ-ઉત્પાદનોનો કબજો અથવા વેપાર, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 ની જોગવાઈઓ હેઠળ ગેરકાયદેસર છે. લગભગ 40 દેશોમાં એમ્બરગ્રીસના વેપાર અને વેચાણ પર પ્રતિબંધ છે. એમ્બરગ્રીસ વધારે પ્રમાણમાં ગુજરાત તથા અન્ય રાજ્યોના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી મેળવવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે એમ્બરગ્રીસ માટેનું મુખ્ય બજાર મધ્ય પૂર્વીય દેશોમાં છે, યુરોપિયન અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો હોવાનુ મનાય છે.

Shah Jina