સાઉથ આફ્રિકા સામે પહેલી T-20 મેચ દરમિયાન હાર્દિક પંડ્યાનો એક છગ્ગો એવો જોરદાર હતો કે બોલ સીધો સ્ટેડિયમની બહાર જઈને રોડ પર પડ્યો હતો. જ્યાં ઉપસ્થિત એક શખ્સ બોલ ઉપાડીને ફરાર થઈ ગયો હતો. ત્યારે, મેચ દરમિયાન કમેન્ટ્રી કરી રહેલા ભારતીય બેટ્સમેન આકાશ ચોપરાએ કહ્યું કે, “અરે વાપસ કર દે યાર… બહુત મહેંગી ગેંદ હૈ.” આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમ હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. અહીં ચાર મેચોની ટી20 ચાલી રહ્યી છે. સંજુ સેમસનની આક્રમક ઇનિંગ પછી વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈ સ્પિનર જોડીએ શાનદાર બોલિંગ કરી ટીમ ઇન્ડિયાને પહેલી મેચમાં જોરદાર જીત અપાવી છે. આ મેચ દરમિયાન કંઈક એવું થયું જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હાર્દિક પંડ્યાના બોલ પર ફટકારાયેલા છગ્ગાથી બોલ સ્ટેડિયમની બહાર જઈને પડ્યો જેને લઈને એક શખ્સ ફરાર થઈ ગયો હતો.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ICC T-20 વર્લ્ડ કપ ફાઇનલ પછી પહેલીવાર બંને ટીમો વચ્ચે ટી20 મેચની સિરીઝ રમાઈ રહી છે. ત્યારે, પહેલી જ ટી20 મેચના પરિણામે બતાવી દીધું છે કે, ટીમ ઇન્ડિયા કઈ રીતે ટી20 વર્લ્ડકપની ચેમ્પિયન બની. 4 મેચોની સિરીઝની પહેલી મેચમાં ભારતે 61 રને મોટી જીત નોંધાવી 1-0થી લીડ મેળવી છે. સંજુ સેમસને શાનદાર સદી ફટકારી જ્યારે વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈએ 3-3 વિકેટ લીધી હતી. 203 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી યજમાન ટીમ 141 રને ધરાશાયી થઈ ગઈ હતી.
બોલ લઈને ભાગ્યો શખ્સ
સાઉથ આફ્રિકા સામે પહેલી ટી20 મેચ દરમિયાન હાર્દિક પંડ્યાને એક ઓવરમાં બે છગ્ગા પડ્યા હતા. 16મી ઓવર કરવા ઉતરેલા હાર્દિક પંડ્યાને ચોથા અને પાંચમાં બોલે સતત બે છગ્ગા પડ્યા. આ દરમિયાન એક છગ્ગો એવો જોરદાર હતો કે બોલ સીધો સ્ટેડિયમની બહાર જઈને રોડ પર પડ્યો હતો. જ્યાં હાજર એક શખ્સ બોલ ઉપાડીને ફરાર થઈ ગયો હતો. જ્યારે હાર્દિક પંડ્યાના બોલ પર ગેરાલ્ડ કોએત્ઝીએ છગ્ગો ફટકાર્યો અને બોલ સ્ટેડિયમની બહાર જઈને પડ્યો તો કેમેરો બોલને ફોલો કરી રહ્યો હતો. મેચ દરમિયાન કમેન્ટ્રી કરી રહેલા ભારતીય બેટ્સમેન આકાશ ચોપરાએ કહ્યું કે, “અરે વાપસ કર દે યાર… બહુત મહેંગી ગેંદ હૈ.” જો કે બોલ લઈને શખ્સ ફરાર થઈ ગયો હતો.