પ્રદિપ પ્રજાપતિ

મનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ વિદેશની ધરતી પર કંડારાયેલ આ અદભૂત નવલકથા વાંચવાનું ચૂકતા નહી….

મારા જીવનમાં બની રહેલી ઘટનાઓ મને વિચલિત કરતી હતી ! જાણે કોઈ સપનામાંથી જાગ્યો હોઉં એમ લાગતું હતું. ઘણીવાર જિંદગીમાં આવી સમસ્યાઓ પરેશાન કરે છે અને મેં પણ આ માનીને બચેલી જિંદગીને કેમ જીવવી એ તરફ વિચારવાનું શરું કર્યું ! મેં નયનને કહ્યું, “નયન, મારે કોઈ સારા સાયકોલોજીસ્ટ પાસે જવું છે ?” “કેમ…? તને શું થયું ?” મેં કહ્યું, “મને કંઈ નથી થયું, બસ માથામાં થોડો દુખાવો છે અને મારે કેટલીક વાતચીત પણ કરવી છે.” નયને કહ્યું, “સારું તો હું તારી એપોઇન્ટમેન્ટ લઈ લઉં છું” મેં કહ્યું, “ઓકે”. સાંજે હું એક સાયકોલોજીસ્ટ પાસે ગયો અને ડૉકટરે મને કેટલાક પ્રશ્નો પૂછ્યા અને છેલ્લે કહ્યું, “અશોક, મને તો કંઈ મોટી તકલીફ નથી દેખાતી બસ તમે તમારા મનમાં જ ક્યાંક ખોવાઈ ગયા છો !” હું થોડો ડરી ગયો અને મેં પૂછ્યું, “તો સર આ તકલીફનો ઈલાજ શું ?” “તમે સૌથી પહેલા તમારું મન શાંત કરો !” “પણ કેવી રીતે કરું સાહેબ ?”
ડૉકટરે પાણી પીધુ અને બોલ્યા, “જુઓ અશોકભાઈ, આપણું મન જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ પાછળ સ્થિર થઈ જાય, ત્યારે આપણને આ દુનિયા જ અજીબ લાગે છે, તમારા કેસમાં હું તમને સારા સારા પુસ્તકો વાંચવાની સલાહ આપીશ તો તમે કોઈ લાઈબ્રેરીમાં જાઓ અને મનને શાંત કરો !” મારા મનમાં સવાલોનો સમૂહ જામી રહ્યો હતો. નયનના ઘરે પહોંચીને આખી રાત વિચારતો રહ્યો કે હવે શું કરું ? કોની પાસે મારા સવાલોના જવાબ માંગુ ? વહેલી સવારે મારી આંખ ખુલી અને બાજુના ગાર્ડનમાં હું ચાલ્યો ગયો. સવારની તાજગી મારામાં એ જુના અશોકને જગાડતી હતી. પાછો નયનના ઘરે આવ્યો અને નયન સાથે ચા નાસ્તો કરવા બેઠો અને નયને કહ્યું, “અશોક સવાર સવારમાં ક્યાં ફરી આવ્યો ?” “આજે વહેલો ઉઠ્યો હતો તો થોડું વોકિંગ કરવાની ઈચ્છા થઈ !” નયને કહ્યું, “વેરી ગુડ…”
“નયન, મારે થોડું રીડિંગ કરવું છે તો નજીકમાં કોઈ લાયબ્રેરી હશે ?” નયને કહ્યું, “અશોક, પોલીસ સ્ટેશનની પાછળ જ એક લાયબ્રેરી છે, તું એકવાર ત્યાં આંટો મારી આવ !” નયનના કહેવા પ્રમાણે હું લાઈબ્રેરીમાં પહોંચ્યો, ત્યાં પંદર વિસ લોકો કંઈક ને કંઈક વાંચતા હતાં. મેં ત્યાં આજુબાજુ જોયું પણ કોઈ લાયબ્રેરીયન ન દેખાયો અને મેં એક કાકાને પૂછ્યું, “કાકા, અહીંયા કોઈ લાયબ્રેરીયન નથી ?” એમણે જવાબ આપતાં કહ્યું, “ના બેટા છેલ્લા છ મહિનાથી અહીંયા કોઈ ગ્રંથપાલ નથી !” ત્યારબાદ મેં મારી રીતે પુસ્તકો જોવાનું શરું કર્યું અને મારા હાથમાં સ્વામી વિવેકાનંદની આત્મકથા હતી. મનમાં થયું કે સૌથી પહેલા તો આ જ વાંચીશ. સ્વામી વિવેકાનંદ વિશે ઘણું વાંચ્યું તો હતું પણ આજે હું ખુદ સ્વામીજીને વાંચવાનો હતો. મનમાં થોડી ઉત્સુકતા પણ હતી અને સાથે એ વાતનો ડર પણ હતો કે આ વાંચ્યા પછી મારા જીવનમાં જે પરિવર્તન આવશે એ મને વિખેરી નાંખશે તો ? બીજો વિચાર આવ્યો કે તું વિખેરાયેલો તો છે જ ? હવે શું છે ? એક ખુરશી પર બેસીને આખો દિવસ લાઈબ્રેરીમાં વિતાવ્યો, મન શાંતિના સમુદ્રમાં ન્હાતું હોય એવો આ આભાસ હતો.

સાંજે નયના ઘરે જમ્યા બાદ અડધી રાત સુધી આ જ પુસ્તક સાથે મૈત્રી કરી. આજની સવાર મારી માટે કંઈક અલગ હતી, કારણ કે મન એટલું શાંત થઈ ગયું હતું કે હવે વર્તમાનમાં જીવતો હોઉં એવું લાગવા લાગ્યું હતું. નયને પૂછ્યું, “વાહ અશોક, આજે તો બહુ ખુશ લાગે છે ? શું વાત છે ?” “કાંઈ નઈ, બસ એક સારું પુસ્તક વાંચું છું તો મજા આવે છે !” અશોક ખુશ થઈ ગયો અને બોલ્યો, “વાહ..ખૂબ જ સરસ…કિપ ઇટ અપ !” હવેના નિત્યક્રમ પ્રમાણે હું દરરોજ લાઈબ્રેરીમાં જવા લાગ્યો અને આજે પણ હું લાઈબ્રેરીમાં ગયો અને લગભગ ચાલીસ પુસ્તકના વાંચન બાદ મને કોઈ સારું પુસ્તક નહોતું મળતું ! રોજ આવતાં કાકાએ મને કહ્યું,”બેટા આપણે સૌ ગ્રંથપાલ માટે અરજી કરીએ અને એના પર તમે સહી કરજો. તમારા જેવા યુવાનનું સંસ્થા સાંભળશે અને ગ્રંથપાલ મુકશે” મેં કહ્યું, “કાકા આઈડિયા તો સારો છે.” અમે બધા એ લાયબ્રેરીયન માટે અરજી મૂકી અને હવે થોડીઘણી આશા બંધાઈ હતી કે કોઈ સારી વ્યક્તિ લાઈબ્રેરીને મળશે. નયનના ઘરે ગયો અને ત્યાં મારું એક પાર્સલ આવ્યું હતું, જેમાં બેગ અને બીજો સમાન હતો. જમ્યા બાદ એ બેગ ખોલી, એમાં મારી જૂની જિંદગીનો સમાન હતો. આઈ.બી ના ડોક્યુમેન્ટ પણ હતાં અને સાથે કેટલીક ચિઠ્ઠીઓ પણ હતી ! આજે પણ અડધી રાત્રે ઊંઘ આવી અને એ પણ જૂની યાદો સાથે !

(ક્રમશઃ)

લેખક : પ્રદિપ પ્રજાપતિ અને આરતી સિધ્ધપુરા

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.