બ્રિટનમાં ભારતીય મૂળના 23 વર્ષીય યુવકને વર્ષ 2020 માં તેની મંગેતરની હત્યાના આરોપમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જે બાદ બ્રિટનથી આરોપીને ટ્રાન્સફર કરવાની પહેલી ઘટના ગુજરાતમાં બની છે. મુળ સુરતનો વતની અને બ્રિટનમાં પોતાની મંગેતરની ચાકુના ઘા ઝીંકી હત્યા કરનાર જીગુ કુમાર સોરઠી નામના યુવાનને યુકે પોલીસ દ્વારા સુરત લાવવામાં આવ્યો છે.
શા કારણે કરી હત્યા ?
ઘટનાની વાત કરીએ તો, જીગુ કુમાર સોરઠી નામનો યુવાન બ્રિટનમાં રહેતો હતો. જ્યાં તેની સગાઇ જે યુવતી સાથે થઇ હતી તે 21 વર્ષીય ભાવિની પ્રવિણ પણ તેની સાથે રહેતી હતી. બાદમાં ભાવિની પ્રવિણે જીગુ સોરઠીયાને લગ્ન કરવાની ના પાડતા બંન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેથી ગુસ્સે ભરાયેલા જીગુએ 2020 માં પોતાની મંગેતરની ચાકુના ઘા મારીને હત્યા કરી નાખી હતી. હત્યા બાદ તે પોતે પોલીસ સ્ટેશન ગયો હતો અને પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આ હત્યા એટલી ઘાતકી હતી કે, કોર્ટના જજ પણ હત્યારાની ક્રૂરતા જોઇ ધ્રુજી ઉઠ્યા હતા. યુકેની લેસ્ટર કોર્ટ દ્વારા આ હત્યારાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
બ્રિટન સાથેની સંધિ અનુસાર કેદીને ટ્રાન્સફર કરાયો
વાસ્તવમાં, યુકેમાં આજીવન સજા એટલે 28 વર્ષ ગણવામાં આવે છે. પરિવારે યુકે અને ભારત સરકારની સંધિ અનુસાર આરોપી જીગુને ભારતની જેલમાં ટ્રાન્સફર કરવા માટેની માંગ કરી હતી. જે મામલે બંન્ને દેશો વચ્ચે વાટાઘાટો ચાલી રહી હતી. આખરે આરોપી જીગુને ચાર વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ હાલ સુરત લાવવામાં આવ્યો છે.
બ્રિટિશ અધિકારીઓ કેદીને લઇને પહોંચ્યા
બ્રિટિશ એક્સપર્ટ કેદીને પોતાની સાથે રાખીને યુકેથી દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યાંથી આરોપીને સુરત ખાતે લાવવામાં આવ્યો હતો. દિલ્હી ખાતે ગુજરાત પોલીસે કેદીનું હેન્ડઓવર કર્યું હતું. હવે કેદી પોતાની 4 વર્ષની સજા બાદ કરતા અન્ય 24 વર્ષની સજા સુરતની લાજપોર જેલમાં ભોગવશે.