વીડિયો બનાવવામાં મશગુલ હતો આ યુવક અને પાછળથી આવી ગઇ માલગાડી, પછી થયુ એવું કે વીડિયો જોઇ રૂંવાડા ઊભા થઇ જશે

મધ્યપ્રદેશના હોશંગાબાદમાં રેલ્વે ટ્રેક પર વીડિયો બનાવવાની કોશિશમાં એક યુવકને સ્પીડમાં આવતી માલગાડીએ ટક્કર મારી હતી. આ અથડામણને કારણે યુવક દૂર પડી ગયો હતો અને તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તે સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યો હતો, પરંતુ ડોક્ટરોના જણાવ્યા અનુસાર હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું. યુવકના સ્ટંટ અને તેના મોતનો વીડિયો વાયરલ થયો છે. મામલો હોશંગાબાદના પથરૌતા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.

પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ નાગેશ વર્માએ જણાવ્યું કે સંજુ ચૌરે નામનો આ યુવક રવિવારે સાંજે તેના સગીર મિત્ર સાથે બેતુલ રોડ પર શરદદેવ બાબા રેલ્વે કલ્વર્ટ પર ગયો હતો. તે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે રેલવે ટ્રેક પર વીડિયો બનાવી રહ્યો હતો. દરમિયાન રેલવે ટ્રેક પર એક માલગાડી આવી હતી. માલગાડી એટલી સ્પીડમાં હતી કે સંજુને ભાગવાનો સમય જ ન મળ્યો. માલગાડીની ટક્કરથી તે દૂર ફેંકાઈ ગયો હતો. તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેને ઈટારસીની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો.

પોલીસે મોતની નોંધ કરી છે. પોલીસનું કહેવું છે કે પ્રથમ દૃષ્ટિએ આ વીડિયો લેતી વખતે બેદરકારીનો મામલો છે. આ ભયાનક મોતનો આખો વીડિયો યુવકના સાથીદારના મોબાઈલમાં કેદ થઈ ગયો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પથરૌટા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે, યુવાનોમાં વીડિયો સોશિયલ મીડિયા પર મુકવાની સ્પર્ધા ચાલી રહી છે.

ટેકરીઓ, રેલ્વે ટીસી બ્રિજ અને અન્ય ઘણા વિસ્તારોમાં પણ યુવક-યુવતીઓ દિવસભર વીડિયો બનાવતા જોવા મળે છે, જેના કારણે અકસ્માતો પણ થઈ રહ્યા છે. રવિવારે સાંજે બનેલી આ ઘટનાનો આ દર્દનાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Shah Jina