આ વ્યક્તિએ Tata Nanoમાંથી બનાવ્યું હેલિકોપ્ટર, લગ્નમાં આપે છે ભાડે

પોતાના લગ્નને યાદગાર બનાવવા દરેક વરરાજા કઈંક ને કઈંક નવુ કરતા હોય છે. ખાસ કરીને વરરાજાની એન્ટ્રી ધાંસુ રીતે થાય તેવું પ્લાનિંગ પણ કરતા હોય છે. મોટા ઘરના છોકરાઓ હેલિકોપ્ટરમાં દુલ્હનને પરણવા જતા હોય છે તો કોઈ હાથી પર સવારી કરે છે. બધા અલગ અલગ પ્રકારની ચીજો અપનાવતા હોય છે.

જો કે બધા પરિવારોની એટલી આર્થિક સ્થિતિ સારી નથી હોતી કે તેઓ હેલિકોપ્ટરમાં એન્ટ્રી કરી શકે. પરંતુ આપણે ભારતીયો જુગાડ કરવામાં કોઈનાથી પાછળ રહીએ તેમ નથી. તેથી આ હેલિકોપ્ટરનો પણ લોકોએ જુગાડ કરી જ લીધો. બિહારના બગાહા વિસ્તારની જ્યાં એક મિકેનિકે ટાટા નેનોને હેલિકોપ્ટરમાં ફેરવી નાખી. હવે આ નવા વર્જનને તે લગ્ન માટે ભાડે આપે છે અને વર વધુ તેમા સવારી કરે છે. સમગ્ર વિસ્તારમાં આ હેલિકોપ્ટરે કુતુહલ જગાવ્યું છે.

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર બગાહામાં રહેતા ગુડ્ડુ શર્મા નામના વ્યક્તિએ 2 લાખનો ખર્ચ કરીને ટાટા નેનોને હેલિકોપ્ટર બનાવી દીધુ હતું. ગુડ્ડુએ આ વાહનને તૈયાર કરવા માટે કથિત રીતે સેન્સરનો ઉપયોગ કર્યો. તેમનો રચનાત્મક આવિષ્કાર પહેલા જ માર્કેટમાં છવાઈ ગયો છે કેમ કે, 19 લોકોએ તેને પહેલા જ બુક કરી લીધુ છે. આ હેલિકોપ્ટરને 15 હજાર રૂપિયાના ભાડા સાથે વરરાજાને આપવામાં આવે છે.

નેનો કારને હેલિકોપ્ટરનું સ્વરૂપ આપવા અંગે ગુડ્ડુ શર્માએ મીડિયાને જણાવ્યું કે, ડિજિટલ ઈન્ડિયાના સમયમાં આ સંશોધન આત્મનિર્ભર ભારતનું જીવંત ઉદાહરણ છે, આવા હેલિકોપ્ટર બનાવવા માટે દોઢથી બે લાખ સુધીનો ખર્ચ થાય છે. જો કે તેને હાઈટેક લુક આપવો હોય તો બે લાખથી પણ વધુનો ખર્ચ થઈ જાય છે.

લગ્નની સીઝનમાં હેલિકોપ્ટરની ભારે માગ હોય છે. કારણ કે દરેક વ્યક્તિ પોતાની દુલ્હનને હેલિકોપ્ટરમાં બેસાડીને ઘરે લાવવા માગે છે. જો કે જે લોકો આવા મોંઘા હેલિકોપ્ટરનું ભાડૂ એફોર્ડ નથી કરી શકતા તેના માટે આ હેલિકોપ્ટર વરદાન સાબિત થઈ રહ્યું છે. આ ઉપરાંત જો તમે ધારો તો તેને કાયમી માટે ખરીદી પણ શકો છો.

YC