સોશિયલ મીડિયા પરથી રોકાણની ટીપ્સ મેળવનાર લોકો છેતરપિંડી કરતી ગેંગનો ભોગ બની રહ્યા છે. રોકાણ પર અનેકગણું વળતર મેળવવા કે શોર્ટકટથી નાણાં કમાવવા જતા લોકો લાખો કરોડો રૂપિયા ગુમાવી રહ્યા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે અમદાવાદનો યુવાન ઇન્સ્ટાગ્રામની રીલ જોઈને કરોડો રૂપિયા ખોઈ બેઠો છે. અત્યારે ગુજરાતી યુવાનોને શેરબજારમાં રોકાણ કરીને કરોડો કમાવવાનો ઘેલછા લાગી છે.
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા વિશ્વકુંજ ચાર રસ્તા પાસે આવેલા મીના એપાર્ટમેન્ટમાં કંપનીમાં એક્ઝિક્યુટિવ મેનેજર યુવાન રહે છે. આ યુવાને ઇન્સ્ટાગ્રામ પર શેરબજારમાં રોકાણની માહિતી આપતી રીલ જોઇ હતી. જેમાં રોકાણ પર અનેકગણો નફો આપવાની ખાતરી આપી હતી. યુવાને રોકાણ કરવા માટે ક્લિક કર્યું હતું. જે બાદ તેમને 130 સભ્યો ધરાવતા એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. જેમાં રોકાણ પર 5 થી 20 ટકા નફો આપવાની ખાતરી આપવામાં આવી હતી. યુવાનોને ખાતરીમાં લેવા માટે આ ગ્રુપમાં રોકાણ કરીને તેમને નફો મળ્યો હોય તેવા સ્ક્રીન શોટ પણ મૂકવામાં આવતા હતા.
જેથી યુવાનને આ રોકાણકારો પર વિશ્વાસ બેસી ગયો હતો. યુવાને શેરબજારમાં રોકાણ કરવા માટે એમટોપ નામની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. જેમાં પ્રથમ પાંચ લાખનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ ત્રણ મહિનામાં 1.44 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેની સામે મોબાઇલ એપ્લિકેશનમાં 40 કરોડનો નફો બતાવાયો હતો.
યુવાને તેને થયેલા નફામાંથી નાણાં ઉપાડવા પ્રોસેસ કરી ત્યારે નાણાં એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા નહોતા. જેથી તેમણે ગ્રુપ એડમિન સહિતના લોકોને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમને કોઈ જવાબ મળ્યો નહોતો. જેથી તપાસ કરતા તેમની સાથે છેતરપિંડી થયાની જાણ થઈ હતી. આ ફ્રોડ અંગે યુવાને પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.