પતંગ ચગાવતા ચગાવતા દોરી સાથે જ આકાશમાં ઉડી ગયો આ વ્યક્તિ, વીડિયો વાયરલ થતા સોશિયલ મીડિયા યુઝર્સ પણ હેરાન, જુઓ

પતંગ ઊડતી તો તમે હજારો જોઈ હશે, પણ જુઓ આ ભાઈ પતંગ સાથે જ હવામાં ઉડી ગયો, જુઓ વીડિયોમાં કેવી હાલત થઇ

ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, પરંતુ પતંગ રસિયાઓ તો દિવાળી પછી જ પતંગ ચગાવવા લાગી જાય છે. આ સમયે ઘણી એવી ખબરો આવે છે કે પતંગની દોરીથી કોઈનું ગળું કપાઈ ગયું કે ધાબા ઉપરથી પડી ગયા હોય, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને ચર્ચાનો માહોલ ગરમ કર્યો છે.

આપણે ઘણા લોકોને પતંગ ઉડાવતા જોયા હશે, પરંતુ શું તમે કોઈને પતંગ સાથે ઉડતા જોયા છે ? ત્યારે આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ પતંગની દોરીએ લટકી અને આકાશમાં ઉડતો જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ વીડિયો શ્રીલંકાના જાફના શહેરનો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ઘટનાનો સંપૂર્ણ વીડિયો શ્રીલંકા ટ્વિટ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે આ ઘટના બની ત્યારે પતંગ ઉડાડવાની સ્પર્ધા ચાલી રહી હતી. તે દરમિયાન આ અકસ્માત થયો હતો. એક વ્યક્તિ તેની બાકીની ટીમ સાથે દોરડું પકડીને એક મોટો પતંગ ઉડાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે જ તે અચાનક હવામાં 40 ફૂટ સુધી પહોંચી ગયો.

માણસને હવામાં ઝૂલતો જોઈને તેના બધા સાથીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તે પતંગ પણ એટલો ભારે હતો કે પવનની સાથે તે વ્યક્તિને પણ પોતાની સાથે લઈ ગયો. તે માણસ ઘણા લાંબા સમય સુધી હવામાં લટકતો રહ્યો. આ દરમિયાન તેના સાથીઓ તેને દોરડું છોડવા માટે કહેવા લાગ્યા. જેથી તે વધુ ઉપર ન જાય. પછી પતંગ થોડી નીચે આવતા જ માણસે દોરડું છોડી દીધું અને જમીન પર પડી ગયો.

આ અકસ્માતમાં તે વ્યક્તિને થોડી ઘણી ઈજાઓ થઈ છે. પરંતુ સદનસીબે તેનો જીવ બચી ગયો હતો. હાલમાં તેને નજીકની પોઈન્ટ પેડ્રો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આ વ્યક્તિ તેના સાથીઓ સાથે એક મોટો પતંગ ઉગાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ પતંગ હવામાં ઉડતા જ બધાએ તેને છોડી દીધો પરંતુ આ વ્યક્તિએ તેને પકડી રાખ્યો જેના કારણે તે પતંગ લઈને ઉપર ગયો.

Niraj Patel