દિવસેને દિવસે હાર્ટ એટેકનાં કિસ્સા વધી રહ્યા છે. ત્યારે, ઠંડીની શરૂઆત થતાં જ હાર્ટ એટેકથી વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. સુરતના રાંદેર વિસ્તારમાં ક્રિકેટ મેચ દરમિયાન હાર્ટ એટેક આવતાં પટણી સમાજનાં આગેવાનનું મોત થયું છે. ક્રિકેટનાં મેદાનમાં અચાનક હાર્ટ એટેક આવ્યો અને તે વ્યકિત ત્યાં જ ઢળી પડ્યા. ઉલ્લેખનીય છે કે, ઠંડીમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી જાય છે. આવામાં દરેક લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે.
સુરતના રાંદેરમાં ચાલુ ક્રિકેટ મેચ દરમિયાન એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો. પટણી સમાજના ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચાલુ રમત દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. મકસુદ અહમદભાઈ બુટવાલાને મેચ ચાલુ હતી, તે દરમિયાન જ હાર્ટ એટેક આવ્યો હતો. ચાલુ મેચમાં ઢળી પડવાનો વીડિયો સામે આવ્યો છે. રાંદેર ખાતે આવેલ સુલતાનિયા જીમખાના ગ્રાઉન્ડ પર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. મકસુદભાઈ મોન્ટુ સર નામથી ઓળખાતા હતા અને પોતાનું ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવતા હતા. સાથે જ સમાજ સેવા ક્ષેત્રે પણ લોકોની ઘણી મદદ કરતા હતા. ત્યારે તેમના મોતથી સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે.
આજના સમયમાં હાર્ટ એટેક કોઈપણ ઉંમરના વ્યક્તિને આવી શકે છે. હાર્ટ એટેક આવવાના કેટલાક કલાક પહેલા શરીરમાં કેટલાક ખાસ સંકેત દેખાવા લાગે છે. જો આ લક્ષણો ઉપર ધ્યાન આપવામાં આવે તો હાર્ટ એટેકના રિસ્કથી બચી શકાય છે. તો ચાલો તમને જણાવીએ હાર્ટ એટેકના બે કલાક પહેલાં શરીરમાં દેખાતા લક્ષણો વિશે.
હાર્ટ એટેકના 2 કલાક પહેલા શરીરમાં દેખાતા લક્ષણ
– હાર્ટ અટેક આવવાના કેટલા કલાકો પહેલા દર્દીના છાતીમાં કે છાતીના વચ્ચેના ભાગમાં તિવ્ર દુખાવો થાય છે. છાતી સિવાય શરીરમાં અચાનક જ પ્રેશર કે દુખાવો અનુભવા લાગે છે. જો આ પ્રકારનો દુખાવો અચાનક થતો હોય તો ડોક્ટરની સલાહ અચૂક લેવી.
– હાર્ટ એટેક આવવાનો હોય તે પહેલા શરીરના કેટલાક ભાગમાં દબાણ જેવું લાગે છે. જેમાં ડાબી તરફના બાવળામાં, ખભામાં, ગરદનમાં અને પીઠમાં દુખાવો થાય છે. આ દુખાવો ધીરે ધીરે પેટ તરફ જવા લાગે છે. આ સંકેતને ક્યારેય ઇગ્નોર કરવા નહીં.
– હાર્ટ એટેક આવવાનો હોય તે પહેલા દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. મહેનત વાળું કામ જ નહીં પરંતુ હળવી શારીરિક એક્ટિવિટીમાં પણ શ્વાસ લેવામાં સમસ્યા થાય છે.
– હાર્ટ એટેક આવવાનો હોય તેના બે કલાક પહેલા દર્દીને અચાનક જ પરસેવો વધવા લાગે છે. પરસેવો આવવો સામાન્ય વાત છે પરંતુ ફિઝિકલ એક્ટિવિટી વિના પણ પરસેવો થવા લાગે તો તે ગંભીર સમસ્યા છે.
– હાર્ટ એટેક આવવાના થોડા કલાકો પહેલા દર્દીને અચાનક ચક્કર આવી જાય છે અને બેભાન અવસ્થા જેવું અનુભવાય છે. જો વારંવાર ચક્કર આવતા હોય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો.
– મહત્વનું છે કે હાર્ટ એટેક આવે તે પહેલા શરીરમાં દેખાતા લક્ષણો વ્યક્તિની તાસીર અનુસાર અલગ અલગ હોય છે. તેથી ઉપર જણાવેલા લક્ષણો દેખાય તો ગભરાઈ જવું નહીં કોઈ પણ સ્થિતિમાં ડોક્ટરનો સંપર્ક કરવો.
View this post on Instagram