અમદાવાદની માથાભારે મહિલાથી કંટાળી યુવકે કર્યો આપઘાત, 10 વર્ષ સુધી વ્યાજ ચૂકવ્યુ પણ…

વ્યાજખોર મહિલાની પઠાણી ઉઘરાણીથી કંટાળી અમદાવાદના યુવકનો આપઘાત, સુસાઇડ નોટમાં સામે આવ્યુ ચોંકાવનારુ કારણ

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર લોકો પ્રેમ સંબંધમાં તો ઘણીવાર શારીરિક કે માનસિક ત્રાસને કારણે તો ઘણીવાર વિદ્યાર્થીઓ પરિક્ષામાં નાપાસ થવાને કારણે અથવા તો રિઝલ્ટ સારુ ન આવવાને પરિણામે આપઘાત જેવું પગલુ ભરતા હોય છે. જો કે, ઘણીવાર લોકો વ્યાજખોરોના ત્રાસને કારણે પણ આપઘાત કરી લેતા હોય છે. ત્યારે હાલમાં અમદાવાદમાંથી આવો કિસ્સો સામે આવ્યો છે. વેજલપુરમાં મહિલાની પઠાણી ઉઘરાણીથી કંટાળીને એક યુવકે આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યુ છે. 10 વર્ષ સુધી યુવકે લીધેલા પૈસાનું વ્યાજ ચૂકવ્યું હતુ અને તેમ છતાં પણ વ્યાજખોર મહિલા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહી હતી.

આ મહિલાએ યુવકે એ હદ સુધી ટોર્ચર કર્યો કે આખરે યુવકે તેનું જીવન ટૂંકાવી દીધુ. જો કે આત્મહત્યા પહેલા યુવકે સુસાઈડ નોટ લખી હતી અને આને આધારે જ પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો હતો. હાલ તો પોલિસે મહિલાની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુહાપુરામાં રહેતા 46 વર્ષીય યુવકે આપઘાત કર્યો હતો, આ મામલે મૃતક મોહમદ સાદિક શેખના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદીના ભાઈએ 18 જુલાઈના રોજ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ફરિયાદમાં જણાવવામાં આવ્યુ હતુ કે, કન્સ્ટ્રક્શન અને હેર સલૂનનમાં કામ કરતા મૃતકની અંતિમવિધિ પત્યા બાદ જ્યારે પરિવાર ઘરે આવ્યો ત્યારે ઘરમાં તપાસ કરી તો મૃતકના પલંગના ગાદલા નીચેથી એક ચિઠ્ઠી મળી આવી જેમાં શાહઅલમની યાસ્મીનબાનુ શેખનું નામ હતુ. સુસાઇડ નોટમાં મૃતકે લખ્યુ હતુ કે, તે 10 વર્ષથી યાસ્મીનબાનુ પાસે ઉછીના પૈસા લેતો.

પ્રતિકાત્મક તસવીર

જોકે, તે વ્યાજ પણ ભરતો હતો. તેમ છતાં પણ યાસ્મીન બાનુ દ્વારા તેને ધમકીઓ આપવામાં આવતી હતી. આખરે ધમકીઓથી કંટાળી તેણે આપઘાત જેવું આત્મઘાતી પગલું ભર્યું હતુ. સુસાઇડ નોટ અનુસાર, મૃતકે અત્યાર સુધીમાં જેટલા પણ રૂપિયા આરોપી યાસ્મીનબાનુ પાસેથી લીધા હતા તે બધા જ વ્યાજ સાથે પરત આપી દીધા હતા. તેમ છતાં પણ આરોપી દ્વારા વધુ પૈસાની માંગણી કરવામાં આવતી અને પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી.

પ્રતિકાત્મક તસવીર

આ બધાથી મૃતક માનસિક તણાવમાં પણ રહેતો હતો અને પરિવાર સાથે વાતચીત પણ રતો ન હતો ત્યારે સાદિક હુસેન યાસમીન બાનુને સમયસર વ્યાજના પૈસા ન ચૂકવે, તો તે અવારનવાર ફોન કરી અને છેલ્લે ઘરે આવીને પણ પૈસા લઈ જતી હતી. હાલ તો વેજલપુર પોલીસે સુસાઇડ નોટના આધારે મહિલા સામે ગુનો નોંધ્યો છે અને તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

Shah Jina