રાજકોટમાં એક જ દિવસમાં બે યુવકો મૃત્યુ પામ્યા, એકે ફુટબોલ રમતા તો એકે ક્રિકેટ રમતા ગુમાવ્યો જીવ, જાણો કારણ

ગુજરાત સહિત દેશભરમાંથી છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકને કારણે મોત થવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. હાલ તો કાતિલ ઠંડી પણ પડી રહી છે અને આવી કડકડતી ઠંડીમાં હૃદય બેસી જવાના પણ અનેક બનાવ બનતા હોય છે. ત્યારે હાલમાં જ રાજકોટથી એક જ દિવસે બે યુવકોના હાર્ટ એટેકના કારણે મોત થયાના સમાચાર સામે આવતા જ ચકચાર મચી ગઇ છે. શહેરની બે અલગ-અલગ ઘટનામાં એક યુવકનું ક્રિકેટ અને બીજીનું ફૂટબોલ રમતાં હાર્ટ એટેકના કારણે મોત થયાનું સામે આવ્યું છે.

આમ રાજકોટમાં એક સાથે બે રમતવીરોના હાર્ટ એટેકથી મોત થયા છે. ફૂટબોલ રમતી વખતે હાર્ટ એટેક આવવાને કારણે 21 વર્ષીય યુવકનું મોત થયું હતુ. જે ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને તે ઓરિસ્સાનો છે. તેનું નામ વિવેક કુમાર છે. મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા ઓરિસ્સાના વિવેકનું હાર્ટ એટેકના કારણે આટલી નાની ઉંમરમાં મોત થતા પરિવારમાં પણ માતમ છવાઇ ગયો હતો.

બીજા કેસની વાત કરીએ તો, પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના રેસકોર્સ વિસ્તારમાં મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયેલ રવિ વેગડાનું પણ આકસ્મિક મોત નિપજ્યુ અને તેનું કારણ હાર્ટ એટેક હોવાનું સામે આવ્યુ. રવિને ક્રિકેટ મેચ દરમિયાન ટેનિસનો દડો વાગ્યો અને તેણે રનર રાખીને 22 રન ફટાકાર્યા. પણ તેનું હાર્ટ ફેઈલ થયુ હોવાનું સામે આવ્યુ અને તેણે પળવારમાં જ જીવ ગુમાવી દીધો. રેસકોર્સમાં રમતી વખતે જીંદગીની ઇનિંગ પૂરી થતા યુવકના પરિવાર અને મિત્રોમાં કાળો કલપાંત સર્જાયો હતો.

પ્રતિકાત્મક તસવીર

ઉલ્લેખનીય છે કે, શિયાળામાં શરદીથી બચવામાં બેદરકારી અને દવાઓ લેવામાં બેદરકારીના કારણે બ્લડપ્રેશરનું સ્તર અચાનક વધી જાય અને તેના કારણે હાર્ટ એટેક અને બ્રેઈન એટેકનો ખતરો રહે છે. આ સાથે શિયાળાની ઋતુ બીજા પણ કેટલીક સમસ્યાઓ લઈને આવે છે અને ઘણીવાર આ સમસ્યાઓ વધી જતા મોતનું કારણ બનતી હોય છે. જણાવી દઇએ કે, છેલ્લા 5-7 વર્ષમાં યુવાનોને હાર્ટ એટેક આવવાના કિસ્સા સતત વધી રહ્યાં છે અને આ વિશે ડોક્ટર્સ કહે છે કે કોરોના પછી આવા કિસ્સાઓ વધુ વધ્યા છે.

Shah Jina