આ ફેમસ અભિનેત્રીએ મહાકુંભમાં લીધો સંન્યાસ, પોતાનું જ પિંડદાન કરી બની કિન્નર અખાડાની મહામંડલેશ્વર !

90ના દાયકાની બોલીવૂડની ફેમસ હિરોઇન અને બાદમાં 2016માં અંધારી આલમમાં ડ્રગ કેસમાં સંડોવાયેલી મમતા કુલકર્ણીએ શુક્રવારે પ્રયાગરાજમાં દિક્ષા ધારણ કરી છે. તેણી મહાકુંભમાં સંગમ તટે પિંડદાન કરી કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની ગઇ છે. હવે તેનું નવું નામ મમતાનંદ ગીરી રાખવામાં આવ્યું છે. અને તેનો હવે માત્ર પટ્ટાભિષેક જ બાકી છે.

મમતા કુલકર્ણી શુક્રવારે સવારે મહાકુંભમાં કિન્નર અખાડામાં પહોંચી ગઇ હતી. જ્યાં તેણે કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને મળી તેમના આશિર્વાદ મેળવ્યા હતા. બંને વચ્ચે મહામંડલેશ્વર બનાવવા બાબતે એક કલાક સુધી ચર્ચા થઇ એ પછી કિન્નર અખાડાએ મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરની પદવી આપવાની જાહેરાત કરી હતી. મહામંડલેશ્વરનું આ બિરુદ મમતા કુલકર્ણીને કિન્નર અખાડા દ્વારા આપવામાં આવ્યું છે. વૈદિક મંત્રોના જાપ વચ્ચે તેણીને સિંદૂર અને હળદરથી અભિષેક કરવામાં આવ્યો. મમતાને દૂધથી નવડાવવામાં આવી હતી.

કિન્નર અખાડાના મહામંડલેશ્વર લક્ષ્મી ત્રિપાઠીએ મમતા કુલકર્ણી વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, “મમતા છેલ્લા 2 વર્ષથી અમારા સંપર્કમાં હતી. તે સનાતનમાં જોડાવા માંગતી હતી. તે પહેલા જુના અખાડામાં શિષ્યા હતી. પછી તે અમારા સંપર્કમાં આવી. પછી તેમણે પદની માંગણી કરી. તેમણે કહ્યું કે તેઓ મહામંડલેશ્વર બનવા માંગે છે. પછી અમે કહ્યું કે આ બધું કરવું પડશે જે તેણીએ કર્યું અને હવે તે મહામંડલેશ્વર બની ગઈ છે.”

મમતા કુલકર્ણીએ સંગમમાં પોતાનું પિંડદાન કર્યું. આ પછી અભિનેત્રીએ પવિત્ર જળમાં ડૂબકી લગાવી. મીડિયા સાથે વાત કરતા મમતા કુલકર્ણીએ કહ્યું, “આ મહાદેવ, મા કાલી અને મારા ગુરુનો આદેશ હતો. આ બધું તેમણે નક્કી કરી લીધું હતું. તેમણે આજનો દિવસ પણ નક્કી કરી લીધો હતો. મેં કંઈ કર્યું નથી.”

Twinkle