મુકેશ સોજીત્રા લેખકની કલમે

“મમતા એટલે શ્રદ્ધાનો સરવાળો” – કઈ રીતે એક નાસ્તિક પતિ પોતાની પત્ની માટે માનતા રાખે છે!!! વાંચો લેખકની કલમે

“એઈ સાંભળે છો !! મારું એમ આર આઈ થઇ ગયું છે. કશું ગંભીર આવ્યું નથી. ડોકટરે કીધું છે કે સવાર સાંજ ચાલવાનું રાખો. પગે મોજા પહેરીને રાખો. એક ચપ્પલ ઘર માટે અને એક ચપ્પલ બહાર માટે રાખવા. ઘરમાં પણ ચપ્પલ જ પહેરવા. ખાલી ચડવાનું કોઈ બીજું કારણ નથી. શરીરમાં અમુક તત્વોની ઉણપ અને ઉમર વધે ત્યારે શરીરમાં અમુક અવયવો શિથિલ થવા લાગે છે બાકી કોઈ ગંભીર રોગ નથી!!

ચાલવાનું ટટ્ટાર!! બેસવાનું ટટ્ટાર!! સુવાનું પણ ટટ્ટાર પથારીમાં એટલે કે કડક પથારીમાં!! એવું લાગે તો એક બેલ્ટ પહેરવાનો!! પ્લોંઠી વાળીને નહિ બેસવાનું લાંબો સમય!! છ મહિના ટીકડા લેવા પડશે!! કદાચ વિટામીન બી ૧૨ના ઈન્જેકશન પણ લેવા પડશે!! પણ મટી જશે!! હું તો પહેલેથી જ કહેતો હતો કે ઉંમર થઇ છે એટલે પગની પાનીની આજુબાજુ ખાલી ચડે છે.. પણ તોય તું ન માની ને?? અને હા સાંભળ આની તે કોઈ માનતા માની તો નથીને?? અને જો માની હોય તો હું આ વખતે પૂરી નથી કરવા દેવાનો એ ખ્યાલ રાખી લે જે!!” નયનશેઠે એની પત્ની મમતાને ફોન ઉપર કહ્યું. સામેથી મમતાનો જવાબ આવ્યો!!

Image Source

“હાશ હવે શ્વાસ હેઠો બેઠો!! કલાકથી ફોન કરતી હતી. પણ તમે ઉપાડતા જ નહોતા. ધરાહાર મોટા ઉપાડે એકલા ગયા હતા.. છોકરાએ કીધું તો ય એને ના લઇ ગયા.. મને ના લઇ ગયા!! મને લઇ ગયા હોત તો શું ખાટું મોળું થઇ જાત!! બે કલાકમાં તો ઘરે આવી જશોને!!” મમતાએ નિરાંતનો શ્વાસ લેતા કહ્યું!!

“ફોન અને પાકીટ એ બધું બહાર મુકવી દીધું હતું. અને નિદાન કરવામાં કલાક તો લાગે જે ને!! એક ગોળ બોગદા જેવા માં મને અંદર સુવડાવ્યો!! કાન અને આજુબાજુ મોટા મોટા લાકડા જેવા લાગતા ઢબુકલા ગોઠવી દીધા અને પછી ખટ ખટ પટ પટ એવા અવાજો આવતા રહ્યા. લગભગ આખા શરીરની નિદાન કરી નાખ્યું. એણે મહેનત ઘણી કરી પણ ખાસ કાઈ વાંધાજનક નીકળ્યું નહિ!! ફોન થોડો પાસે હોય!! મારા કપડાં પણ કઢાવી નાંખેલા અને ત્યાંથી એક બર્મ્યુડા જેવો લેંઘો અને ટી શર્ટ પહેરાવી દીધું બોલ્ય!!

અને તને સાથે લઇ જવામાં જોખમ તો ખરું જ ને!! તને તો મોટા શહેરમાં લઇ જાવ એટલે તારે નત્ય નવી વસ્તુઓ લેવાની હોય!! ઠાકોરજીના વાઘા ઠાકોરજીનું સિહાંસન એની વાંસળી, કંકુ અને તાંબા પીતળની લોટીઓ પણ દર વરસે લેવાની જ હોય ને એમાં જો રસ્તામાં જો કોઈ મંદિર આવી જાય એટલે બીજા બધા કાર્યક્રમ કોરાણે મુકીને તને એક જ મુદ્દાનો કાર્યક્રમ સુજે!! એ પણ દર્શન કરવાનો!! દર્શન પતે એટલે પ્રદક્ષિણા શરુ!! એ પતે એટલે મંદિર બહાર બેઠેલા ભિખારીઓને દાન અર્પણનો કાર્યક્રમ શરુ થાય..

બહાર નાની નાની કડબની કે રજકાની ભારીઓ લઈને બેઠા હોય એમાંથી બે ત્રણ ભારીઓ લઈને ગાયને જ્યાં સુધી તું ના ખવરાવે ત્યાં સુધી આ મંદિરવાળા કાર્યક્રમની પુર્ણાહુતી ના થાય!! બોલ્ય આમાં તને મારે કેમ કરીને હારે લઇ જવી!!” નયનશેઠ એની પત્ની મમતાને ફોન પર બરાબર ચીડવતા હતા!! “એ જલદી ઘરે આવી જાવ તમે આવ્યા પછી જ હું તમારી સાથે જમીશ” કહીને મમતાએ ફોન કાપી નાંખ્યો!! અને પછી નયનશેઠ ઘરે આવ્યા પછી જ મમતા એની સાથે જમી.

Image Source

નયનભાઈ અને મમતાબેનનું ૩૫ વરસનું દાંપત્ય આવી જ રીતે સુખરૂપ પસાર થઇ રહ્યું હતું. નયનભાઈ હાલતા અને ચાલતા મમતાબેન પર એની ધાર્મિકતાને લઈને કટાક્ષ કરતાં હોય પણ મમતાબેન ક્યારેય એનાથી ચીડાણા હોય એવું બન્યું નથી!! ક્યારેય હળવો કે મધ્યમ ઝગડો પણ આ બને વચ્ચે થયો હોય એવું એના પાડોશીઓ કે ગામની એમને ઓળખતી વ્યક્તિઓને જાણમાં નથી!!

બનેનો સ્વભાવ પણ એક બીજાથી વિરુદ્ધ દિશામાં!! એક પૂર્ણપણે અંતિમવાદી આસ્તિક તો એક સંપૂર્ણપણે અંતિમવાદી નાસ્તિક!! બે દીકરીઓ અને બે દીકરા!! બધા જ ઘરે બારે!! સંતાનોની ઘરે પણ સંતાનો!! બે ય દીકરાઓએ એમનો વારસાગત કપાસનો જીનીંગ ધંધો સંભાળી લીધો હતો. પહેલેથી સુખી હતા. લગ્ન થયા પછી તેઓ વધારે સુખી થયા હતા. સંતાનોના જન્મ પછી સુખમાં અનેકગણો ઉછાળો આવ્યો હતો. આમ તો નયનભાઈ મમતાને જોવા ગયા હતા ત્યારે પહેલી મુલાકાતમાં જ નયનભાઈને લાગ્યું હતું કે મમતા એનો અસ્વીકાર કરી દે છે!! કારણ ઘણા હતા એમાં બે કારણ મહત્વના હતા એક એ એનાથી વધારે પડતી રૂપાળી અને દેખાવડી હતી. ઈશ્વરમાં અને દેવી દેવતામાં મમતા ભારોભાર શ્રદ્ધા ધરાવતી હતી.

ગીરધરભાઈની દીકરી મમતાએ એને કેટલાક સવાલો પૂછ્યા હતા. જોકે એ વખતે છોકરા છોકરીઓ એક બીજા સાથે વાત કરતા નહિ વડીલો જ બધું નક્કી કરતા પણ તોય ગીરધરભાઈનો આગ્રહ હતો કે મારી દીકરી પુરેપુરી ધાર્મિક છે એટલે એ અને નયન વાત કરી લે તો સારું!! હવેલીના બીજા માળે એક મોટા હોલ જેવા ઓરડામાં નયનભાઈ બેઠા અને સામે મમતા બેઠી હતી. નયનભાઈ આખા ઓરડામાં બધું જ જોઈ રહ્યા હતા. આખો ઓરડામાં કોઈ જગ્યા એવી બાકી નહોતી કે જ્યાં કોઈને કોઈ ભગવાન કે દેવી ગોઠવાણા ના હોય!!

“શું જુઓ છો??” મમતાએ પ્રશ્ન કર્યો. “એ વિચારું છે કે આ ઘર છે કે મંદિર??” નયનભાઈ બોલેલા. “ઘર એક પ્રકારનું મંદિર જ કહેવાય ને??” મમતા બોલેલી. “ઠીક છે પણ આવી બાબતમાં હું ખાસ કઈ માનતો નથી, કોઈ માનતું હોય તો એનો કોઈ વિરોધ આપણે કરતા પણ નથી” નયનભાઈ બોલેલા. “ઈશ્વરીય શક્તિ વિષે તો માનો છોને!!? મમતા બોલી.

“ભારત દેશમાં મોટાભાગે લોકો માને છે એટલે કદાચ એવી શક્તિ હોય પણ ખરી!! પણ મને એવો કોઈ અનુભવ થયો નથી!! ધર્મ એ એક જાતનું અફીણ છે.. એનો નશો ચડ્યા પછી ઉતરતો નથી. માણસને એ માયકાંગલો બનાવી દે છે!! માણસને પોતાની તાકાત પરથી ભરોસો ઉઠી જાય ત્યારે એ આવા સહારા શોધે છે અને મનમાં ને મનમાં એ પોતે ધાર્મિક છે એટલે એનું ખરાબ નહિ થાય એવી ભાવનાને પોષ્યા કરે છે!!” નયનને ખ્યાલ આવી જ ગયો હતો એનું સિલેકશન થવાનું નથી એટલે શા માટે ખોટા મસ્કા મારવા?? જેવું છે એવું જ દેખાડવું એટલે એ પોતાના મનમાં જે હતું એ કહી દીધું.

“પણ હું તો આ બધામાં બહુ માનું છું!! કુળદેવીને તો વરસમાં લગભગ પાંચેક વાર નૈવેધ ધરાવું છું. ભગવાનને રોજ સવાર સાંજ આરતી પણ ઉતારું છું. જે ઈશ્વરીય તત્ત્વ થકી આ પંચ મહાભુતનો દેહ ટકી રહ્યો છે એને થોડું ભૂલી જવાય?? મોઢા પર સહેજ પણ કંટાળાનો ભાવ લાવ્યા વગર મમતા બોલતી હતી.!!

Image Source

“હોઈ શકે!! શ્રદ્ધા સારી વાત છે પણ શ્રદ્ધામાંથી ક્યારેય અંધ શ્રદ્ધા જન્મી જાય એનો ખ્યાલ રહેતો નથી અને રહી વાત માતાજીને કે ભગવાનને નૈવેધ કે થાળ ધરાવવાની વાત તો મને એટલો ખ્યાલ છે કે એ બધું હંબગ છે!! મારા ગામમાં ઘણાં લોકો આવા બધા થાળ અને નૈવેધ બીતા બીતા કરે છે એ એવું માને છે કે આવું ના કરીએ તો માતા કે દેવ કોપાયમાન થાય અને આપણું નખ્ખોદ કે અહિત કરી નાંખે છે.. આવી માન્યતાઓ એ ધરાવે છે. મારે ઘણીવાર તેમની સાથે દલીલ થાય છે કે આ તો પેલા ગુંડા જેવું થયું..

તમે ગુંડાઓને હપતો આપો તો એ તમને હેમખેમ રાખે અને તમારો ધંધા સારા ચાલવા દે પણ જો તમે એને ટાઈમસર હપતો ના આપો તો તમારું અહિત કરે!! એટલે મેં પહેલા જ કીધું કે લોકો ખરાબ કર્મો કરે છે અને પછી માનસિક રીતે અફસોસ થાય છે અને પછી આવા ધર્મના રવાડે ચડી જાય એને મનમાં એમ છે કે આવું કરવાથી મેં કરેલા ખરાબ કર્મો બળી જાય છે. બહુ ઓછા લોકો દિલથી ધાર્મિક હોય છે અમુક પોતાના કર્મોના ટેન્શન થી અને અમુક સારા દેખાવાની ફેશનથી ધાર્મિક હોય છે” એકી શ્વાસે નયન બોલી ગયો હતો. જવાબમાં મમતા હસી અને બોલી.

“તર્ક શક્તિ એક એવી શક્તિ છે કે એનો જો વધારે પડતો વિકાસ થઇ ગયો તો વિનાશ નોતરે છે!! આપને મળીને ખુબ જ આનંદ થયો.. ખુબ જ મજા આવી.. “કહીને મમતાએ બે હાથ જોડ્યા અને નયનને ચીકુનું સરબત આપ્યું. મુલાકાત પૂરી થઈ. કલાક પછી નયન અને તેના પિતાજી જવા રવાના થયા ત્યારે મમતાના પિતાજી બોલ્યા.

“મમતાને નયનકુમાર પસંદ છે!! બસ હવે ટૂંક સમયમાં ચાંદલા વિધિનું ગોઠવીશું. નયનના પિતાજી ખુબ ખુશ થયા. પોતાનો દીકરો નયન હવે ડાળે વળગવાનો હતો!! આજુબાજુના પરગણામાં આવા વેવાઈ એમને દીવો લઈને શોધવા જાય તો પણ મળે એમ નહોતા, નયન તો અવાચક જ બની ગયો. એ તો માની જ શકતો નહોતો કે સ્વભાવમાં આભ અને જમીનનું છેટું હોવા છતાં મમતાએ પસંદગીનો કળશ કેમ ઢોળ્યો હશે?? મનમાં એને હરખ પણ થયો પણ આ પ્રશ્ન ઘુમરાતો રહ્યો. છ માસમાં ચાંદલા થયા અને વરસ દિવસ પછી વાજતે ગાજતે બને વરઘોડિયા પરણી પણ ગયા. સુહાગ રાતે નયને મમતાને મનમાં ઘુંટાઈ રહેલ પ્રશ્ન પૂછ્યો અને મમતાએ તરત જ જવાબ આપ્યો.

“તમે સાચું બોલ્યા એ મને ગમ્યું. બાકી અત્યારે લોકો એક બીજાને માખણ ચોપડવામાં જ ઊંચા નથી આવતા!! તમારા જે વિચારો છે મારી આડે નહિ આવે.. મારા જે વિચારો છે એ તમારી આડે નહિ આવે!! બાકી તો પોઝીટીવ અને નેગેટીવ ભેગા થાય તો જ બલ્બ ઝળહળી ઉઠે એમ મારા વિજ્ઞાનના શિક્ષક ગાયત્રીબેન કહેતા હતા!! હું આ ઘરમાં આવી છું તો મારા દિલથી પ્રયત્નો હશે કે મારા પિતાજીને કોઈ ઠપકો નહિ મળે!! સાસરિયામાં જઈને દીકરી ફક્ત એટલું જ કરેને કે એનાથી એવું કોઈ કાર્ય ના થાય કે દીકરીના પિતાજીને મો નીચું કરવું પડે!! બસ આમાં જ બધું આવી જાય છે” કહીને મમતા નયનના પ્રેમમાં સમાઈ ગઈ!!

અને મમતાના આ શબ્દો બહુ જલદી સાચા પડ્યા. બે જ મહિનામાં મમતાએ ઘરનો કારભાર સંભાળી લીધો અને કુટુંબીજનોને પણ સંભાળી લીધા. શ્રીમંત ઘરને સંભાળવાનું ખુબ જ કપરું હોય છે. પણ મમતા તો આચાર અને વિચારોથી પણ શ્રીમંત ખરીને એટલે વાંધો ના આવ્યો. મમતા એ ઘરમાં ધાર્મિક વાતાવરણ જમાવી દીધું. નયનને કપાસનું જીન હતું. દર માસે બીજ આવે એટલે મમતાએ જીનના કામદારના બાળકોને જમાડવાનું શરુ કર્યું. કોઈ પણ ધાર્મિક કાર્ય કરવું હોય એટલે એ નયનને કહે. નયન ઘણી બધી દલીલ કરે મમતા સાંભળે!! થોડી વાર પછી નયન બોલે.

“ઓકે તારે જે કરવું હોય એ કર્ય!! મને વાંધો નથી!! પણ આ છેલ્લી વાર છે એમ માનજે!!” પણ આ છેલ્લી વાર કોઈ દિવસ થયું નહિ!! સાસુને સારણગાંઠનું ઓપરેશન આવ્યું અને એની માનતા મમતાએ માની! કુટુંબના દરેક સભ્યોની સુખાકારી માટે મમતા માનતા હતી અને વળી પૂરી શ્રદ્ધાથી એ માનતા પૂરી પણ કરતી હતી. ક્યારેક કટાક્ષમાં નયન બોલે પણ ખરો.

“તારું નામ મમતા ખોટું પાડ્યું છે!! તારું નામ “મમતા” ને બદલે “માનતા” હોવું જોઈએ.”
“તમને કદાચ ખબર નહિ હોય મારી મમ્મીએ ડાકોરની આઠ પુનમ ભરેલીને પછી જ મારો જન્મ થયેલો છે. હું માનતાની જન્મેલી છું. એટલે એ તો રહેશે જ” મમતા કહેતી અને ફટ દઈને નયન બોલતો. “માનતાના હોય ને ઈ જ કોઈનું માનતા ના હોય!! હવે સમજાયું કે આ ગળથૂથી ના સંસ્કાર છે!! ગળથુથીમાં પીધેલું હોય એ છેલ્લી ઘડી ગંગાજળ પીવેને ત્યાં સુધી ના જાય!! તું છેક સુધી આવી જ રહીશ એવી હવે ગળા સુધી ખાતરી છે” “વાહ તમે કેટલા સમજદાર છો.. મને મારી પસંદગી પર ગળા સુધી ખાતરી છે.. તમને પસંદ કરીને મેં કોઈ દિવસ ભૂલ નથી કરી!! મમતા હસીને કહેતી!!

સમય વીતતો ચાલ્યો. મમતા બે દીકરા અને દીકરીઓની મા બની જવાબદારીઓ વધતી ગઈ એમ એમ શ્રદ્ધા અને ભક્તિભાવ પણ વધતો ગયો. નયનને પણ ધંધામાં સફળતા મળતી ગઈ અને બની ગયા નયન શેઠ નયનશેઠ અને મમતા નાના સંતાનોને લઈને આખું ભારત ઘૂમી વળ્યા. નયન બસ ફરવામાં માને. એ લગભગ કોઈ મંદિરે અંદર દર્શન કરવા ના જાય!! બસ મંદિરની ભવ્યતા કલાત્મકતા અને કોતરણીકામ જોયા કરે. જે તે શહેરમાં કઈ જગ્યા કયું કયું સારું સારું ખાવાનું મળે છે શોધીને એ ખાવાનું કામ કરે!! મમતા અને એના સંતાનો નદીઓમાં નહાવાનું કામ કરે!! સમય સમયનું કામ કરે!!

સંતાનો પરણી ગયા. મમતા અને નયન શેઠ હવે નિવૃત થઇ ગયા હતા. બસ પછી તો મમતા ઘરમાં આખો દિવસ ધાર્મિક ચેનલ જોયા કરે. ગામની સ્ત્રીઓ સાથે રાતે સત્સંગ કર્યા કરે!! પોતાના બેય દીકરાના સંતાનોને રજાઓમાં પોતાની પાસે બેસાડીને વાર્તાઓ કહ્યા કરે!! ક્યારેક વળી ટીવીમાં આવતી કથા સાંભળવા પણ બેસાડી દે!!

નયન શેઠ ક્યારેક કહે. “આપણા જીનમાં ઘણી જગ્યા છે.. આ ઉનાળો હાલે છે.. બધા નવરા છે એક કામ કરવું છે આપણે ભાગવતની કથા બેસારીયે.. વક્તા તરીકે તું ચાલે એવી છો.. આમેય તે એટલી બધી કથાઓ સાંભળી છે કે કથાઓ તારામાં પુરેપુરી બેસી ગઈ છે. આ ટીવીમાં નત્ય નવા આવતા જાય છે એના કરતા તો તારું જ્ઞાન વધુ છે.. બોલ તું કહે તો ગોઠવી દઉં!! આજકાલ ક્થાકારોનો સેન્સેક્સ બહુ ઉંચો જતો રહ્યો છે.. અમુક કથાકારો તો લાખોમાં વેચાઈ રહ્યા છે, પહેલા કથાઓ જનમાનસમાં વહેચાતી હવે વેચાઈ છે”

Image Source

“તમે ઘરડાં થયા પણ ન સુધર્યા એ ના જ સુધર્યા!! સહુ સહુને યોગ્ય લાગે એ કરે.. આપણને ગમે એ આપણે કરવાનું.. એને ગમે એ કરે.!! પંચાવન વરસની ઉમરે મમતા બીમાર પડી!! લગભગ આખી જિંદગી એ બીમાર જ પડી નહોતી. ઘરના સભ્યોમાં એટલી એ ઓતપ્રેત રહેતી કે એને બીમાર પડવાનો પણ સમય મળ્યો નહોતો. પોતાની દીકરીઓના દીકરા માટે પણ એણે માનતા રાખી હતી. આવી મમતા વૃદ્ધાવસ્થામાં બીમાર પડી. શરૂઆત ચક્કરથી થઇ. સાથે તાવ આવ્યો.. નિદાન થયું નાનું આંતરડું સંકોચાય છે. દવાથી નહિ મટે તો ઓપરેશન કરવું પડશે.!! શહેરની મોટી હોસ્પિટલે એને દાખલ કરી!!
આખા ગામના લોકો વારફરતી હોસ્પીટલે ઉમટ્યા!! બને દીકરા અને નયન શેઠ હોસ્પીટલે હતા.. તાવ વધતો જતો હતો. શરીરમાં ખોરાક ટકતો નહોતો. ગામ આખું ખરા દિલથી પ્રાર્થના કરતુ હતું. ઘણા કહેતા પણ ખરા!!

Image Source

આપણા ગામમાં મમતા મા એટલે પારકી છઠ્ઠીની જાગતલ!! બાકી આટલો વૈભવ હોય ત્યાં આવું ના હોય!! ભગવાન પણ છેક જાતિ જિંદગીએ આવા ખેલ આદર્યા છે. બીજા શહેરમાંથી ડોકટરો આવ્યા. તાવ વધતો જતો હતો.. કોઈ દવા અસર નહોતી કરતી.. ઓપરેશન સિવાય બીજો કોઈ આરો નહોતો. આંતરડાના ઓપરેશનોમાં સફળતાની ટકાવારી બહુ જ ઓછી હોય છે. એટલે સહુને ચિંતા હતી.

ત્રણેક દિવસ રાહ જોવાનું રાખ્યું નહિતર પછી ઓપરેશન કરવું એવો સુર વ્યકત થયો. અને બીજા જ દિવસે મમતાની તબિયતમાં સુધારો થયો.!! તાવ ઉતરતો ગયો!! બીજા બે દિવસમાં એ હવે પ્રવાહી ખોરાક લેવા લાગી હતી. દવાની અસર હવે શરુ થઇ હતી. સહુના મોઢા પર હર્ષની લાગણી હતી. દીકરીઓ ના મોઢા પર નુર પાછું આવ્યું. સહુ ખુશ હતા. દસ દિવસ બાદ મમતાને ઘરે લાવવામાં આવી. બધા હજુ ખબર કાઢવા આવતા હતા. ગામનું એકપણ ઘર બાકી ના રહ્યું. નયન શેઠ આ બધા દિવસો દરમ્યાન ખડે પગે હતા.

એકાદ માસમાં તો મમતાનું શરીર સાવ સાજુ થઇ ગયું હતું. બે ટેબ્લેટસ કાયમ લેવાની હતી. ખોરાકમાં હજુ કાયમ માટે સાવધાની રાખવાની જરૂર હતી. નયન શેઠ હવે ઘરે જ રહેતા હતા અને આમેય જીનનો ધંધો તો છોકરાઓ સંભાળતા હતા. એક દિવસ સવારમાં નયન શેઠ પોતાના મોટા દીકરા દીપકને કહ્યું.

“મારા એક દુરના મિત્ર આવવાના છે. હું તેમની કારમાં જાવ છું. એમની ઈચ્છા મહારાષ્ટ્રમાં કપાસનું જીન કરવાની છે. તો એને માર્ગદર્શનની જરૂર છે એટલે હું એમની સાથે જાવ છું. કદાચ અઠવાડિયું થાય કે પંદર દિવસ.. તું તારી મમ્મી પાસે રહેજે.. જીનનું કામ સુરેશ સંભાળી રહેશે.” મમતાના માથા પર હાથ ફેરવીને નયન શેઠ એક નાનકડી સુટકેશ લઈને ઉપડ્યા. મમતા અને દીપક તેને જતા જોઈ રહ્યા.

નયન શેઠ ફટાફટ બસ સ્ટેન્ડ પર આવ્યા અને ત્યાંથી એક ગલીમાં થઈને બહાર નીકળ્યા અને ગામની બહાર એક કાચી કેડી પરથી પાકા રસ્તા પર ચાલવા લાગ્યા. મોઢા પર રૂમાલ બાંધી દીધો હતો. રસ્તાની એક બાજુ તે ઝપાટાબંધ ચાલી રહ્યા હતા. પોતે જીવનમાં પહેલી વાર માનતા માની હતી અને દ્વારકા જઈ રહ્યા હતા. પોતાની વહાલસોયી મમતા સાજી થઇ જાય તો એ ચાલીને દ્વારકાધીશના દર્શને જશે એવી માનતા અનાયાસે જ એના દિલ દિમાગમાં અંકિત થઇ ગઈ હતી. ગામમાં કોઈને ખબર પડે તો લોકો કદાચ એમ પણ કહે કે લે આ તો થોરે કેળા આવ્યા કહેવાય. એટલે જ નયન શેઠ ઝડપથી ચાલતા હતા. ઝટ ગામ વટી જવાય તો વાંધો નહિ!!

વીસેક મિનીટ નયન શેઠ ચાલ્યા હશે ત્યાં બાજુમાં એક કાર આવીને ઉભી રહી ગઈ. નયન શેઠ જોઈ જ રહ્યા કારમાંથી મમતા અને દીપક ઉતર્યા હતા. મમતા એ શેઠની સામે જોઇને કહ્યું. “આખી જિંદગી સાથે ચાલ્યા છીએ હવે દ્વારકાધીશની માનતા એ એકલા જશો??!!” મમતાની આંખોમાં અહોભાવની સાથે પોતાના તરફ અનહદ લાગણી દેખાતી નયન શેઠ જોઈ રહ્યા હતા. શેઠની આંખમાં આંસુ હતા. શું બોલવું એ એને સુજ્યું જ નહિ!! મૌન એ પ્રેમનું સહુથી શ્રેષ્ઠ સ્વરૂપ કદાચ આને જ કહેવાતું હશે.

“તમે ગયા પછી મેં તરત જ દીપકને કહ્યું કે તું માન કે ન માન તારા પપ્પા ચાલીને દ્વારકા જાય છે એ નક્કી છે.. આ આખો જન્મારો તમારી સાથે મેં કાઢ્યો છે એટલે હું તો તમને ઓળખું જ ને?? એટલે મેં કહ્યું ચાલ મને તારા પપ્પા સુધી મૂકી જા એ બહુ દૂર નહિ ગયા હોય!! હવે લાવો આ સુટકેશ!! સુટકેશ લઈને ધંધો થાય વેપાર થાય પણ માનતા ના થાય!! એ માટે આ થેલીઓ જ જોઈએ!! થેલીમાં તમારા કપડા નાંખી દો.. અને આ બુટ પણ કાઢી નાંખો આ બે જોડ ચપ્પલ છે એનાથી ફટાફટ ચલાશે..અને આમેય તમને ડોકટરે ચાલવાનું તો કીધું જ છે ને!!” કહીને મમતાએ થેલીમાં કપડા નાંખી દીધા અને સુટકેશ દીપકને આપી દીધી. મમ્મી અને પાપાનો આવો સમજદારી ભર્યો સ્નેહ જોઇને જ દીપક મોટો થયો હતો પણ આજે એને માતા તરફ માનનું પલડું સહેજ વધુ નમી ગયેલું જણાયું.

થોડી વાર ચાલ્યા પછી નયન શેઠ બોલ્યા. “ આમ તો હું આ બધું નથી માનતો પણ મને થયું કે પરિવાર માટે તે અસંખ્ય માનતાઓ માની છે અને છેલ્લી અવસ્થાએ તને આ બીમારી આવી એટલે જો એની માનતા હું ન માનું તો નગુણો કહેવાવ. તું સાજી થઇ ગઈ એટલે બસ તારા સુખને ખાતર આ માનતા માની હતી. બાકી હું આમાં સહેજ પણ માનતો નથી.

Image Source

“તો પછી રાતે હોસ્પીટલમાં બે બે વાગ્યે હું જે રૂમમાં હતી એની સામેની દીવાલ પર લગાડેલા કેલેન્ડરમાં દ્વારકાધીશના ફોટા સામે હાથ જોડીને કલાકો સુધી કેમ ઉભા રહેતા હતા!! તમને ખબર છે કે નાસ્તિક એટલે શું?? ચાલો તમને કહી દઉં કે નાસ્તિક એટલે આમ તો સવાયો આસ્તિક જ ગણાય. જે લગભગ દરેક શ્રદ્ધાનું પોસ્ટ મોર્ટમ જ કરતો હોય છે. એને પણ દરેકમાં શ્રદ્ધા હોય છે પણ એનો અહમ એવો મોટો હોય છે કે એ જાહેરમાં સ્વીકારે નહિ. બાકી એ જયારે ખરા દિલથી અને શ્રદ્ધાથી કોઈ માનતા માને છે ત્યારે ભગવાન એની માનતાને પહેલી પ્રાયોરીટી આપે છે!! મેં હોસ્પીટલમાં ઘણી વાર રાત્રે તમને કેલેન્ડરના દ્વારકાધીશ આગળ આંસુ વહાવતા અને પાર્થના કરતા જોયા છે ત્યારે જ મને લાગ્યું હતું કે હવે મને કોઈ રોગ કશું જ ના કરી શકે!! મારા પતિ એવો માસ્ટર સ્ટ્રોક રમ્યા છે કે ન પૂછો વાત ભગવાન પણ હવે બાંધછોડ કરશે ” મમતાએ નયનશેઠનો હાથ હાથમાં લેતા કહ્યું!!

“એક વાત કહું” નયન શેઠ બોલીને થોડી સેકંડ રાહ જોઈ અને પછી બોલ્યા. “આઈ લવ યુ ડીઅર!!” “મને ખબર છે તમારી લાગણી અને તમને એ પણ ખબર જ છે કે મારે સેઈમ ટુ યુ કહેવાની જરૂર છે ખરી???” બને ખડખડાટ હસી પડ્યા. પ્રસન્ન દાંપત્યની સુવાસથી બાજુમાં ઉગેલી આવળ અને કેસુડાં ના ફૂલો પળવારમાં ખીલી ઉઠ્યા!! દ્વારકાધીશની દિશામાં પ્રસન્ન દામ્પત્ય દમદાર રીતે ચાલ્યું જતું હતું!! જય દ્વારકાધીશ!!

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ” શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ.,મુ પો. ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team