દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

“મમ્મી તને કાઈ ખબર ના પડે!!” – ગાંડી ઘેલી તોય મા તે મા, આજે વાંચો મા – દીકરીના પ્રેમની અદભૂત સ્ટોરી, વાંચીને જો તમારા મમ્મી મમ્મી યાદ આવી જાય તો કોમેંટમાં મિસ યુ મા લખવાનું ભૂલતા નહી !!!

“મમ્મી તને કાઈ ખબર ના પડે!!”

તાપીને કિનારે આવેલ મોટા વરાછાની એક સમૃદ્ધ કહી શકાય એવી સોસાયટીના ઘર નંબર ૪૫માં થોડી ગંભીર ચર્ચા ચાલી રહી હતી. અચાનક જ માધવી બોલી એની માતા દયાબેનની સામું જોઇને.

“પ્લીઝ મમ્મી તને આમાં કઈ ખબર ના પડે.. તારા વિચારો આઉટ ઓફ ડેઈટ થઇ ગયા છે.. હવે જમાનો બદલાયો છે. ક્યાં સુધી તું તારા વિચારોને વળગી રહીશ..પ્લીઝ આમાં મને મારી રીતે વિચારવા દે જે.. અને હા પાપા અને ભાઈઓ તો તું કહે એટલું જ કરે છે.. બધી જ જગ્યાએ તું સાચી ન પણ હો” દયાબેન સહેજ હસ્યા પણ કશું બોલ્યા નહિ. પણ માધવીનો મોટો ભાઈ અંશુમાન બોલ્યો.

“ મમ્મીના વિચારો તને જુનવાણી લાગે છે એ શક્ય છે પણ અમુક મુલ્યો ક્યારેય આઉટ ઓફ ડેઈટ થતા નથી.. મમ્મીની પસંદગીનું પણ મુલ્ય હોય ને અને તને ખબર છે કે આપણા સગા સંબંધી તો ઠીક પણ આ સોસાયટીમાં પણ કોઈ દીકરા દીકરીઓના સંબંધની વાત આવે અને ક્યાય પણ જોવા જવાનું થાય ત્યારે મમ્મીને માનભેર લઇ જાય છે એ કઈ અમસ્તાજ નહિ લઇ જતા હોય છે.એમ તું મમ્મીને કાંકરાની જેમ કાઢી નાંખે એ થોડું ચાલે???”
“ એ તો એક એવી માન્યતા બંધાઈ ગઈ છે કે મમ્મીની પસંદગી સારી હોય.. આવી ખબર તો બધાને પડતી હોય છે એમાં કઈ નવી વાત નથી.. ઘણી વાર કાગનું બેસવું અને ડાળનું ભાંગવું પણ હોઈ શકે.. પણ લગ્ન મારે કરવા છે..જીવન મારે વિતાવવું છે.. મારી પસંદગીને પણ અવકાશ હોય જ ને!! તમે કોઈ કહેશો કે એ રીતેશમાં શું ખામી છે??? એ પૈસાદાર છે એ જ એનો ગુન્હો છે ને?? અને બધાજ પૈસાવાળા ખરાબ ના હોય!! અત્યારે જમાના પ્રમાણે પૈસાદાર લોકોને ખાલીખોટા બદનામ કરવામાં આવે છે અને ખાસ કરીને જેની પાસે ઓછી સંપતિ હોય એ તો ખાસ.. મને રીતેશ પસંદ છે મમ્મી..!! માધવી બોલી અને ઘડીભર સન્નાટો છવાઈ ગયો. છેલ્લે દયાબેને મૌન તોડ્યું.

“એમ તો પરાગમાં ક્યાં ખામી છે. હા એની સંપતી રીતેશ કરતા ઓછી છે.. સગવડ જ જીવનનો આધાર નથી.. મને તો આટલા વરસોના અનુભવે સમજાયું છે કે દીકરી માટેનું ઘર એવું જ શોધવું જોઈએ કે જ્યાં સંપતી કરતા સંસ્કારને વધારે મહત્વ અપાતું હોય.. મને રિતેશના ઘરમાં કાંઇક ગભરામણ જેવું થતું હોય એવું લાગ્યું. અને માધવી તને સાચું કહું કે આવા ઘરમાં વહુઓ મુંજાતી હોય છે.. તને ભણાવી ગણાવી બધી જ સ્વતંત્રતા આપી છે પણ તોય મા બાપની ફરજ તો બને જ છે કે દીકરીનું સારું ઠેકાણું ગોતવું જોઈએ જેથી ભવિષ્યમાં કદી કોઈ તકલીફ ના થાય.. અત્યાર સુધીમાં મેં ઘણા સગપણ કરાવ્યા. ક્યાય કોઈ ફરિયાદ નથી.અને તું રહી અમારી એકની એક અને ક્યાય ભેખડે ભરાઈ જઈ તો લોકો વાતો કરે ને કે દયાએ બીજાના સારા ઠેકાણા ગોત્યાં પણ પોતાની દીકરીના ઠેકાણામાં થાપ ખાઈ ગઈ!!
“ ફરી ફરીને એક ની એક વાત મમ્મી મને લાગે છે કે હવે તને અમુક બાબતો ક્યારેય નહિ સમજાય!! લાગે છે કે તું એક કેસેટ ગળી ગઈ છો.. તને પૈસાદાર લોકો પ્રત્યે એક જાતનો પૂર્વગ્રહ બંધાઈ ગયો છે.. તને મધ્યમમાર્ગ વાળા કે ગરીબ જ સારા લાગે છે.. તને બધા જ પૈસાવાળા લખણખોટા લાગે છે.. અને એવી આશંકા તો તું જ રહેવા દે જે કે રીતેશ સાથે હું લગ્ન કરીશ તો મારી ઉપર દુઃખના ડુંગર તૂટી પડશે.. સહુ સહુનું ભાગ્ય લઈને આવ્યા હોય છે એમાં કોઈ જરાક પણ આઘું પાછું ના કરી શકે.. સવાર સાંજ મંદિરે જાશો.. ગીતાજીના પાઠ વાંચે છો અને આખો દિવસ ટીવી પર સંસ્કારી ચેનલો જોયા કરશો તોય સમજ નથી પડતી કે ઈશ્વરની મરજી વગર પાંદડું પણ હલી ના શકે તો પછી આટલો બધો ભાર લઈને શું કામ ફરે છે?? એની મરજી હશે ત્યાં મારું ગોઠવાશે” માધવી દયાબેન સામું જોઇને બોલી.

“ઈશ્વરની મરજી વગર પાંદડું ન હલી શકે એ વાત સાચી બેના પણ તને કઈ દઉં કે ઈશ્વરનો ધંધો પાંદડા હલાવવાનો નથી..ઈશ્વરને બીજા ઘણા કામ હોય છે.. એ બધું કામ પવનદેવતા ને સોંપેલું છે.. સ્વતંત્ર હવાલો છે.. આ તારી જાણ ખાતર” માધવીથી મોટો એનો ભાઈ મયંક બોલ્યો.!!અને મયંકની બોલી જ એવી હતી કે ગમે તેવું ગંભીર વાતાવરણ એ પળવારમાં જ હળવું કરી નાંખે. થોડી વાર પછી બેય ભાઈઓ એના મોબાઈલમાં પરોવાયા. એમની પત્નીઓ પણ ઉપરના માળે પોતપોતાના રૂમમાં ચાલી ગઈ. બેય ભાઈઓના સંતાનો હજુ નાના હતા. એ પોતપોતાના રૂમમાં લેશન કરવામાં વ્યસ્ત હતા. સુરતના નાના નાના ભૂલકાઓને જુઓ ત્યારે તમને એક વાતનો ખ્યાલ આવ્યા વગર ના રહે કે અ બાળકોનો જન્મ ફક્ત લેશન કરવા માટે જ થયો છે!!!
માધવી પણ પોતાના રૂમમાં ચાલી ગઈ. હોલમાં ફક્ત દયાબેન અને પરશોતમભાઈ બને વધ્યા. એવામાં દયાબેને આસ્થા ચેનલ શરુ કરી અને પરશોતમભાઈ સોસાયટીના ગેઈટની સામે આવેલ એક બગીચાના કિનારે મુકેલ બાંકડા પર બેસવા માટે ચાલી નીકળ્યા!! છેલ્લા પંદર દિવસથી ઘરના વાતાવરણમાં એક ન કળી શકાય તેવો અજંપો ભળી ગયો હતો. બાકી સદા ખુશહાલ રહેતો અને આખી સોસાયટીમાં આ પરિવારના દાખલા દેવાતા. એક વિશિષ્ટ માન આ પરિવારને મળતું હતું!! પણ પરશોતમભાઈ જ્યારથી એના છેલ્લા સંતાન માધવી માટે મુરતિયો શોધવાની કડાકૂટ કરી રહ્યા હતા અને ત્યારથી ઘરમાં આવું વાતાવરણ થઇ ગયું હતું. દયાબેન અને માધવી વૈચારિક રીતે સામેસામા આવી ગયા હતા.

પરશોતમ હરજી!! વરસો પહેલા સુરત આવ્યા હતા. શરૂઆતમાં હીરા ઘસવાનું કામ કર્યું. પછી આઠ ઘંટીનું કારખાનું કર્યું.પોતે પરણ્યા. પત્ની દયાબેને જ્યારથી સુરતમાં પગ મુક્યો ત્યારથી પરશોતમભાઈની ચડતી કળા થઇ. કારખાનું સારું ચાલવા લાગ્યું. વળી ઘરે દયાબેને લોજ શરુ કરીને સાત જેટલા હીરાના કારીગરોને જમવા માટેની સગવડ શરુ કરી દીધી. આમેય નવરું બેસવું એ દયાબેનના સ્વભાવમાં નહોતું. શરૂઆતમાં જયારે દયાબેને વાત કરી ત્યારે પરશોતમભાઈએ મૂળમાંથી ના પાડી દીધેલી.
“ એ ધંધા નથી કરવા.. તું મને ત્રણ ટાઈમ જમાડી દે છો એ બરાબર છે. મલકના કારીગરોને જમાડીને આપણે કઈ બંગલા નથી બાંધવા.. પૈસાની એટલી ભૂખ હજુ આપણે ભડાકા નથી લઇ ગઈ કે મારે બાયડીની કમાણી ખાવી પડે”

“ તો પછી તમે એકલા રહો હું દેશમાં જતી રહું.. ત્યાં હું ખેતીના કામમાં તો મદદરૂપ થઈને સાસુ સસરાને ટેકો આપું.. બાકી અહી મને નવરા બેસવું ગમતું નથી.. બીજી બાયું તો બનીઠનીને બરોડામાં કે ચોકમાં આંટો મારીને દિવસ પસાર કરે..પણ મને એ ના ફાવે.. કામ ન કરું તો મને કીડીયું ચડે!! અને હજુ શરીર ચાલે છે ત્યારે બે પૈસા કમાઈ લઈએ તો ખોટું શું છે” દયાબેને થોડા જ દિવસોમાં પોતાના પતિને મનાવી લીધા અને લોજિંગ શરુ કરી દીધું.

પછી તો દયાબેન ત્રણ સંતાનોની માતા બન્યા. પરશોતમભાઈની કમાણી વધતી ચાલી. એકીસાથે ત્રણ ગાળા રાખીને ત્રણ માળનું મકાન મકાન બનાવ્યું. છોકરાઓ પરણી ગયા. ધંધે વળગી ગયા. છોકરાઓની ઘરે છોકરા થયા. બસ હવે એનું છેલ્લું સંતાન માધવી પરણાવવાની બાકી હતી. છોકરાઓ સારું કમાતા હતા એટલે પરશોતમભાઈએ કારખાનું બંધ કરી દીધું હતું. એ જગ્યા વેચીને સુરતમાં અલગ અલગ જગ્યાએ પાંચ મકાન રાખેલા.દર મહીને એનું સારું એવું ભાડું આવતું હતું!! છોકરાઓ પણ સારું કમાતા હતા. હજુ સુધી સયુંકત કુટુંબ હતું. ઘરમાં સહુ સહુનું કામ કરતા માધવીએ કોલેજ પૂરી કરી દીધી હતી. બાવીશ વરસની થઇ ગઈ હતી. દયાબેન જેવી જ રૂપાળી અને સુખમાં ઉછરેલી હતી એટલે થોડોક જીદ્દી સ્વભાવ હતો!!
અને આમેય સુંદર ચહેરા પર શિક્ષણ અને સાહ્યબી ભળે એટલે થોડી ઘણી જીદ ઘર કરી જ જાય!!
દયાબેન અને પરશોતમભાઈ પાસે અલગ અલગ છોકરાઓનો બાયોડેટા આવવા લાગ્યા. બાયોડેટા પ્રમાણે મુરતિયા જોવાનું શરુ થયું. અમુકના બાયોડેટામાં લખ્યું હતું કે છોકરો બેંકમાં નોકરી કરે છે. વાસ્તવિક તપાસ કરતા જાણવા મળે કે છોકરો બેંકમાં લોનું પાસ કરાવવાની કામગીરી કમિશનથી કરે છે. અમુક કન્સ્ટ્રકશન લાઈન બતાવે.તપાસ કરતા માલુમ પડે કે એ છોકરો નવા બિલ્ડીંગોમાં મજુરીથી સેક્શન બારીઓ ફીટ કરે છે. અમુકને ઓન્લી ઢોસાની લારીઓ પણ હતી. બાયોડેટાને આધારે જે ડાયમંડમાં હતા એ બધા મેનેજર હતા.. બધાનો પગાર ૭૦૦૦૦ કરતા વધારે હતો.. વાસ્તવિકતા માં પગાર કઈક અલગ હતો.. આ બધા બાયોડેટામાં એક સાવ અનોખો બાયોડેટા હતો.

છોકરાનું નામ પરાગ હતું. ત્રણ ભાઈઓમાં એ સહુથી નાનો હતો. એમ બી એ કર્યું હતું પરાગે. હજીરા બાજુ એક કંપનીમાં જોબ પર લાગ્યો હતો. સાથે જોબનો એપોઇન્ટમેન્ટ લેટર અને સેલરીની વિગતો હતી. દયાબેનને લાગ્યું કે આ છોકરો લાયક છે માધવી માટે. સહુ પ્રથમ દયાબેન અને પરશોતમભાઈ જોઈ આવ્યા. પછી બને ભાઈઓ અને ભાભી જોઈ આવ્યા. ઘરના મકાન હતા. અમરેલી બાજુના હતા. ત્યાં જમીન પણ હતી. છોકરા પાસે બહુ સંપતીતો નહોતી પણ પેલી જ નજરમાં દયાબેન પારખી ગયા કે છોકરામાં સંસ્કાર ભારોભાર પડેલા છે. છોકરાની આંખમાં એક ચમક હતી. બરાબર માધવીને પસંદ પડી જાય તેવો જ છોકરો!!
માધવી અને પરાગની મુલાકાત ગોઠવાઈ. માધવીને છોકરામાં કોઈ ખામી ન દેખાઈ.પણ સંપતિ ઓછી પડી.

“તમારે કાર નથી” પરાગને માધવીએ પૂછ્યું.

“હજુ સુધી જરૂર નથી પડી. જોબ પર આવવા માટે બીઆરટીએસ મળી જાય છે. વળી ગામડે જવાનું થાય ત્યારે બસો પુષ્કળ મળે છે. જરૂરિયાત ઉભી થાય ત્યારે ખરીદી લઈશું” પરાગે કહ્યું.

“ભવિષ્યનું શું આયોજન છે?” માધવીએ કહ્યું.

“ બસ અત્યારે તો એકલો છું અને સુખી છું.. કુંવારાને ભવિષ્યની ચિંતા ન હોય.. લગ્ન પછી મોટેભાગે દરેક પુરુષનું ભવિષ્ય એની પત્નીના હાથમાં હોય છે.. એટલે એ ભવિષ્ય સુધારવા માટે હું મારા પૂરતા પ્રયત્નો કરીશ” પરાગ જે બોલતો હતો એ દિલથી બોલતો હતો!!

“ અત્યાર સુધીમાં કોઈને પ્રેમ કર્યો છે??કોઈની સાથે લાગણીના સંબંધોથી બંધાયા છો.??” માધવીએ યોર્કર ફેંક્યો.

“હા તમે તો કોલેજ કરેલી છે એટલે ખ્યાલ હશે કે જે લોકો એમબીએ અને સીએમાં પાસ થઇ જાય એ લોકોનો પહેલો પ્રેમ પુસ્તકો જ હોય છે.. જીવનમાં અત્યાર સુધી પુસ્તકો સાથે લાગણીથી જોડાયેલો રહ્યો છું. અભ્યાસકાળમાં સફળ થવા માટે બેમાંથી એકની પસંદગી કરવી પડે કા પ્રેમ અથવા પુસ્તકો!! એવું મારા પ્રોફેસર કહેતા એટલે મેં પુસ્તકોને જ પ્રેમ કર્યો છે” પરાગે આત્મવિશ્વાસથી કહ્યું. મુલાકાત પૂરી થઇ. માધવીને પરાગના સ્વભાવમાં કોઈ ખામી લાગી નહિ.

ત્રણ દિવસ પછી અંશુમાનની પત્ની દિવ્યાએ દયાબેનના હાથમાં એક બાયોડેટા મુક્યો અને કહ્યું.

“માધવીની ખાસ મિત્ર પેલી નિશા નહિ!! એકદમ ઉંચી અને પોતાની કાર લઈને માધવીને મળવા આવે છે દર શનિવારે!! એણે મને ગઈકાલે આ બાયોડેટા આપ્યો છે અને કહ્યું કે માધવી આ છોકરાને એક વરસથી ઓળખે છે.. આની સાથે પરણવાનો માધવીને વિચાર છે..!!” તમે કહો ત્યારે છોકરાના માતા પિતા આપણને મળવા આવશે એમ એ નિશા કહેતી હતી.!!
દયાબેને બાયોડેટા પરશોતમભાઈને આપ્યો. બને એ વિગતો જાણી. છોકરાનું નામ રીતેશ હતું. એના પાપા ભૂતપૂર્વ કોર્પોરેટર હતા. દેખાવમાં છોકરો સારો હતો. સુરતની ચારેય દિશામાં જમીન હતી. વેસુ માં એક બંગલો પણ હતો. સચિન બાજુ કોઈ ફેકટરી હતી. બને બાજુથી જોવાનું ગોઠવાયું. સંપતી અપાર હતી.પણ છોકરા સાથેની વાતચીતમાં દયાબેનને જામ્યું નહિ. લોકોને પૈસાનું પારાવાર અભિમાન હોય એવું લાગ્યું. એમાં રિતેશના મમ્મી વર્ષાબેને દયાબેનને કહ્યું.

“અમારે રિતેશના મામાએ બે ત્રણ છોકરીઓ જે અમેરિકામાં છે ત્યાંથી પણ બાયોડેટા મંગાવ્યા છે.. એ લોકો તો તૈયાર છે બસ અમારી હા જોઈએ.ત્યાં રીતેશ માધવીને ઘરે લાવ્યો. રિતેશને છોકરી ગમે છે એટલે અમને આમ કોઈ ખાસ વાંધો નહિ. પણ અમારા સગા સબંધી બધા ઊંચા હોદાવાળા એટલે માધવીને આ ઘરમાં બરાબર સેટ થવું પડે.. રીતેશે એનો પણ માર્ગ કાઢી લીધો એ મને કહેતો હતો કે સંબંધ થઇ જાય પછી લગ્ન પહેલા માધવીને આપણે આપણા ઘરમાં મહિનો તેડાવી લઈશું.. અને પછી લગ્નનું ગોઠવીશું.. એટલે શું થાય કે લગ્ન વખતે એ અમારા કુટુંબમાં સેટ થઇ જાય!! શું કરું દયાબેન અમારે તો દી ઉગ્યેને ચાર પાંચ માંગા આવે છે” દયાબેન સાંભળતાં રહ્યા અને વર્ષાબેન પોતાના વૈભવ વિષે વાતો કરતા રહ્યા!!

દયાબેને જોયું કે ઘર મોટું વૈભવ મોટો છે પણ આ ઘરમાં દરેક વ્યક્તિ પોતે અલગ અલગ જીવી રહ્યા હતા ..કોઈને કોઈ માટે સમય જ નથી. પોતાની દીકરી માટે આવું ઘર તો એને માફક જ ન આવે!! ઘર તો એવું હોવું જોઈએ કે એકબીજાને સથવારે અને સ્નેહના તાંતણે સહુ બંધાયેલા હોવા જોઈએ. આવા ઘર ગમે તેવી આફત આવે અડીખમ ઉભા રહેતા હોય છે!!
અને પછી મથામણ શરુ થઇ.. માધવી સિવાય સહુ દયાબેન બાજુ હતા.. માધવીની પેલી પ્રાયોરીટી રીતેશ હતો.. દયાબેન ઘણું સમજાવતા પણ છેલ્લે માધવી જે એક વાક્ય બોલતી હતી એનો દયાબેન પાસે કોઈ જ જવાબ નહોતો!! માધવી દરેક ચર્ચાને અંતે કહેતી..

“પરણવાનું તો મારે છે ને તો આખરી પસંદગી તો મારી જ હશે..જેની સાથે મારે જીવન કાઢવાનું છે એ વ્યક્તિ મારી પસંદગીનો હોવો જ જોઈએ!!
બે દિવસ પછી નયનાબેનના પાપા કુરજીભાઈ આવ્યાં. નાનાજીને આવેલ જોઇને માધવી હરખઘેલી બની ગઈ.. નાનાજીની એ બહુ વહાલી હતી.. નાની હતી ત્યારે નાનાજી ના ખોળામાં બહુ રમેલી હતી આને આમેય ભાણેજડા ગામડાવાળાને બહુ જ ગમતા હોય છે!! તો બધાને ખુબજ ગમતા હોય છે. નાનાજી એ માધવીના સગપણ વિશેની તમામ વાતો જાણી એ બોલ્યા.

“દયા એક કામ કર માધવીને મારી સાથે અઠવાડિયું લેતો જાવ છું.. એની સારથની છોકરીઓ મને કહેતી હતી કે બાપા પાછા આવોને ત્યારે માધવીને ગામડે લેતી આવજો.. એ બધીય રાહ જોવે છે માધવીને!! માધવી તૈયાર થઇ ગઈ.
માધવી પોતાના મામાને ઘેર આવી. મામાની દીકરીઓ અને આજુબાજુની છોકરીઓ માધવીને જોઇને રાજી થઇ ગઈ.. ભાણીબાને તો મામાના રાજમાં જલસા જલસા જ થઇ ગયા. બે દિવસ પછી માધવી કુરજીબાપા સાથે પોતાના સંબંધની વાત કરતી હતી. ઘરમાં કોઈ નહોતું.. સહુ કોઈ વાડીયે ગયા હતા.. માધવી બોલી બધી વાત કરીને..

“દાદા તમે જે માનતા હોય એ પણ મારી મમ્મીને બહુ લાંબી ખબર પડતી નથી.. ખાસ કરીને અત્યારના સમાજના રીવાજો અને પસંદગી ની બાબતમાં મને તો એ જ સમજાતું નથી કે બધા મારી મમ્મીને આટલું માન કેમ આપે છે.. અહી ગામડામાં પણ જે મને મળે એ બધા મારી મમ્મીના ખબર અંતર પૂછે અને વળી એમ કહે કે દયા તો એની દીકરી માટે એવો મુરતિયો શોધશે કે કોઈ વાતની કમી નહિ હોય!! મલક આખામાં દયા જે સગપણ ગોતે એવું બીજું કોઈ ગોતી જ ન શકે!! પણ મને લાગે છે કે મમ્મીને કાઈ કઈ કરતા કઈ ખબર જ નથી પડતી”

“બેટા માધવી તારી ઉમર હજુ નાની છે એટલે લાંબી વિચારશક્તિ ન હોય એ સ્વાભાવિક છે પણ એક વાત કહું મારી દીકરી દયા તારી સોસાયટીનું જ નહિ પણ આ ગામનું એક ઘરેણું છે બેટા.. તારી માતાની છાપ આ ગામમાં બહુ જ સારી છે..દયા મારા સંતાનમાં સહુથી વધુ સમજુ અને ડાહી છે.. તને એક વાતની ખબર નહિ હોય ચાલ આજે તને દયાની એક વાત કહું” કહીને કુરાજીઆતા ઉભા થયા. ઘરમાં ગયા અને એક પટારાના તળિયેથી એક લગ્નનું આલ્બમ કાઢ્યું અને માધવીને આલ્બમ બતાવતા કહ્યું.
“આ તારી મમ્મીના પહેલા લગ્નનું આલબમ છે. તારા પાપા સાથે તો દયાના બીજા લગ્ન થયેલા છે..તને આ વાતની ખબર નથી.. આ બધું મારી ભૂલના કારણે થયું છે.. તું આ આલ્બમ જો એમાં તારી મમ્મી અસલ તારી જેવી જ દેખાય છે ને” કુરજીઆતા બોલતા હતા અને નવાઈભરી આંખોએ માધવી એની માતા દયાબેનના પહેલા લગ્નને જોઈ રહી હતી. એની માતા એની જેવી જ દેખાતી હતી એટલું જ નહીં પણ મેકઅપ વગર એના કરતા પણ વધારે સુંદર દેખાતી હતી. આલ્બમ જોયા પછી માધવીએ કુરજીઆતા સામું જોઈ રહી.કુરજીઆતા એ પોતાના દિલમાં ધરબાવેલી વાત શરુ કરી.

“દયા બાવીસ વરસ થઇ હતી.તારા પાપા સાથે એમનું પહેલું માંગું આવ્યું. સંબંધ લગભગ નક્કી હતો ત્યાં એક ધનવાન કુટુંબ તરફથી દયાનું માંગુ આવ્યું. હું સંપતિમાં મોહી ગયો. મેં વિચાર ફેરવ્યો. દયાએ ત્યારે મને એટલું કીધેલું કે બાપુજી પેલું માંગુ આવ્યું એ બરાબર છે. આ બીજી વાત આવી છે ત્યાં મને કશુક અજુગતું દેખાય છે..ત્યાં ન કરો તો સારું.. પછી જેવી તમારી ઈચ્છા!! એ ઘરમાં મને નહીં ફાવે એવું મારૂ મન કહે છે!! ત્યારે મારી મતિ મારી ગઈ હતી.. મેં પેલો સંબંધ તોડ્યો અને નવી જગ્યાએ તારી માતાને પરણાવી..ખુબ ધામધુમપુર્વક તારી માતાને વળાવી.. લગ્નના વીસ દિવસ પછી હું તારી મમ્મીના સાસરિયામાં ગયો. ઘરે દોમ દોમ સાહ્યબી પણ દયા વીસ જ દિવસમાં સુકાઈ ગઈ હતી. ઘરે મને કશુક અનછાજતું લાગ્યું. દયા એ તો મને કશું જ ન કીધું પણ એની જેઠાણી એ લાગ જોઇને મને કહ્યું..કુરજીભાઈ તમને એક વાત કહું તમારી દીકરીને આ કુવામાં ક્યાં નાંખી?? હું તો આવીને ફસાઈ ગઈ છું મારા બાળકોને કારણે હું રોકાઈ ગઈ છું બાકી આ ઘર બહારથી જેટલું સારું દેખાય છે એટલું જ અંદરથી ખરાબ છે.. દયાનો ઘરવાળો અને મારો દિયર લખણનો પૂરો છે.. રોજ રાતે દારુ પીને છાકટા થવાની એને ટેવ છે.. દયા અત્યારથી જ બધો ત્રાસ સહન કરે છે.. એ તમને કશું નહિ કહે.. એ ફૂલ જેવી આ ઘરમાં મરી જશે પણ મોઢામાંથી એક શબ્દ પણ તમને નહિ કરે!! મને એની દયા આવે છે તમને કુરજીભાઈ હું હાથ જોડું છું કે તમને તમારી દયાની દયા નથી આવતી??? તમે એને અહીંથી લઇ જાવ ઘરે રાખજો પણ અહી પાછી ન લાવતા જો તમને તમારી દીકરી વહાલી હોય તો” વાત કરતા કરતા કુરજીબાપાની આંખમાં આંસુ આવી ગયા. માધવીએ પાણી આપ્યું કુરજીબાપા એ પાણી પીધું અને વાત આગળ ચલાવી.
“બીજે દિવસે મેં દયાને વાત કરી કે ચાલ અઠવાડિયું પિયરમાં આંટો મારી જા..પણ જમાઈ અને સસરાએ ના પાડી કે અહી કામ કોણ કરે?? પણ હું એને હાથે પગે લાગ્યો.. બહુ કરગર્યો ત્યારે જમાઈ પણ અમારી સાથે આવવા તૈયાર થયો. જમાઈ એની કારમાં અમને લઈને ઘરે આવતો હતો. દયાએ એના કપડા પણ લીધા નહોતા કારણકે જમાઈ એક રાત રોકાઈને જતા રહેવાના હતા. ગામની સીમ આવી એટલે મારો પુણ્ય પ્રકોપ ફાટી નીકળ્યો.મેં કાર ઉભી રખાવી અને કહ્યું.

“ બસ મારી દીકરી હવે તમારે ત્યાં નહીં આવે..એક હેવાનને ત્યાં હું દીકરીને ન આપી શકું.. ઘરે આવવાની જરૂર નથી.. તું કદાચ સંપતિવાળા હશે એમ હું પણ આબરૂ વાળો છું.. મારી દીકરીનો સામાન બે દિવસમાં મોકલાવી દે જે અને તારા બાપને કહેજે કે જો ત્રીજો દિવસ થયો ને તો આ કુરજી જેરામ તારા જ ગામમાં આવીને તારી આબરૂ કાઢી નાંખશે નકામીના પટેલના પેટના છો કે… એમ કહીને એ નાલાયકને એક થપ્પડ ઠોકી દીધી અને હું દયા સાથે ઘરે આવ્યો. ઘરે આવીને દયા ખુબ જ રોઈ.. દયાની પીઠ પર અનેક ઉજરડા હતા.. વીસ જ દિવસમાં એ નાલાયકે મારી દીકરીને હેરાન કરી નાંખી હતી. બસ ત્રીજે દિવસે જ દયાનો બધો સામાન આવી ગયો. વાત ત્યાં પૂરી થઇ ગઈ. છ માસ પછી મેં દયાનું સગપણ શોધવાનું ફરીથી શરુ કર્યું. દયાએ મને કીધું કે બાપુજી પેલો સબંધ થયો હતો ત્યાજ મારા અંજળ પાણી છે એવું મને લાગે છે તમે ત્યાં જાવ મારું મન કહે છે કે તમારે બીજે શોધવાની જરૂર નહિ પડે. પણ હવે હું ક્યાં મોઢે જાવ!! પણ ચાર જ દિવસ પછી તારા પાપાના બાપા મારી ઘરે આવ્યા અને ફરીથી દયાનું સગપણ ત્યાં ગોઠવાયું અને તારા પાપા સાથે સાદાઈથી દયા પરણી ગઈ!! બસ આ આલ્બમ સાચવી રાખ્યો છે. આ આલ્બમનો નાશ કરવાનું મને મન ન થયું કારણ એટલું જ મારી દીકરી દયાના આમાં ફોટા છે” કુરજીબાપા થોડી વાર અટક્યા અને બોલ્યા.
“તું માને કે નહિ માને પણ માધવી તારી માતામાં ભગવાને એક ખૂબી મુકેલી છે. એ ઘર જોઇને કહી દે કે તેમાં રહેવાવાળા માણસો કેવા હશે.. મારી તો ભૂલ સુધરી ગઈ.. ઘીના ઠામમાં ઘી પડી ગયું..પણ આ ગામમાં ચાર કિસ્સા એવા બનેલા છે અને આપણા કુટુંબમાં જ એ કિસ્સા બનેલા છે જેમાં દયાએ ઘર જોઇને જ ના પાડી હતી કે અહિયાં સંબંધ ન કરાય અને તોય એ લોકોએ સબંધ કર્યો અને દુઃખીના દાળીયા થઇ ગયા.પછી તો તારી માતાની છાપ જ એવી પડી ગઈ કે દીકરી માટે સંબંધ ગોતવો હોય તો દયાબેન ને સાથે લઇ જવા અને દયાબેન ઘર ખોરડા અને માણસો જોઇને જે નિર્ણય કરે એ ફાઈનલ!! અમુક ઈશ્વરીય શક્તિઓ અમુક સ્ત્રીઓમાં જ આવતી હોય છે.. બધા આવા સદભાગી નથી હોતા.. એટલે હું કહું છું કે તારી માતા જ્યાં કહે ત્યાં આંખો મીંચીને પરણી જા.. એ છોકરામાં કે ઘરમાં સંપતી ઓછી હશે પણ સંસ્કાર તો ભરપુર હશે.. સંસ્કાર વગરના માણસો એ પાયા વગરની ઈમારત જેવા હોય છે” માધવી આ બધું સાંભળીને આભી જ બની ગઈ.. સુરત પાછી આવીને માધવીએ પોતાનો નિર્ણય જણાવ્યો કે

“ મમ્મી પરાગ સાથે મારું ફાઈનલ કરી નાંખો” અને સગપણ થઇ ગયું. બે મહિના પછી લગ્ન ગોઠવાયા. માધવીએ ઘરમાંથી વિદાય લીધી. પરાગના ઘરમાં માધવીનું ભવ્ય સ્વાગત થયું. માધવીની કલ્પના બહાર સુખ એને મળતું હતું. પરાગ એને જીવની જેમ સાચવતો હતો. વરસ દિવસ પછી માધવીને સારા દિવસો રહ્યા હતા. પરાગ અને માધવી ડોકટર પાસેથી સારા સમાચાર લઈને ઘરે આવતા હતા. અડાજણ ફલાય ઓવર પાસે એક કારને એક્સીડેન્ટ થયો હતો. પરાગ અને માધવી ત્યાં ટોળામાં જોવા ગયા. લોકો વાતો કરતા હતા.

“ચારેય ફૂલ થઈને ગાડીમાં આવતા હતા.. કરિયાવરમાં મા રોડ લઈને આવી હોય એમ બાપાનો રોડ હોય એમ ગાડી ચલાવતા હતા.. ભટકાણા.. બે જણા તો આહીને આહી ટોલી ગયા છે.. બે ની સ્થીતી ગંભીર છે.. કાર માંથી આખી રોયલ સ્ટેગની પેટી નીકળી હતી.. પેલા પોલીસ આવી ગઈ રોયલ સ્ટેગની પેટી આખી ઉઠાવી ગઈ પછી ૧૦૮ આવી અને ચારેયને લઇ ગઈ…!!કારનો નંબર માધવીને જાણીતો લાગ્યો.. એ રિતેશની કાર હતી!! જેની સાથે એ લગ્ન કરવાની ભૂતકાળમાં જીદ લઈને બેઠી હતી!! બીજે દિવસે છાપામાં આ સમાચાર ચમકયા હતા..
“અડાજણ પુલ પાસે ચાર નબીરા શરાબપાન કરીને ગાડી ચલાવતા ડીવાઈડર સાથે અથડાયા.. બેના ઘટના સ્થળે જ મોત અને બેની હાલત ગંભીર!! માધવીએ પુરા સમાચાર વાંચ્યા!! મનોમન એની માતાનો આભાર માન્યો.. થોડી વાર પછી માધવીએ દયાબેનને કોલ કર્યો.
“કેમ છો મમ્મા.. એક ખુશખબરી છે મમ્મા.. તું નાની બનવાની છો મમ્મા!! મિસ યુ મમ્મા!! લવ યુ મમ્મા!! બસ મમ્મા અત્યારે જ દવાખાને થી આવ્યા છીએ પરાગ કહેતો હતો કે સાંજે અમે ત્યાં આવીશું મમ્મા!! પરાગને કુંભણીયા ખાવા છે ને મમ્મા તો પાપાને કહેજે ને કુંભણીયાનો મસાલો લઇ આવે!! બસ સાંજે આવું છું મમ્મા!! મુકું છું મમ્મા!!” સામે દયાબેનને એક પણ શબ્દ માધવીએ બોલવા દીધો નહિ..!! અમુક હરખની હેલી એવી હોય છે બસ સંભાળવામાં જ મજા આવે છે!!

મા બાપ સંતાનોનું સારું જ ઇચ્છતા હોય છે.. સંતાનો ગમે તેવડા મોટા કે મોટી ડીગ્રીવાળા બને માતા પિતા પાસે તો એ હમેશા નાના જ હોય છે!! સંતાનોને ક્યારેય એ કહેવાનો હક જ નથી કે “મમ્મી તને આમાં કાઈ ખબર ના પડે”

લેખક :- મુકેશ સોજીત્રા
૪૨ , “હાશ” શિવમ પાર્ક સોસાયટી ,સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા .ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks