લેખકની કલમે

“મામેરું” – સતયુગ હોય કે કલિયુગ જો માનવીમાં માનવતા હશે તો કુદરત પણ મદદ કરવા દોડી આવશે, વાંચો આ વાર્તા કુવરબાઈનું મામેરું યાદ આવી જશે !!

  • “રૂપ લઈ ને અજાણનું, આવ્યો તું વેશે અલગ.
  • જાણી શક્યું નથી હજી, તારી લીલા આ જગ.”
                                     – અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

“ચાલ, પગ ઉપાડ જલ્દી. જો હવે આપણું ગામ બે ખેતરવાજ છેટું છે… ”
“હા… હા… તમને આટલી બધી ઉતાવળ કેમ આવી છે. અંધારું થાય એ પહેલાં પહોંચી જઈશું આપણાં ઘેર…”

“મને ઉતાવળ જલ્દી ઘેર પહોંચી વાળું કરવાની નથી. પણ પિયરમાં મામેરાનું કહેવા આવેલી આપણી દિકરી જ્યારે એના મામેરા માટે ખરીદેલ આ વસ્તુઓ જોશે ત્યારે એના મોઢા પર જે ખુશી છવાઈ જશે એ ખુશી જોવાની મને તાલાવેલી જાગી છે. એટલે કહું છું ઝટ પગ ઉપાડ. દીકરી આપણી રાહ રાહ ‌જોતી હશે…”

એક ગરીબ માતા પિતા ની એની દીકરીના ભાણેજ નું મામેરું ભરવાની તાલાવેલી અને એ પ્રસંગ ઉજવવા હૈયામાં હિલોળા લેતો આનંદ ખરેખર કાબીલેદાદ હતો. પોતાની પાસે પૈસાની ઝાઝી મૂડી ન હતી પણ હૈયામાં દીકરી ના પ્રેમની જે અમીરાત હતી અને એના લીધેજ જ્યારે એ બાપ ને ખબર પડી કે દીકરીનું મામેરું ભરવાનું છે બસ એ દિવસથી એ બાપ જ્યાં જાય ત્યાંથી મામેરા માટે વસ્તુઓ લેતો આવતો અને એ દિવસે પણ પોતાની બૈરી સાથે એ શહેર માંથી વસ્તુઓ લઈને ઘરે પરત આવતો હતો…
પરત ફરતી વખતે સંધ્યા સમય થઈ ચુકેલો ત્યાં સામેજ રસ્તા પર કમકમાટી ઉપજી જાય એવું દ્રશ્ય એ પતિ પત્નીએ જોયું. એમને જોયું કે એક અમીર લાગતા લગભગ પચાસેક વર્ષના શેઠ અને એમનો વિસ બાવીસ વર્ષનો દીકરો જે ગાડીમાં બેઠેલા હતા એનો અકસ્માત થયેલો. ગાડી રસ્તાની સાઈડ માં ખાડામાં ઉતરી ગયેલી. બંને બાપ દીકરા જેવા લાગતા અજાણ્યા વ્યક્તિઓ લગભગ બેભાન અવસ્થામાં પડ્યા હતા. આજુબાજુ કોઈ માણસ દેખાતું ન હતું. નજીક જઈ ને એ ગરીબ માણસે જોયું તો બંને અજાણ્યા વ્યક્તિના સ્વાસ્ ચાલી રહ્યા હતા. તરત એ ખેડૂતે એની ઘરવાળીને કહ્યું કે…
“આ બંને વ્યક્તિ ભલે અજાણ્યા રહ્યા પણ આમ એમને મરવા દેવાય નહિ. આપણે એમની બનતી સારવાર કરવી જ રહી…”
એ દયાવાન બાઈ પણ પોતાના પતિની વાતમાં સંમત થઈ અને ઝડપભેર ઘેર જઈ એ ભાઈ પોતાનું ગાડું લઈ એ અજાણ્યા વ્યક્તિઓને લેવા ફરી અકસ્માતના સ્થળે આવ્યો અને એ બાપ દીકરાને પોતાના ઘેર લઈ ગયો. ગામમાંથી ડોક્ટરને તાત્કાલિક બોલાવ્યા અને ડોક્ટરે કહ્યું કે…
“આ બંને દર્દીને તત્કાલિક કોઈ મોટી હોસ્પિટલમાં દાખલ કરવા પડશે… નહિતર જાનનું જોખમ છે…”
એ ગરીબ ખેડૂત માટે ધર્મસંકટ જેવું થઈ ગયું. એક તરફ દીકરીના મામેરાનો પ્રસંગ, એમાંય અકસ્માત થયેલ એ વ્યક્તિઓને નતો એ ખેડૂત કે ગામનો કોઈ માણસ ઓળખતો હતો. અરે એમને તો એ પણ ખબર ન હતી કે આ માણસો કયાના છે, કોણ છે… અને એમાંય સૌથી મોટો પ્રશ્ન પૈસાનો હતો. એના ઘરમાં ક્યાં તિજોરી ભરીને પૈસા પડ્યા હતા કે તરત એ માણસોને દવાખાને દાખલ કરી શકે…!!!

પોતાના બાપ ને આમ ચિંતામાં ગરકાવ થયેલ જોઈ એની દીકરી બાપ પાસે આવી અને બોલી…
“પિતાજી, તમે શેની ચિંતામાં છો એ હું જાણું છું. પણ એટલું યાદ રાખો કે આ અજાણ્યા માણસોનો જીવ બચાવવાનો અવસર ભગવાને તમને આપ્યો છે. અને આમ પણ જીવતા જીવને આપણે આપણાં દેખતા તો મરવા ન જ દેવાય… તમે મારા મામેરા માટે ઘડાવેલ દાગીના વેચી ને પણ આમનો જીવ બચાવો… લઈ જાઓ આમને દવાખાને… માણસ નો જીવ બચશે એ મારે મન સૌથી મોટું અને મહામુલું મામેરું હશે… ”
દીકરીની આવડી મોટી કુરબાની અને સમજદારી ભરી વાત સાંભળી બાપ ની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા અને એ બોલ્યા કે…”ધન્ય છે દીકરી તને… ધન્ય છે…”

એ ગરીબ બાપ દીકરીના મામેરા માટે ઘડાવેલ દાગીના અને ખરીદેલ બીજો સામાન લઈ એ બેભાન માણસો ને લઈ દવાખાને પહોંચ્યો. દવાખાને એમની સારવાર ચાલુ કરાવી. દવાખાનામાં બે ત્રણ દિવસની સારવાર બાદ એ બાપ દિકરો ભાન માં આવ્યા. દવાખાનાનું બિલ ચૂકવવા માટે એ ગરીબ બાપે મામેરાના દાગીના વેચ્યા પણ આ વાતની જાણ સુદ્ધાં એ અજાણ્યા માણસોને ન થવા દીધી.
દવાખાનાના ડોક્ટરો દ્વારા એ બાપ દીકરાને બધી હકીકતની જાણ થઈ કે કેવી રીતે એ ગરીબ ખેડૂતે એમનો જીવ બચાવ્યો અને બિલ ચૂકવવા પોતાની દીકરીના મામેરા માટે ઘડાવેલ દાગીના પણ વેચી માર્યા… ભાનમાં આવેલા અને અકસ્માતમાં બચી ગયેલા એ અમીર બાપ દીકરો તો એ ગરીબ ખેડૂતની પોતાને કરેલી મદદ અને આપેલી કુરબાની ને જોઈ જ રહ્યા. બન્ને પગમાં પડી ગયા એમના માટે ભગવાન બનીને આવેલા એ ગરીબ ખેડૂતના… ત્યારબાદ બંને એ પોતાનો પરિચય આપ્યો કે એ દૂર ના શહેર ના રહેવાસી છે. એમનો શહેર માં સોના ચાંદીનો મોટો ધંધો છે… ચાર પાંચ દિવસ માટે એ ફરવા અર્થે ગામડાઓમાં આવેલા અને ત્યાંજ એમની ગાડીનો એક્સિડન્ટ થયેલો.

તરત એ અમીર માણસ બોલ્યો…
“ભાઈ, તમે ચિંતા ન કરો. તમારી દીકરી એ આજથી મારી પણ દીકરી. અમારો જીવ બચાવવા તમે દીકરી ના મામેરાના ઘરેણાં પણ વેચી માર્યા. હવે એ દીકરી નું મામેરું હું કરીશ…”
ત્યારે બાજુમાં ઉભેલો એ શેઠ નો દીકરો પણ બોલી ઉઠ્યો કે…”હા, કાકા… તમારી દીકરીને હું આજથી મારી બહેન ગણું છું… કારણ એને જે ત્યાગ કર્યો અને અમારો જીવ બચાવવા તમારી હિંમત વધારી એવું તો કોઈ નજીકનું સ્વજન પણ ન કરી શકે…
હું એક ભાઈ બની મારી એ બેનનું મામેરું કરીશ…”

હોસ્પિટલમાંથી રજા લઈ પોતાના શહેર જતા પહેલા એ અમીર બાપ દીકરો આવ્યા એ ગરીબના ઘરે. ઘરમાં રહેલી એ ગરીબની દીકરીના માથે હાથ મૂકી એ માણસ બોલ્યો…
“બેટા, આજથી હું પણ તારો બાપ છું… આજથી મારો બંગલો એ પણ તારું પિયર ગણજે… તને કોઈ વાતે ઓછું નહિ આવવા દઉં…”
…અને એ બહેનનો ભાઈ બનેલો યુવાન પણ બોલ્યો કે…

“બેના, તારું મામેરું હું એવું ભરીશ કે બધા જોતા રહી જશે… મને તારો ભાઈ ગણજે એમ નહિ પણ આજથી હું તારો ભાઈ જ છું…”
બંને માણસો ત્યાંથી વિદાય થયા. દીકરીનું મામેરું એમને ખુબ લાડે કોડે ભર્યું… આખું ગામ જોતું રહી ગયું. બધા કહેતા પણ હતા કે… “આ દીકરી ના બાપે કરેલ સદકાર્યનું જ આ પરિણામ છે કે જાણે ભગવાન ખુદ આ અજાણ્યા માણસોનું રૂપ લઈ આ દીકરીનું મામેરું ભરી ગયો…”

મામેરાનો પ્રસંગ પત્યા બાદ એ ગરીબ ખેડૂત પોતાના ઘરના આંગણામાં ખાટલે બેઠા બેઠા વિચારતો હતો અને ઘરની ઓસરીમાં રહેલા ભગવાનના ગોખલા સામે જોઈ બોલી ઉઠ્યો…
“વાહ પ્રભુ, વાહ મારા વ્હાલા… તારી લીલા અને તારું ગોઠવણ પણ અજબ છે… કોઈ અજાણ્યાને મદદ અર્થે તે પહેલાં મારી દીકરીના મામેરાના દાગીના વેચાવ્યા અને વળી પાછા એ અજાણ્યા માણસોના હૃદયમાં બિરાજી એમના દ્વારા જ એ દાગીના અનેકો ગણા કરી દીકરીને આપી ગયો…!!! તારા રૂપ પણ અનેક છે એવું મેં સાંભળ્યું હતું પણ આજે પ્રત્યક્ષ જોઈ લીધું કે ભાઈ અને બાપ નું રૂપ લઈ તું મારી દીકરીનું મામેરું ભરી ગયો…!!!

…અને આંખોમાં ખુશીના આંસુ સાથે બે હાથ જોડી નમી પડ્યો એ ભગવાનની છબી સામે…

● POINT :-
કરેલા સદકર્મ નો બદલો ભગવાન આવી રીતે પણ આપી દે છે… એ , આપણે કરેલ સદકાર્યને કોઈ દિવસ માથે રાખતો નથી… નરસિંહ મહેતાની હૂંડી અને કુંવરબાઈ નું મામેરું પણ એને આમજ ભર્યું હતું ને…!!!

લેખક :- અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (શંખેશ્વર)
Author: GujjuRocks Team

દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.. “ગુજ્જુ રોક્સ” પરનો આ રસપ્રદ લેખ પસંદ આવ્યો હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.