ગુજરાતી ફિલ્મોના સૌથી લોકપ્રિય અને સૌથી ટેલેન્ટેડ અભિનેતા મલ્હાર ઠાકરનો આજે જન્મ દિવસ છે. મલ્હારે એના જીવનમાં ખુબ જ સંઘર્ષ કર્યો છે, સુપરસ્ટાર બનવા પાછળ એની મહેનતમ ધગશ અને કઠોર પરિશ્રમ જોડાયેલો છે. મલ્હારના જન્મ દિવસ માટે અમે ખાસ મલ્હારના જીવન વિષે જાણવાનો પ્રયત્ન કર્યો, અને જેમાં મલ્હારના બાળપણથી લઈને અત્યાર સુધીની ઘણી અવનવી વાતો અમને જાણવા મળી જે આજે અમે તમારી સાથે શેર કરીએ છીએ.

મલ્હાર વિષે ઘણું બધું જાણવા મળ્યું તેની અંદર એક સૌથી મહત્વની વાત મલ્હારના નામ વિશેની છે. આજે લાખો ગુજરાતીઓના મોઢે લોકપ્રિય અભિનેતા તરીકે મલ્હાર ઠાકરનું જ નામ આવે, પણ મલ્હારનું નામ મલ્હાર કઈ રીતે પડ્યું એ વાત કદાચ કોઈને ખાસ ખબર નહીં હોય.

મલ્હારનો જન્મ 28 જૂનના રોજ થયો અને જૂન મહિનો એટલે વરસાદનો મહિનો, 15 જૂનથી ચોમાસુ બેસી જતું. જ્યારે મલ્હાર તેમની માતાના ગર્ભમાં હતો ત્યારે મલ્હારના માતાને દીકરીની ઈચ્છા હતી અને મલ્હારના પિતા દીકરાની કલ્પના કરતા હતા. તેમના ઘરે પહેલું જ સંતાન આવનારું હતું જેના કારણે એ બાબતને લઈને તે ખુબ જ આનંદિત હતા. તો તેના પિતાએ નક્કી કર્યું કે દીકરો જન્મશે કે દીકરી, એ તો ભગવાનના હાથમાં રહેલું છે. પરંતુ આપણે તેનું નામ પહેલાથી ચોક્કસ નક્કી કરી શકીએ.

અને સમય પણ વરસાદનો હતો માટે તેના પિતાએ નક્કી કર્યું કે જો દીકરી આવશે તો આપણે તેનું નામ મેઘા રાખીશું. આ નામ તેમની પત્નીને ખુબ જ ગમ્યું, પણ દીકરા માટે તેમની પાસે બે વિકલ્પ હતા. જો ચાલુ વરસાદે જન્મ થશે તો દીકરાનું નામ મેઘ રાખીશું, અને પ્રસૃતિ બાદ એ દિવસે વરસાદ આવશે તો દીકરાનું નામ મલ્હાર રાખવું.

આ સહમતી સાથે એ સમય પણ આવી ગયો. 20 જૂનની આસપાસની પ્રસૃત્તિની તારીખ આપવામાં આવી હતી, અને 28 જૂન, 1990નો એ દિવસ. બપોરે 1 અને 55 મિનિટે પરિવારમાં એક ખુશીના સમાચાર આવ્યા. દીકરાનો જન્મ થયો છે. ત્યારબાદ મેઘરાજા પણ આ ખુશીમાં હાજરી પુરાવવા માટે આવી પહોંચ્યા અને મન મૂકીને વરસ્યા. જે રીતે નક્કી થયું હતું એ પ્રમાણે દીકરાનું નામ મલ્હાર રાખવામાં આવ્યું અને આજે આ નામ આખા ગુજરાતના મોઢે રમતું વાલીડું નામ બની ગયું છે.

મલ્હારના બાળપણ વિશે બીજી પણ કેટલીક બાબતો જાણવા મળી. મલ્હાર બાળપણમાં ખુબ જ નટખટ અને તોફાની હતો, ચંચળ પણ એટલો જ. પરંતુ આજે તે ખુબ જ ધીર-ગંભીર થઇ ગયો છે, પહેલા કરતા ઘણો જ પરિપક્વ પણ બની ગયો છે. જીવનના મહત્વને અને પરિસ્થિતિઓને તે બરાબર સમજી શકે છે. જીવનના કોઈપણ નિર્ણયને તે ખુબ જ વિચારીને લે છે.

મલ્હારના બાળપણ સાથે જોડાયેલી એક એવી ઘટના પણ છે જે કોઈને ખબર નથી. ઘણા બધા લોકોના જીવનમાં કોઈ એક જગ્યા ખાસ હોય છે. જ્યાં એ કોઈ વાતે નારાજ હોય, મનમાં કોઈ દુઃખ અનુભવતા હોય કે બાળપણમાં જયારે રિસાઈ જતા હોય ત્યારે ઘરના કોઈ એક ખૂણામાં જઈને બેસી જતા હોય જ્યાં તેને કોઈ જોઈ ના શકે. મલ્હારના જીવનમાં પણ એક એવી જગ્યા છે જ્યાં તેને ચાલ્યા જવું ખુબ ગમતું હતું, એ હતો એના ઘરના બેડરૂમના બેડનો ખૂણો, જ્યાં તે બાળપણમાં નારાજ થઇને ચાલ્યો જતો. એ જગ્યા દરવાજાની પાછળ હતી જેના કારણે બહારથી રૂમની અંદર જતા એ ક્યાં છે એ કોઈને દેખાઈ શકતું નહીં, પરંતુ તેના પપ્પા તિજોરીમાં પડતા મલ્હારના પ્રતીબીંબથી તેને જોઈ શકતા હતા.

મલ્હારનો એક બીજો કિસ્સો પણ ક્યાંય પ્રચલિત નથી જેમાં મલ્હારે સ્ટેજ ઉપર એક ગીતમાં પર્ફોમન્સ કર્યું હતું, ત્યારે તેને ચોઈણો પહેર્યો હતો, એ ચોઈણો થોડો ઢીલો હતો, અને ઉતરી જતો હતો. મલ્હારે આખું ગીત હાથમાં ચોઈણો પકડી રાખીને પૂરું કર્યું, જોનારને પણ એ વાતની ખબર ના પડી કે મલ્હારનો ચોઈણો ઢીલો છે અને ઉતરી જાય છે અને એટલા માટે તેને હાથથી પકડી રાખ્યો છે. બીજા બાળકો તો આવી પરિસ્થિતિમાં ગભરાઈ જાય પણ મલ્હારે સહેજ પણ ગભરાયા વિના આખું પર્ફોમન્સ પૂર્ણ કર્યું. જોનારને તો એમ જ લાગ્યું કે આ ગીતના એક ભાગ રૂપે તેને ચોઈણો પકડી રાખ્યો છે. આટલી સમજશક્તિ અને સભાનતા તેનામાં બાળપણથી જ હતી.

મલ્હારમાં એક એવો ગુણ છે જે તેની સાથે બાળપણથી લઈને અત્યાર સુધી જોડાયેલો છે અને ગુણ છે એનું સહ-સાથીપણું. બાળપણમાં જયારે મલ્હારના પિતા તેને બે કે પાંચ રૂપિયા વાપરવા માટે આપતા હતા ત્યારે પણ મલ્હાર મિત્રોને ભેગા કરીને જ એ વાપરતો. અને આ ગુણ મલ્હારમાં આજે પણ જોવા મળે છે. તે કોઈ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યો હોય કે ફિલ્મના કોઈ શૂટિંગમાં હોય ત્યારે બધાને સાથે જ રાખે છે. બધાની સાથે જમે છે તો ક્યારેક બધાને જમાડીને જમે છે. પણ ક્યારેય એકલા ખાવાની આદત નથી રાખી. બીજાને ખવડાવીને ખાનારો મલ્હાર સૌને સાથે રાખીને ચાલનારો માણસ છે. તેનો આ ગુણ દ્વારા જ તે આજે સુપરસ્ટાર કહેવાય છે.

મલ્હારની સૌથી નજીકમાં બાળપણથી અત્યાર સુધી કોણ રહ્યું એ જાણવાનો પ્રયત્ન કર્યો તો મલ્હાર તેના પિતરાઈ ભાઈ- બહેનોની સૌથી નજીક રહે છે. તેની એક પિતરાઈ બહેન છે જેની સાથે તેને સૌથી વધારે ફાવે છે, તે પોતાની કોઈપણ વાત તેની સાથે શેર કરી શકે છે. મલ્હારના ત્રણ મામાઓ છે જેમાં મનોજમામાને પોતાના લકી ચાર્મ માને છે અને દરેક પ્રીમિયર માં અચૂક બોલાવે છે. કારણ? “છેલ્લો દિવસ” ના પ્રીમિયરમાં મામા સાથે હતા અને એ ફિલ્મથી એ જાણીતો થયો. સમય મળે એટલે મલ્હાર ચૂપચાપ તેમના બા-દાદાને મળવા જતો રહે છે.

મલ્હાર આજે જે જગ્યાએ છે તે તેની આવડત અને મહેનત દ્વારા જ પહોંચ્યો છે, એમ કહેવામાં કોઈ બેમત નથી. મલ્હાર માત્ર ફિલ્મોનો હીરો નથી અસલ જીવનનો પણ સુપરસ્ટાર છે. લોકડાઉનની અંદર તેને ઘણા લોકોની મદદ કરી છે, ઘણા લોકોના ટેલેન્ટને પણ લાઈવ વિડીયો દ્વારા તેને બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે. આજે તેના જન્મ દિવસના પ્રસંગે અમને પણ ગર્વ થાય છે કે ગુજરાતના આ સુપરસ્ટાર મલ્હાર ઠાકર વિશે અમે આ વાતો જાણી શક્યા અને અમારા ફોલોઅર્સ સુધી પહોંચાડી શક્યા !!!
તમને મલ્હાર વિશેના આ બીજા આર્ટિકલ પણ વાંચવાના જરૂર ગમશે, જેમાં મલ્હાર વિશેની ઘણી વાતો આલેખાયેલી છે, એક ક્લિકે વાંચો:
ગુજરાતના સુપરસ્ટાર, મલ્હાર ઠાકરના ક્યારેય નહિ જોવા મળે એવા ફોટા, બાળપણથી લઈને આજ સુધીનું સૌથી બેસ્ટ કલેક્શન, ક્લિક કરી જુઓ
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.