રસોઈ

મજેદાર પાલક અને ચણા ની દાળ …..સ્વાસ્થય માટે ખુબ જ લાભદાયક છે – વાંચો રેસિપી

પાલક એ સ્વાસ્થય માટે ખૂબ જ લાભદાયક છે ત્યારે આપણે પાલક નું વિવિધ રીતે શાક બનાવી ને ખાઈએ છીએ, તો આજે અમે તમારી માટે ખૂબ જ હેલ્થી એવી પાલક અને ચણા ની દાળ ની રેસીપી લઈ ને આવ્યા છીએ.

ગુજરાતી વાનગી ની વાત આવી છે તો મોં માં પાણી આવી ગયું હશે, તેમાં પણ આપણે ગુજરાતીઓ માટે તો બાજરા ના રોટલા, રીંગણાં નું શાક ને લસણ ની ચટણી, કાચી ડુંગળી મળે એટલે સમજવા નું કે ભગવાન મળ્યા. પરંતુ ગુજરાતી વાનગી માં  પણ ઘણી એવી વાનગી છે કે જે સ્વાદ માં ચટપટી, મસાલેદાર અને લિજ્જતદાર છે. ગુજરાતી વાનગી માં ઘણા શાક છે કે જે ખૂબ જ મસ્ત છે જેને રોટલી, પુરી, રોટલા, પરાઠા,થેપલા,વગેરે સાથે ખાવા ની મજા જ કઈક અલગ છે. તો જે અમે તમારી માટે લઈ ને આવ્યા છીએ પાલક અને ચણા ની દાળ ની સ્વાદિષ્ટ -રેસીપી.

પાલક અને ચણા ની દાળ બનાવવા માટે ની સામગ્રી

 1. પાલક – 500 ગ્રામ (એક જુડી)
 2. ચણા ની દાળ – 150 ગ્રામ (3/4 કપ)
 3. ટમેટા – 2-3
 4. લીલા મરચાં – 2
 5. આદું – 1 ઈંચ લાંબો કટકો
 6. ઘી – 1 થી  2 ટેબલ સ્પૂન
 7. હીંગ – 1 ચપટી
 8. જીરું – અડધી ચમચી
 9. હળદર નો પાઉડર – ¼ નાની ચમચી
 10. ધાણાજીરું – એક નાની ચમચી
 11. લાલ મરચું – ¼ નાની ચમચી
 12. ગરમ મસાલો – ¼ નાની ચમચી
 13. લીંબુ – 1 નાનું
 14. કોથમીર – એક નાની વાટકી (ઝીણી સમારેલી)

પાલક અને ચણાદાળ બનાવવા માટે ની રીત:

 • ચણા ની દાળ ને ધોઈ અને તેને રાતે પાણી માં પલાળી રાખો. દાળ ને જો અગાઉ પલાળવા માં આવે તો તો દાળ જલ્દી ચડી જાય અને દાળ નો સ્વાદ પણ વધી જાય છે.
 • હવે પાલક ના પાન સાફ કરો, બે વખત સારા પાણી એ ધોઈ નાખો, પછી એક થાળી અથવા ચાયણી માં નાખી પાણી ને નિતારી નાખો. હવે આ ધોયેલી પાલક ને ઝીણી સમારી નાખો.
 • હવે ટમેટા, લીલા મરચાં, અને આદું ના ડીટિયા કાઢી તેની છાલ કાઢી લો અને પછી તેને પીસી લો.
 • હવે આ દાળ ને તમે બે રીતે બનાવી શકો છો. એક કુકર માં વખાર કરી ને અને તેમાં બધો મસાલો કરી ને નાખવો અને પછી પાલક અને ચણા ની દાળ નાખી સાથે ચડવા દો. અને બીજી રીત એ છે કે ચણા ની દાળ અને પાલક ને કુકર માં ઉકાળી ચડાવી લો અને વખાર અલગ થી તૈયાર કરી ને દાળ મા મિક્સ કરી દો. બંને રીતે દાળ ખૂબ જ ટેસ્ટી બને છે. તમને જે રીત સહેલી લાગે એ રીતે કરી શકો છો.
 • આપણે અહી દાળ નો કુકર માં વખાર કરી તેમાં દાળ નાખી ને બનાવીશું.
 • પહેલા કુકર માં ઘી નાખી ગરમ કરવા માટે મૂકી દો, ઘી ગરમ થઈ ગયા પછી તેમાં હીંગ અને જીરું નાખો, જ્યારે હીંગ ને જીરું તળાય જાય ત્યારે તેમાં હળદર નો પાઉડર, ટમેટા, લીલા મરચાં, આદું ની પેસ્ટ નાખી ત્યાં સુધી તળો  જ્યાં સુધી આ મસાલા માથી તેલ ના નીકળે.
 • હવે તળેલા મસાલા માં ઝીણી સમારેલી પાલક અને ચણા ની દાળ નાખી તેને 2 મિનિટ માટે મસાલા ની સાથે તળી લો. હવે દાળ ની માત્ર કરતાં ચાર ગણું પાણી (એટલે કે દાળ એક વાટકી હોય તો પાણી ચાર વાટકી નાખવું) નાખો. મીઠું અને લાલ મરચું નાખી કુકર ને બંધ કરી દો. જ્યારે કુકર માં એક સીટી થઈ જાય પછી ગેસ ને ધીમો કરી નાખો. ધીમા ગેસે દાળ ને 6 થી 7 મિનિટ સુધી ચડવા દો, પછી ગેસ બંધ કરી દો.
 • જ્યારે કુકર નું પ્રેશર ઓછું થઈ જાય કે ના રહે ત્યારે ઢાંકણું ખોલી નાખો, અને જુઓ કે દાળ ચડી ગઈ છે કે નહીં, (ચડેલી દાળ ને જો તમે ચમચા માં લઈ નીચે નાખો છો તો તેમાથી દાળ અને પાણી એક સાથે નીચે પડે છે) જો દાળ વધુ પડતી જાડી લાગતી હોય તો તેમાં આવશ્યકતા અનુસાર પાણી ગરમ કરી ને ભેળવી દો, ત્યાર બાદ તેમાં ગરમ મસાલો અને લીંબુ પણ મિક્સ કરી દો.
 • આમ પાલક ચણા ની દાળ તૈયાર છે. હવે દાળ ને એક વાટકી માં કાઢો અને તેની ઉપર કોથમીર અને ઘી નાખી સજાવી લો, ગરમા ગરમ પાલક અને ચણા ની દાળ તમે રોટલી, પરોઠા, નાન કે પછી રાઈસ સાથે પીરસી ને ખાઈ શકો છો.

સલાહ

 • પાલક ચણા ની દાળ માં તમે ઈચ્છો તો ઘી ની જગ્યા એ તેલ પણ વાપરી શકો છો.
 • જો તમે ચણા ની દાળ ને રાતે પલાળવી ભૂલી ગયા હોય તો દાળ બનાવવી હોય તેના ત્રણ કલાક અગાઉ ગરમ પાણી માં પલાળી ને પણ પાલક અને ચણા ની દાળ બનાવી શકો છો.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ