લેખકની કલમે

મજાક મજાક માં – વાંચો આ સમજવા જેવી વાત, ક્યારેક એવું ના બને કે આપણી મજાકથી કોઈનો જીવ જાય..!!

મજાક મજાક માં…

ગુજરાતના તમામ મોટા શહેરોમાં બાળકોને ઉઠાવીને વેચી નાખતી ટોળકી સક્રિય બની ગઈ હતી. પરપ્રાંત ની, બિહાર, ઝારખંડ કે એમ.પી. બાજુની ટોળી હોવાની ચર્ચા ચાલતી હતી બાળકો ને પીપરમેન્ટ કે ચોકલેટ આપી , લલચાવીને ઉઠાવી જવાના કિસ્સા વધી ગયા હતા.

અમદાવાદ જેવા મોટા શહેર માં આ બાબતે લોકોને સતેજ કરતા મેસેજ ફરી રહ્યા હતા.કોઇપણ જગ્યાએ પરપ્રાંત ના કે પછી બહાર ના લોકો ની ટોળી દેખાય કે સાવચેત બની જવાના મેસેજ ફરી રહ્યા હતા. લોકોમાં તેનો ગુસ્સો અને ધૂંધવાટ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા

પાલડી ચાર રસ્તા ઉપર ટપોરી જુવાનીયાઓ પીન્ટુ અને મનીષ કઈ તોફાન કરવા, કે સારી છોકરી દેખાય તો છેડતી કરવા ની તલાશ માં આમતેમ આંટા મારી રહ્યા હતા. છોકરીઓનો પીછો અને છેડતી કરવા માં તેમને પિશાચી આનંદ આવતો હતો.

પાલડી સ્ટેન્ડ પાસે લઘરવઘર ત્રણ સ્ત્રીઓ ને એક જુવાન છોકરી ને જોઇને બંને ની લાળ ટપકવા લાગી. શાંતિ થી બેસી રહેલી અને લઘરવઘર કપડા જોઈ બંને સમજી ગયા કે, આ બધી બહારગામ કે ગામડા ની લાગે છે. તેમાં જુવાન છોકરી રૂપાળી અને દેખાવડી હતી. મેલા ઘેલા કપડામાં પણ તે આકર્ષક લાગતી હોવાથી બંને તેના તરફ આકર્ષાયા
નજીક જઈને પીન્ટુએ પૂછ્યું, “તારું નામ શું છે ? તમે બધા ક્યાંથી આવેલા છો ?”
“ મારું નામ રાનું છે, આ મારી માં અને કાકીઓ છે, અમે દુર ગામડે થી આવ્યા છીએ. થાકી ગયા હોવાથી અહી બેઠા છીએ. અમને ભૂખ પણ લાગી છે.” રાનુએ નિર્દોષ ભાવે જવાબ આપ્યો. પણ તેને બંને ની આંખ માં તોફાન અને વાસના દેખાઈ રહ્યા હતા.

“ચલ તને ચા નાસ્તો કરવો હોય તો અમારી સાથે .સામેની હોટેલ મા.” મનીષે કહયું

“નહિ, હું મારી માં અને કાકી સાથે જ ઠીક છું.” રાનું ને ખ્યાલ આવી ગયો કે આ બંને મારી છેડતી કરવાનો દાવ ગોઠવી રહ્યા છે.

“તું એકલી જ અમારી સાથે ચાલ, તને ચા નાસ્તો કરાવીશું, તેમાં ફેમીલીરૂમ માં સાથે ખાઈશું, પીશું અને મજા કરીશું.” મનીષે મજાક ના મૂડ માં કહયું.
“ના, મારે નથી આવવું.” રાનું એ ખીજાઈ ને કહ્યું. તેને બંને ટપોરીઓ ના ઈરાદા ખબર પડી ગયા હતા.

મનીશ ને આ સાંભળીને ને મજા પડી, તેણે પીન્ટુ ને બાજુ પર લઇ જઈ કાન માં કહયું ,” જો, તું આ છોકરી ને ફસાવીને હોટેલ માં ચા પીવા લઇ આવે તો હજાર રૂપિયા તારા, નહીતો તું શરત હારી જઈશ અને, તારે મને હજાર આપવાના, બોલ છે મંજુર”, અનાયાસે તેણે શરત મારી દીધી

પીન્ટુ ને હવે જોશ ચડી ગયું, “ એમાં શું વળી ? દશ મિનીટમાં આ છોકરી ને ફસાવીને હોટેલ માં ચા પીવા લઇ આવું, પછીતો હું શરત જીતી ગયોને.”.એને એમકે આવી રખડતી છોકરી તો તરત ફસાઈ જશે..

“ હા,હા, જો તું શરત જીતી જઈશ તો હાજર હજાર તારા.” મનીષે પાનો ચડાવ્યો.

પીન્ટુ એ તો ચા નો આગ્રહ કરતા કરતા રાનું નો હાથ પકડી લીધો. તેની સાથેની સ્ત્રીઓ સડક થઇ ગઈ. રાનું એ ગરમ થઇ, હાથ છોડાવી, પીન્ટુ ના ગાલ પર જોર થી થપ્પડ મારી દીધી. પીન્ટુ ગમ ખાઈ ગયો. તેને દબડાવતા કહયું,” જો તમે બધા બહારગામ ના છો , તમને ફસાવી દઈશ. “

“ જા, જા, હવે, તારા જેવા તો કેટલાય આવી ગયા “ રાનું પણ ગાંજી જાય તેમ નહોતી.

પીન્ટુએ હજી દશ મિનીટ પહેલાજ મેસેજ વાંચ્યો હતો કે ,બહારગામના લાગતા માણસો પર નજર રાખજો, અને જો છોકરા ઉઠાવતી લાગે તો તરતજ પકડાવી દેજો. પીન્ટુએ તકનો લાભ લઇ બૂમ પાડી.

“પકડો, પકડો, આ બધા બૈરાઓ છોકરા ઉઠાવતી ટોળી ના લાગે છે, હમણા મારા ભત્રીજા ને ચોકલેટ આપી ફસાવતા મેં જોયા હતા.”
મનીષે પણ સાથ પુરાવતા કહયું,”પકડો, પકડો, આ બહારના બૈરાઓ છોકરા ઉઠાવવા ઘૂમી રહ્યા છે.” બંને હજી ખાલી મજાકના અને શરતના જ મૂડ માં હતા. તે ખાલી રાનું ને ફસાવવાની મજાક કરી રહ્યા હતા.
બુમરાણ સાંભળી ચારે તરફ થી લોકો ભેગા થવા લાગ્યા,” ક્યાં છે ?બાળક ચોર ક્યાં છે ?”

બહારગામ ની મેલીઘેલી સ્ત્રીઓ તરફ આંગળી ચીંધી બંને બોલ્યા,” આ રહ્યા, અમારી સોસાયટી માં છોકરા ને ચોકલેટ આપી ફોસલાવતા અમે જોયા છે.” પીન્ટુએ ગપ્પું મારી રાનું સામે આંખ મારી, જાણે ઈશારો કરતો હોય કેવી ફસાવી ?

ચારે તરફથી બસ્સો, અઢીસો માણસોનું ટોળું ભેગું થઇ ગયું, અને ભેગા થઈને માંડ્યા મારવા આ બધી સ્ત્રીઓ ને. ત્યાતો ચાર પાંચ માણસો મોટી ડાંગ લઈને આવ્યા,” ક્યાં છે બાળકચોર ?” બધી સ્ત્રીઓ સહેમી ગઈ, અને હાથ જોડીને બોલી, “ અમે તો ગામડે થી ભીખ માગવા કે કઈ કામ ની તલાશમાં આવ્યા છીએ. અમે કોઈ છોકરું ઉઠાવ્યું નથી, મહેરબાની કરો.”

પણ ટોળું કઈ માને? ટોળામાંના માણસોની સામાન્ય બુદ્ધિ બહેર મારી જાય છે. ગડદાપાટુ ના માર થી બધી સ્ત્રીઓ ઢળી પડી. કાલકુદી , વિનંતી, કોઈને ગણકાર્યા વગર ટોળું મારપીટ કરતુ રહ્યું.

મનીષ અને પીન્ટુ દુર ખસીને ભોઠા પડી ગયા. તેમણે તો રાનુંને ફસાવવા ખાલી મજાક કરી હતી, પણ અહીતો ???
ત્યાં તો એક મવાલી જેવા ગુંડા એ પોતાનો ગુસ્સો કાઢતા, ડાંગ ઉગામી કહયું, “ મારો, આ ડોશીને મારો.” કહીને તેને માથામાં બે ફટકા જોરથી માર્યા. ડોશી લોહીલુહાણ થઈને ઢળી પડી, આંખો ઉપર ચડી ગઈ, અને થોડી સેકંડ માં જીવ જતો રહ્યો. એક માજીનું મોત થતા ટોળું ગભરાઈ ,તરતજ વિખરાઈ ને ભાગી ગયું. રાનું માતા ના શબ આગળ બેસીને આંસુ સારી રહી હતી. રાનુંની માતાજી નો નિષ્પ્રાણ દેહ અને ફાટી ગયેલી આંખો પીન્ટુ અને મનીષ સામે ફિટકાર વરસાવી પૂછી રહ્યા હતા,” આવી મજાક તે કઈ હોતી હશે ??? “

દુર પોલીસ ની ગાડીની સાઈરન વગાડતી નજીક આવી રહી હતી..
લેખક – ડો. હર્ષદ વી. કામદાર
એમડી.ડી.પેડ,ડી.સી.એચ(મુંબઈ) એફ.આઈ.સીએ(યુએસએ)

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks