સંતરામપુરના તળાવમાં એક મોટી ગણેશ મૂર્તિને લઈને જતા તરવૈયાઓ સાથે અચાનક બનેલી ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. મૂર્તિના ભારે વજનને લીધે અચાનક જ તરાપાનું સંતુલન બગડતાં, તરવૈયાઓ સહિત મૂર્તિ તળાવમાં ડૂબી ગઈ હતી. જોકે, નજીકમાં રહેલી અન્ય બોટની મદદથી તમામને બચાવી લેવામાં આવતાં મોટી દુર્ઘટના ટળી હતી.
મંગળવારે સંતરામપુરના તળાવમાં નગરપાલિકા અને મામલતદારની દેખરેખ હેઠળ ફાયર વિભાગ અને તરવૈયાઓની મદદથી ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું હતું.
આ દરમિયાન, પીપળી ફળિયાની એક વિશાળ ગણેશજીની મૂર્તિને ગણેશ ભક્તો તળાવ કિનારે લાવ્યા હતા. આ મૂર્તિને લાકડાના તરાપા પર મૂકીને, તરવૈયાઓ અને મંડળના સભ્યો મળીને કુલ 15 વ્યક્તિઓ મૂર્તિનું વિસર્જન કરવા તળાવની મધ્યમાં લઈ જઈ રહ્યા હતા.
પણ જ્યારે તેઓ તળાવની મધ્યમાં પહોંચ્યા, ત્યારે મૂર્તિના વધુ વજનને લીધે તરાપાનું સંતુલન બગડ્યું. પરિણામે, તરાપો આડો થઈ ગયો અને ગણેશ મૂર્તિ સાથે તમામ તરવૈયાઓ તળાવમાં ડૂબી ગયા. સદનસીબે, તરાપાની નજીક અન્ય બોટમાં ફાયર વિભાગના કર્મચારીઓ હાજર હતા, જેમણે તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરીને તમામને સુરક્ષિત બહાર કાઢ્યા.
નોંધપાત્ર છે કે તરાપા પર બધા જ તરવૈયાઓ હોવાને કારણે તેઓ બચી ગયા હતા. વિસર્જન દરમિયાન સમગ્ર વહીવટી તંત્ર હાજર હતું, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના ઘટી નહોતી. વિસર્જન માટે ઉપયોગમાં લેવાયેલ પ્લેટફોર્મ લાકડાનું હોવાના કારણે તે ઢળી પડ્યું હતું, જે આ ઘટનાનું મુખ્ય કારણ બન્યું.
આ ઘટનાએ ગણેશ વિસર્જન દરમિયાન સુરક્ષાના મહત્વ પર ભાર મૂક્યો છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે યોગ્ય પગલાં લેવાની જરૂરિયાત દર્શાવી છે.