ધન્ય છે ગુજરાતની ધરાને… જમ્મુ કાશ્મીરમાં વીરગતિ પામેલા શહીદ મહિપાલસિંહના જન્મ દિવસ બનાવી દીધો ખાસ, હવે આ શાળા પણ ઓળખાશે તેમના નામથી

Shaheed Mahipal Singh’s birthday : ગુજરાતના વીર સપૂત મહિપાલસિંહ વાળા જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સામી છાતીએ લડીને વીરગતિ પામ્યા. તેમનુ મૂળ વતન સુરેન્દ્રનગરના જિલ્લાનું મોજીદડ ગામ હતું, પરંતુ તેઓ વર્ષોથી અમદાવાદના વિરાટનગરમાં રહેતા હતા.

ત્યારે તેમના શહીદની ખબર સાંભળતા જ આખું ગુજરાત હીબકે ચઢ્યું હતું અને તેમની અંતિમ યાત્રામાં પણ હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ગઈકાલ 15 ઓગસ્ટ અને શહીદ મહિપાલસિંહનો જન્મ દિવસ પણ હતો. આ ઉપરાંત તેમનું 12મુ પણ આજ દિવસે હતું.

શહીદના નામ પર શાળાનું નામ :

ત્યારે મહિપાલસિંહને તેમના જન્મ દિવસની ખાસ ભેટ સ્વરૂપે અને તેમને જે દેશ માટે બલિદાન આપ્યું છે તેને લઈને અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ શાળાને શહીદ મહિપાલસિંહ વાળાનું નામ આપવાની જાહૅરાત કરવામાં આવી છે.  15મી ઓગસ્ટના રોજ શાળામાં આયોજિત કાર્યક્રમમાં આ જાહેરાત કરવામાં આવી હતી.

જેમાં વીર શહીદને શ્રધાંજલિ આપવા માટે 2 મિનિટનું મૌન પણ રાખવામાં આવ્યું હતું. આગાઉ સ્કૂલ બોર્ડ દ્વારા 8 શાળાનું નામાભિધાન વીર શહીદોના નામ પર થયું હોવાનું જણાવતા વિરાટનગર વૉર્ડમાં આવેલા લીલાનગર સ્માર્ટ શાળા નંબર 2ને મહિપાલસિંહના નામે ઓળખવાની જાહેરાત પણ કરી.

રસ્તાને પણ આપ્યું શહીદનું નામ :

એટલું જ નહિ સુરેન્દ્રનગરમાં જડેશ્વર મહાદેવથી ધંધુકા તરફ જોડાતા  રોડને પણ વીર શહીદ મહિપાલસિંહ વાળાનું નામ આપવામાં આવ્યું છે. શહીદને વિરાંજલી આપવા માટે મોટી અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા હતા. ત્યારે આ પ્રસંગે જાહેરાત કરવામાં આવી હતી કે હવે જડેશ્વર મહાદેવથી ધંધુકાને જોડતા માર્ગને “વીર શહીદ મહિપાલસિંહ વાળા માર્ગ” તરીકે ઓળખવામાં આવશે. આ પ્રસંગે મોટી રેલીનું પણ આયોજન થયું હતું.

દીકરીનો થયો જન્મ :

જયારે મહિપાલસિંહ દુશ્મનો સામે લડી રહ્યા હતા, ત્યારે તેમની પત્ની પણ ગર્ભવતી હતી અને એક મહિના પહેલા જ તેમની પત્નીનું સીમંત હોવાના કારણે તે રજા પર ઘરે પણ આવ્યા હતા. ત્યારે તે પોતાના આવનારા સંતાનનો ચહેરો પણ ના જોઈ શક્યા. થોડા દિવસ પહેલા જ તેમની પત્નીએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો હતો. અને પરિવારે હર્ષભેર દીકરીનું નામ પણ “વિરલબા” રાખ્યું છે. ત્યારે પરિવાર આ દીકરીને પણ ભારત માતાની સેવા કરવા માટે મોકલવાનું જણાવી રહ્યો છે.

Niraj Patel