આવનારા સંતાનનું મોઢું જુએ તે પહેલા જ અનંતની યાત્રાએ નિકળ્યા શહીદ મહિપાલ સિંહ, પતિને શ્રદ્ધાંજલિ આપવા ગર્ભવતિ પત્ની પહોંચતા આખું અમદાવાદ હિબકે ચડ્યું
Mahipal Singh last salute by his pregnant wife : શુક્રવારે સાંજે જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ જવાનો શહીદ થયા અને આમાંથી એક મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના અને હાલ અમદાવાદ ખાતે રહેતા મહિપાલસિંહનો પણ સમાવેશ થાય છે. મહિપાલસિંહના શહીદ થયા બાદ તેમનો પાર્થિવ દેહ હવાઈ માર્ગે અમદાવાદ લાવવામાં આવ્યો હતો અને સદાશિવ સોસાયટી વિરાટનગર રોડ ઓઢવ ખાતેના નિવાસસ્થાને મુખ્યમંત્રી સહિત તમામ લોકોએ તેમને પુષ્પાજંલી અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
શહીદ મહિપાલસિંહની ગર્ભવતી પત્નીએ આપી તેમને છેલ્લે સલામી
અહીં શહીદની ગર્ભવતી પત્ની પણ પતિને છેલ્લી સલામી આપવા પહોંચી હતી અને આ દરમિયાનના જે દ્રશ્યો સામે આવ્યા તેણે તો બધાને રડાવી મુક્યા હતા. શહીદ મહિપાલ સિંહના પાર્થિવ દેહને છેલ્લી સલામી આપવા માટે ગર્ભવતી પત્ની પહોંચતા ઘણા કરૂણ દ્રશ્યો સર્જાયા હતા અને તેમની પત્ની ધ્રૂસકે ધ્રૂસકે રડતા વાતાવરણ પણ ગમગીન બની ગયુ હતુ. ગર્ભવતી પત્ની સહિત પરિવારજનોની આંખોમાંથી તો આંસુઓ જ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા અને તેમના કરુણ આક્રંદથી તો ત્યાં હાજર બધાની આંખો નમ થઇ ગઇ હતી.
કરુણ દ્રશ્યો જોઇ બધાની આંખો થઇ નમ
મહિપાલસિંહના પત્નીનું મહિના પહેલા જ સીમંત યોજાયું હતું અને તેમના ઘરે પારણું બંધાવવાનું છે, પણ આવનારા સંતાનનું મોઢું જોવે એ પહેલા જ તેઓ આતંકવાદીઓ સામે સામી છાતીએ લડતા-લડતા શહીદ થઇ ગયા. છેલ્લા 8 વર્ષથી 27 વર્ષિય મહિપાલસિંહ વાળા સુરક્ષા દળમાં ફરજ બજાવતા હતા અને તેમની પહેલી પોસ્ટિંગ જબલપુરમાં થઈ હતી, જ્યાં તેમણે 4 વર્ષ ફરજ બજાવી અને પછી ત્રણ વર્ષ સુધી ચંદીગઢમાં ફરજ બજાવી.
છેલ્લા 8 વર્ષથી મહિપાલસિંહ વાળા બજાવતા હતા સુરક્ષા દળમાં ફરજ
જો કે, છેલ્લા 6 મહિનાથી તેમની પોસ્ટિંગ જમ્મુ-કાશ્મીર થઈ હતી અને ત્યારે જ કુલગામના હાલાન જંગલ વિસ્તારના ઊંચા વિસ્તારોમાં આતંકવાદીઓનો સામનો કરતાં તેઓ વીરગતિ પામ્યા. શહીદ મહિપાલસિંહને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેમના નિવાસસ્થાને ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમના શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પણ પાઠવી હતી. આ સમયે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયર કિરીટભાઇ પરમાર, જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે. સહિત ધારાસભ્યોઓ ઉપસ્થિત રહ્યા હતા.
શહીદ વીરનો પાર્થિવ દેહ ઘરે પહોંચતાની સાથે જ લાગ્યા ભારત માતા કી જય અને વંદે માતરમના નારા
શહીદ વીરનો પાર્થિવ દેહ ઘરે પહોંચતાની સાથે જ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લાગ્ય હતા. જણાવી દઇએ કે, વિરાટનગર નિવાસસ્થાને હિન્દુ વિધિ પૂર્ણ કર્યા બાદ અંતિમ દર્શન માટે શહીદ વીરના પાર્થિવદેહને ચોગાનમાં રાખવામાં આવ્યો હતો અને અહીં હજારોની સંખ્યામાં લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
શહીદ વીરના ગત રોજ રાષ્ટ્રીય સન્માન અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમની વિરાટનગર ખાતેથી નીકળેવી અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને સેનાકર્મીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મહિપાલસિંહના ભાઇએ જણાવ્યું હતુ કે તેઓ સાથે 2-3 દિવસ પહેલા જ વાત થઈ હતી અને પછી તેમનો ફોન સ્વીચઓફ થઈ ગયો. જે બાદ સેનામાંથી રાત્રે 3 વાગ્યે ફોન આવ્યો અને ભાઈ શહીદ થયાના સમાચાર મળ્યા.
શહીદ વીરના પરિવારના એક સભ્ય એ જણાવ્યુ કે, દેશ આઝાદ થયો તે દિવસે મહિપાલસિંહનો જન્મ થયો હતો અને જ્યારે તેમનો જન્મદિવસ આ દિવસ ઉજવાતો ત્યારે નાનપણથી જ તેમને દેશ પ્રત્યે કંઈક કરી છૂટવાની ભાવના હતી. ધોરણ 12 પાસ કર્યા બાદ પછી તેઓ સેનામાં જોડાયા અને પછી તેમનું સૌથી પહેલું પોસ્ટિંગ જબલપુરમાં થયું અને પછી ચંદીગઢમાં. છેલ્લા 6-8 મહિનાથી તેમનું પોસ્ટિંગ જમ્મુ કાશ્મીરમાં હતું. તેઓ છેલ્લે પત્નીના સીમંત પ્રસંગે ઘરે આવ્યા હતા અને આ પ્રસંગ પૂર્ણ કર્યા બાદ તેઓ શ્રીનગર જવા માટે રવાના થયા હતા.
તેમની તેમની પત્ની સાથે 4 તારીખે છેલ્લે વાત થઇ હતી અને પત્નીની તબિયત અને પરિવાર વિશે તેમણે ખબરઅંતર પૂછ્યા હતા. આ પછી તેઓ ફરી જમ્મુ-કાશ્મીર જવા માટે રવાના થઈ ગયા હતા.સદાશિવ સોસાયટીના રહીશો અને રાજપૂત સમાજના અગ્રણીઓએ શહીદ વીરના નામની એક હજારથી વધુ ટી શર્ટ્સ બનાવડાવી હતી અને મહિપાલસિંહના ફોટા સાથે ટી-શર્ટ પહેરી યુવાનો જોડાયા હતા.
મહિપાલસિંહનો પાર્થિવ દેહ રવિવાર સાંજે 4 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યો હતો અને તે પછી તેમના તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. જે બાદ સાંજે 6.30 વાગ્યે વિરાટનગર રોડથી લીલાનગર સ્મશાન સુધી તેમની અંતિમયાત્રા નીકાળવામાં આવી અને આ દરમિયાન ઠેર-ઠેર શહીદ જવાનનાં બોર્ડ લગાવવામાં આવ્યાં હતા.