દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

રોજ પતિના હાથનો ઢોરમાર ખાતી, લોકોની ગાળો ખાતી આ મહિલાએ એક-એક રૂપિયો ભેગો કરીને આજે ૫૦૦ કરોડનો બિઝનેસ જમાવ્યો છે!

પારાવાર કષ્ટો સહીને પણ જે ઉગરી જાય છે, આગળ વધી જાય છે એ જીવનમાં પછી કદી પોતાની ચમક ગુમાવતું નથી. એ હિરાની જેમ સદાયને માટે ચમકી ઉઠે છે, સમાજને ઝળહળતી રોશની આપે છે. પણ, એના માટે શરૂઆતમાં એણે જે તાપ વેઠ્યો હોય છે એ તો વીતી હોય એ જ જાણે!

૧૨ વર્ષની બાળકીના ૨૨ વર્ષના પુરુષ સાથે વિવાહ:

Image Source

આ કહાની છે મહારાષ્ટ્રના અકોલા જીલ્લામાં આવેલ રોપરખેડા ગામની એક છોકરીની. અત્યંત દલિત અને પછાત વર્ગમાં એનો જન્મ થયેલો. કદી સારાં વેણ નહોતાં સાંભળ્યાં એણે; ગધેડાની ઓલાદ, હરામખોર, ઝેરીલી નાગણ…ને એવાં એવાં તો એનાં ઉપનામ હતાં! એનું નામ : કલ્પના સરોજ. કુરિવાજ કહો કે જે કહો તે પણ ૧૨ વર્ષની ઉંમરે એના લગ્ન કરી દેવામાં આવ્યાં. સાસરીયું મુંબઈની ઝુંપડપટ્ટીમાં હતું. પોતાનાથી દસ વર્ષ મોટો હતો એનો પતિ.

સાસરીયામાં એકે દિવસ સુખનો ન વીત્યો. કાયમ પતિથી માંડીને સાસુ-સસરા સહિત બધાનાં હડસેલા જ ખાવાનો વારો આવ્યો. બહુ જુલમ થતો સરોજ ઉપર. બાપને લાગ્યું કે હવે વધારે દિ’ દીકરી અહીં રહેશે તો મરી જશે! એને પાછી પિયર તેડાવી લીધી.

પિયરનાં પાણી પણ ઝેર જેવાં!:

પિયરમાં આવીને સરોજને સુખ થયું? ના રે, ઉલ્ટાનું બમણું દુ:ખ થયું! અહીં તો લોકોએ એના વિશે જાતજાતની અફવાઓ ઉડાડવાની શરૂ કરી. ઘોડા જેવી છોકરી થઈને બાપના ઘરના રોટલા દાબે છે! શરમ જેવી ચીજ આ નાક-કટીમાં છે કે નહી?

કલ્પનાથી હવે આ માર સહન ન થયો. એક દિવસ ઉંદર મારવાની દવા હાથમાં આવી ગઈ અને આત્મહત્યા કરવાનું ઠાની લઈને દવા ખાઈ પણ ગઈ! પણ ઉપરવાળાને આ મંજૂર નહોતું. એણે હજુ આ મુગ્ધાના ભવિષ્યમાં ઘણું લખ્યું હતું. અધૂરે ચોપડે એ ચાલી આવે એમ થોડું ચાલે?

પ્રયાસોની શરૂઆત, નિષ્ફળતાની વણઝાર:

Image Source

સરોજે નક્કી કર્યું કે તે પોતાનું અધૂરું ભણતર આગળ વધારશે. ભણવા બેસી પણ એમાં રસ ના રહ્યો. પછી મુંબઈ જઈને કંઈક કામ કરવાનો નિશ્વય કર્યો. એમાં પણ કંઈ વળ્યું નહી. એ પછી તેમણે કપડાનાં કારખાનામાં કામ કરવાનું નક્કી કર્યું. આખરે એ પણ છોડી દીધું.

આખરે એમણે ઠોસી લીધું કે હવે કરવો તો પોતાનો ધંધો જ! ભલે એ નાનો હોય, પણ પોતાનો હોય. સરકાર દલિતોને લોન આપે છે એ એને ખબર. તેમણે એની મદદથી એક સિલાઇ મશીન ખરીદી લીધું અને કામ શરૂ કર્યું. આખરે સરોજને સફળતા મળી. ધંધો સારો ચાલવા લાગ્યો.

સૌભાગ્યનું ભાગ્ય જ નહી!:

Image Source

હવે સરોજ મુંબઈ આવી. એ વખતે તેમની ઉંમર ૨૨ વર્ષની હતી. બીજી વાર તેમનાં લગ્ન થયાં. પતિને સ્ટીલના કબાટ બનાવવાનો ધંધો હતો. પણ લગ્નસુખ ઝાઝું ટક્યું નહી. પતિનું મૃત્યુ થયું. પાછળ બે સંતાનો હતાં. મરી પડેલા ધંધાને પણ પુન:ર્જીવિત કરવાનો હતો.

આખરે સરોજે કામ હાથમાં લીધું અને ભારે લગનથી સ્ટીલ-કબાટના ધંધાને પાછો ઊભો કર્યો. એ પછી નિયતીનું ચક્કર ફર્યું. સરોજે પોતાની કન્સ્ટ્રક્શન કંપની ખોલી અને શક્કરની મીલ અને બાદમાં સ્ટીલની મીલ પણ લઈ લીધી.

ઉન્નતિના શિખર તરફ:

Image Source

૨૦૦૬માં સરોજે પોતાની વહીવટી કુશળતાનો ખરો પરચો દેખાડ્યો. કમાની ટ્યૂબ નામની એક કંપની ખોટ ખાઈને બંધ પડી ગઈ હતી. સરોજે તેને ખરીદી અને એટલી કુશળતાથી ફરી બેઠી કરી કે આજે કમાની ટ્યૂબ ૫૦૦ કરોડનો વકરો કરનારી કંપની બની ગઈ છે!

આજે કલ્પના સરોજ માત્ર એક નામ નથી, બ્રાન્ડ બની ગઈ છે! ૫૦૦ કરોડનું તેનું કોર્પોરેટ સામ્રાજ્ય બિઝનેસ જગતમાં નામથી વજન પડાવે છે. ૨૦૧૩માં સરોજને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે પદ્મશ્રી એવોર્ડ પણ મળી ચૂક્યો છે. ગરીબ વિદ્યાર્થીઓ, આદિવાસીઓ અને બુઝૂર્ગો માટે તેમની પાસે હંમેશા સહાય વહેતી રહે છે. હોસ્ટેલો અને પુસ્તકાલયો માટે પણ તે ઉદાર સખાવત કરે છે.

ભારતીય મહિલા બેન્કના ‘બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ’માં કલ્પનાનો સમાવેશ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. બેન્કીંગ ક્ષેત્રમાં આવડો મોટો હોદ્દો? કલ્પના કોઈ બેકિંગ બેકગ્રાઉન્ડ તો ધરાવતી નથી એ છતાં? હા, કોઠાસૂઝનો અને તનતોડ પરિશ્રમનો એ કમાલ છે. કલ્પના સરોજ પોતે ભલે વાણિજ્ય પ્રવાહનું ભણી ન હોય પણ આજે અનેક એમ.બી.એ અને ગ્રેજ્યુએટ્સને તે નોકરી આપે છે!

Image Source

ક્યાં રોપરખેડાની સદાય તરછોડાતી છોકરી અને ક્યાં આજની પદ્મશ્રી કલ્પના સરોજ? જેને આગળ વધવું છે એને માટે પરિસ્થિતીની અગવડતા તો ઉલ્ટાની માનસિક મજબૂતાઇની તાકાત બનીને ઉભરે છે, નબળાઇ નહી!

[ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો લીંક શેર કરી દેજો, ધન્યવાદ! ]

Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks