ખબર

હજારો દીકરીઓના પાલક પિતા મહેશ સવાણીનો ફૂટ્યો ગુસ્સો: શહેરોમાં સ્પા, કપલ બોક્સ કેવા ગોરખધંધા ચાલે છે તે બધાને ખબર છે..

સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ થયેલા ફેનિલે ગ્રીષ્મા નામની યુવતીની તેની માતા સામે ગળું કાપીને હત્યા કરી નાંખવાના બનાવે સમગ્ર રાજ્યમાં સનસનાટી મચાવી મૂકી છે. આખા ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી આ જ ઘટનાની ચર્ચા થઇ રહી છે

એવામાં આ ઘટનાના પ્રત્યાઘાત રૂપે સામાજિક આગેવાનોએ શહેરમાં કપલ બોક્સ અને સ્મોકિંગ પાર્લર બંધ કરાવવાની માંગ કરી રહ્યાં છે, આજે સુરત પોલીસ કમિશનરે આ સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. સુરત પોલીસના જાહેરનામા પ્રમાણે, હવેથી સુરતમાં હોટલો, કોફીશૉપ, કાફે અને રેસ્ટોરન્ટની આડમાં ધમધમતા કપલ બોક્સ (જેમાં યુવક યુવતીઓ કેબીન જેવા બોક્સમાં કાંઈ પણ કરી શકે છે) પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત હોટલો અને રેસ્ટોરન્ટમાં સ્પષ્ટ રીતે દેખાય તે પ્રમાણે બેઠક વ્યવસ્થા ગોઠવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ હોટલો અને રેસ્ટોરન્ટ અને કાફેમાં સીસીટીવી લગાડવાનો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે. વધુમાં આવા સ્થળો પર અશ્લિલ કૃત્યો તેમજ નશીલા કે કેફી પદાર્થોનું સેવન ના થવું જોઈએ. આ સિવાય સ્કૂલ, કૉલેજ, ટ્યૂશન ક્લાસ અને મહિલા હોસ્ટેલ બહાર કારણ વિના પુરુષોને બેસવા કે ઉભા રહેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસનું કહેવું છે કે, કિશોરીએ કે સ્ત્રીઓ, બાળકીઓ પોતાને સુરક્ષિત સમજે તેના માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મહિલાઓ નિર્ભય બનીને ઘરની બહાર હરીફરી શકે તે જરૂરી છે. ગઈકાલે મંગળવારે હત્યારા ફેનિલને સુરત સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કામરેજ પોલીસે કબજો મેળવ્યો હતો અને આજે બુધવારે સુરત પોલીસ દ્વારા રિમાન્ડ માટે ફેનિલને કઠોર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને 5 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

ઘણાય અનિષ્ટ તત્વો સ્કૂલ કે કોલેજ જતી સ્ટુડન્ટ, પોતાના કામે એકલી જતી યુવતીઓને અભદ્ર ચેનચાળા, પીછો કરીને, ગંદા શબ્દોના ઉચ્ચારણ કે મહિલાઓ પર હુમલો કરીને પજવતા હોય છે. અમુક કેસોમા રેપ જેવા ગંભીર બનાવો પણ બને છે. જેથી આવા બનાવોને અટકાવવા તેમજ મહિલા સુરક્ષા વધારવાના હેતુસર પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામુ પાડી 17મી ફેબ્રુઆરીથી શહેરી વિસ્તારમાં વ્યાજબી કારણ વગર સ્કૂલો-કોલેજો, ટ્યુશન-ક્લાસ તથા મહિલા હોસ્ટેલ આજુ-બાજુ બેસી રહેતા, ઉભા રહેતા પુરૂષો ઉપર કેટલાંક નિયંત્રણો ફરમાવ્યા છે.

ગુજરાતના ચકચારી ભરેલા કેસ ગ્રીષ્મા હટકાંડના એક પછી એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે. હત્યારા ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતા તેને પોલીસ સમક્ષ પણ કેટલીક રજુઆત કરી હતી ત્યારે હવે આ મામલામાં ફેનિલ અને તેના એક મિત્રની ફોન ઉપર થયેલી વાતચીતનો એક ઓડિયો પણ સામે આવી રહ્યો છે.

સુરતમાં થયેલી માસુમ ગ્રીષ્માની હત્યાના પડઘા આખા દેશની અંદર પડી  રહ્યા છે. આ મુદ્દે ઘણી મોટી હસ્તીઓ પણ પિતાની વાત સામે રાખી રહી છે. ગુજરાતના ઘણા લોક કલાકારોએ પણ આ ઘટનાને વખોડી છે. તો હવે આ મામલામાં સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી પણ સામે આવ્યા છે. તેમને સુરતમાં ચાલી રહેલા કપલ બોક્સ ઉપર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

સુરતની અંદર કપલ બોક્સ અને સ્પા તેમજ મસાજ સેન્ટરની અંદર ચાલતા ગોરખ ધંધાઓથી આખું ગુજરાત અવગત છે. ઘણીવાર પોલીસ દ્વારા પણ ત્યાં રેડ પાડી અને  પર્દાફાશ કરવામાં આવે છે. ત્યારે હવે આ બાબતને લઈને હજારો દીકરીઓના પાલક પિતા મહેશ સવાણીએ પણ તેમના ફેસબુક એકાઉન્ટ ઉપર પોસ્ટ શેર કરી પોતાની વાત સામે રાખી છે.

મહેશ સવાણીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે “શહેરોમાં સ્પા, સ્મોકિંગ ઝોનમાં કેવા ગોરખધંધા ચાલે છે તે બધાને ખબર છે.. હવે કપલ બોક્ષ આવ્યા….જો તેઓ પતિ – પત્ની છે તો શું ઘરે બેડરૂમ નથી ??? અને જો તેઓ પતિ – પત્ની નથી જ તો તેઓને આવી સગવડતા આપીને શું કામ સમાજનું અધઃપતન કરો છો…

સીધા – સાદા ,વ્યસન વગરનાં ,જરુર પુરતું બોલનારા , સમજી વિચારીને ખર્ચ કરનારા છોકરાઓને આજના સમયમાં બધી નહીં તો પણ‌ ઘણી છોકરીઓ બાયલા સમજે છે. જ્યારે વ્યસનોના બંધાણી , બેફામ ખર્ચ કરી પૈસા ઉડાવી દેનારા, ખોટો દેખાડો કરનારા , હીરોગીરી કરતાં , ટપોરી ટાઈપના છોકરાઓ … ઘણી છોકરીઓના આદર્શ છે.

 

સોશ્યલ મીડિયામાં ચિત્ર – વિચિત્ર વિડિયો, ફોટાઓ જોઈને વડીલો મનમાં મુંઝાઇ રહ્યા છે. તેઓને કોઈ કહેવાની હિંમત કરતું નથી એટલે જ ઘણા છોકરાઓના માનસ વિકૃત બની રહ્યા છે… તેઓ હિંસક અને આક્રમક બની રહ્યાં છે.

સમાજ ક્યાં રસ્તે જઈ રહ્યો છે ? બધાને ખબર છે … પણ કોઈ બોલતું નથી , બોલે છે તો સામે વાળા સાંભળતા નથી…. હવે વધારે વાર નથી , ખુબ ઓછા સમયમાં આપણે આપણી આજુબાજુ એવી ઘટનાઓ જોશું… જેની આપણે કલ્પના પણ નહીં કરી હોય. વડિલો, શિક્ષકો , બુધ્ધીજીવીઓ, સમાજ સુધારકો …. ભિષ્મ પિતામહ ની જેમ ખુલ્લી આંખે સમાજનું વસ્ત્રાહરણ જોઈ રહ્યા છે… તો વળી કોઈએ આંખો બંધ કરી લીધી છે‌. સૌ લાચાર છે… કારણકે તેઓ શિખામણ આપવા જાય તો તેઓને જુની પેઢીના, ગમાર, અભણ નું લેબલ લાગી જાય છે…. અપમાન કરી હડધુત કરવામાં આવે છે…

બધાને સત્ય ૧૦૦ ટકા સમજાશે… પણ ત્યાં સુધીમાં ખુબ મોડું થઈ ગયું હશે , પાછું વળવું અશક્ય હશે કારણકે સમય પાસે રિવર્સ ચાવી નથી…. અત્યારથી જ સમજી જાવ તો સારું છે બાકી આવનારો સમય એવી થપ્પડ મારશે કે તમ્મર આવી જશે. ભગવાન સૌને સદબુદ્ધિ આપે !”

મહેશ સવાણી દ્વારા ફેસુબુકમાં કરવામાં આવેલી આ પોસ્ટ ખુબ જ વાયરલ થઇ રહી છે અને લોકો પણ તેમની આ પોસ્ટ ઉપર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. મહેશ સવાણીએ ગ્રીષ્માની હત્યા ઉપર એક ટ્વીટ કરીને પણ તેને શ્રદ્ધાંજલિ આપી હતી.