ખબર ગુજરાત જીવનશૈલી દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક

મહેશ સવાણીએ આપી માનવતાની નવી મિશાલ, સાસરિયા દ્વારા એસિડ એટેકનો ભોગ બનેલી દીકરીના કરાવ્યા પુનઃ લગ્ન

સુરતના અગ્રણી ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી હજારો દીકરીઓ માટે પાલક પિતા બનીને પોતાની ફરજો નિભાવે છે. દર વર્ષે કેટલીય દીકરીઓના લગ્ન કરાવે છે. પરંતુ હાલમાં તેમને જે કાર્ય કર્યું છે તે ખરેખર વંદનીય છે.

હિંમતનગરની પરણિતા એક દીકરી જેને સાસરીમાં ખુબ જ ત્રાસ આપવામાં આવતો હતો અને તેના ઉપર એસિડ પણ નાખવામાં આવ્યું હતું તે દીકરીના પુનઃ લગ્ન કરાવીને તેને એક નવું જીવન આપ્યું છે. આ મહિલા ઉપર તેના પતિ અને સાસરીવાળા તરફથી એસિડથી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેની આંખ અને ચહેરા ઉપર ગંભીર ઈજાઓ થઇ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર જયશ્રીબેન નામની એક મહિલાના લગ્ન થોડા વર્ષો પહેલા થયા હતા. આ લગ્ન સામસામે થયા હતા જ્યાં જયશ્રીના ભાઈના લગ્ન જયશ્રીના પતિની બહેન સાથે કરવામાં આવ્યા હતા. લગ્ન બાદ જયશ્રીને એક દીકરો પણ હતો. પરંતુ થોડા જ સમયમાં આર્થિક સંકળામણના કારણે તેના પતિએ આત્મહત્યા કરી લીધી હતી.

પતિની આત્મહત્યા બાદ જયશ્રી પોતાના ભાઈ અને પિતા સાથે રહેવા આવી ગઈ. પરંતુ જ્યશ્રીના પિતાના ઘરે રહેવા આવવાથી તેના ભાઈના લગ્ન જીવનમાં પણ વિક્ષેપ પડ્યા હોવાનો આરોપ લાગવા લાગ્યો જેના કારણે ભાઈ અને પિતાએ પણ જયશ્રીને તરછોડી દીધી હતી.

ત્યારબાદ જયશ્રીએ પોતાના પુત્રનું ભરણ પોષણ કરવા માટે બીજા એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા, તેને પણ લગ્ન બાદ એક પુત્ર અવતર્યો, પરંતુ પતિ દારૂ પી અને રોજ તેની સાથે મારઝૂડ કરતો હતો અને સાસરિયા તરફથી પણ ત્રાસ આપવામાં આવતો હતો. જયશ્રી મહેશભાઈ સવાણી સાથે સતત 2 વર્ષથી વૉટ્સએપના માધ્યમથી સંપર્કમાં હતી.

થોડા સમય પહેલા જ જયશ્રીએ મહેશભાઈને ફોન કરી અને પોતાની આપવીતી જણાવી હતી અને સાસરી તરફથી કરવામાં આવેલા એસિડ એટેક વિશે પણ જણાવ્યું હતું. ત્યારબાદ મહેશભાઈએ હિંમતનગરમાં રહેતા પોતાના એક મિત્ર રજુ પંચાલની મદદથી જયશ્રીને સાસરિયાની ચુંગલમાંથી છોડાવી અને દીકરીઓના આશરા માટે બનાવેલા “જનનિધામ”માં આશરો આપ્યો હતો.

ગત 17-10-2020ના રોજ જયશ્રી માટે દિપક નામના એક યોગ્ય યુવકની પસંદગી કરી અને વરાછા મંદિર ખાતે તેના લગ્ન કરાવ્યા હતા. આમ મહેશભાઈએ ફરીએકવાર માનવતાની નવી મહેક પ્રસરાવી હતી.