ઢોલીવુડ મનોરંજન

મહેશ-નરેશની અંતિમ વિદાયને એક મહિનો પૂર્ણ થતા કરવામાં આવી પિંડ તર્પણ વિધિ, સમગ્ર પરિવાર થયો ભાવુક

ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયા અને તેમના ભાઈ મહેશ કનોડિયાના નિધનને આજે એક મહિનો પણ પૂર્ણ થઇ ગયો છતાં પણ હજુ માનવામાં નથી આવી રહ્યું કે તે આપણી વચ્ચે નથી. મહેશ-નરેશના નિધની આખું ફિલ્મ જગત અને તેમના ચાહકો દુઃખી છે. ત્યારે એક મહિના બાદ તેમની પિંડ તર્પણ વિધિમાં ફરી પરિવાર ભાવુક થયેલો જોવા મળ્યો.

કનોડિયા પરિવારના સભ્યોની તર્પણ વિધિ સામાન્ય રીતે સિદ્ધપુરમાં કરવામાં આવે છે પરંતુ હાલમાં કોરોના સંક્રમણના કારણે સિદ્ધપુરમાં તર્પણ વિધિ બંધ કરી દેવામાં આવી છે. ત્યારે કનોડિયા પરિવાર દ્વારા સપ્તેશ્વર ખાતે પિંડ તર્પણ વિધિ કરી હતી.

નરેશ કનોડિયાના મોટા દીકરા સૂરજ કનોડિયાએ પોતાના હાથે પિંડદાન કર્યું હતું. આ પ્રસંગે સમગ્ર કનોડિયા પરિવાર બાવુક બન્યો હતો અને ત્યાં ઉપસ્થિત તમામની આંખો પણ મહેશ-નરેશને યાદ કરીને છલકાઈ ઉઠી હતી.

નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયાએ સોશિયલ મીડિયામાં આ પિંડ તર્પણ વિધિની કેટલીક તસવીરો પણ શેર કરી છે. સાથે તેમને લખ્યું છે: “પૂજ્ય મહેશબાપા તથા પપ્પા ના સરામણાં ની વીધી સમગ્ર કુટુંબીજનો ની હાજરીમાં નિવાસસ્થાને કરી અને મોટાભાઈ સુરજ કનોડિયા સાથે સપ્તેશ્વર ખાતે પીંડ તર્પણ વિધી કરી.”

25 ઓક્ટોબરના રોજ મહેશ કનોડિયા લાંબી માંદગી બાદ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા હતા, ત્યારે તેમના નિધનના 2 દિવસ બાદ જ નરેશ કનોડિયા પણ અવસાન પામ્યા હતા.

મહેશ-નરેશની જોડી એક આગવી ઓળખ ધરાવતી હતી અને એકસાથે આ રીતે વિદાય લઈને તેમને સ્વર્ગમાં પણ પોતાનું નામ સાથે બનાવ્યું છે. તેમના નિધનથી સમગ્ર ફિલ્મ પ્રેમીઓ અને કલા પ્રેમીઓમાં ઊંડું દુઃખ વ્યાપી ગયું હતું.