ઢોલીવુડ મનોરંજન

મહેશ-નરેશની જોડીની પ્રથમ પુણ્યતિથિ : તેમની જુગલબંધીનો છેલ્લો વિડીયો જોઈને તમારી આંખમાં પણ આંસુ આવી જશે

2020નું વર્ષ શરૂઆતથી જ દુઃખદ સાબિત થયું છે. પહેલા કોરોના અને એક પછી એક સેલેબ્રિટીઓના નિધનથી દેશમાં દુઃખની લાગણી અનુભવાઈ છે. બોલીવુડના કેટલાક અભિનેતાઓ બાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માથે પણ હવે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ત્રણ દિવસમાં બે દિગ્ગજોને ગુમાવ્યા છે અને એ પણ બંને સગા ભાઈઓ. એક જેને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સંગીતના સૂર છેડીને ગુજરાતને દુનિયાભરમાં ધબકતું કર્યું, અને બીજા જેને પોતાના અભિનય દ્વારા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને દુનિયાભરમાં નામના અપાવી.

એવા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બે ધુરંધરો મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાએ આપણી વચ્ચેથી હંમેશા માટે વિદાય લઇ લીધી છે. આ ખબરે લાખો ગુજરાતીઓના દિલમાં એક ઊંડું દુઃખ પહોંચ્યું  છે.

25ઓક્ટોબર રોજ ગુજરાતના ખ્યાતનામ કલાકાર અને સંગીતકાર મહેશ કનોડિયાનું 83 વર્ષની વયે નિધન થયું હતું. લાંબી માંદગી બાદ તેઓએ ગાંધીનગર સ્થિત પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.

જ્યારે આજે 27 ઓક્ટોબર મંગળવારના રોજ વહેલી સવારે મહેશ કનોડિયાના ભાઈ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રજનીકાંત તરીકે ઓળખાતા દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયાએ અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોતાનો દેહ ત્યાગી દીધો હતો.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહેશ-નરેશની જોડી ખુબ જ પ્રખ્યાત હતી. મહેશ કનોડિયા પોતાની ગાયિકી માટે ખુબ જ જાણીતા હતા એવું કહેવાય છે કે તે 32 અલગ અલગ સ્વરમાં ગાઈ શકતા હતા. ખાસ કરીને તે સ્ત્રીના આવાજમાં ગાતા જેને દર્શકો ખુબ જ પસંદ કરતા હતા.

મહેશ કનોડિયાએ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં પોતાના અવાજનો જાદુ રેલાવ્યો છે. આ ઉપરાંત તેમને ગરબા, લોકસંગીત, અને અન્ય ગેર ફિલ્મી આલ્બમોમાં પણ સંગીત આપ્યું છે. તેઓ ભારતની બહાર પણ શો કરનારા પહેલા ગુજરાતી કલાકાર હતા.

તો 77 વર્ષના નરેશ કનોડિયાનો જન્મ 20 ઓગસ્ટ 1943ના રોજ મહેસાણાના કનોડા ગામે થયો હતો. નરેશ કનોડિયા પણ બાળપણથી જ પોતાના ભાઈ સાથે સ્ટેજ શો કરતા હતા. તેમને 1970માં આવેલી ફિલ્મ “વેણીને આવ્યા ફૂલ” દ્વારા પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી.

આ ફિલ્મ બાદ નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મોમાં ઉભરવા લાગ્યા, અને જોત જોતામાં તેમની પ્રસિદ્ધિ દુનિયાભરમાં ફેલાઈ ગઈ. નરેશ કનોડિયાએ 125થી પણ વધારે ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે.માત્ર ફિલ્મોમાં જ નહિ નરેશ કનોડિયાએ રાજકારણ ક્ષેત્રે પણ ઝંપલાવ્યું અને વર્ષ 2002 થી 2007 દરમિયાન તેઓ કરજણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પણ રહ્યા. તો મહેશ કનોડિયા પાટણના સાંસદ પણ રહી ચુક્યા છે.

મહેશ-નરેશની અટક વિશેની વાત પણ ખરેખર જાણવા જેવી છે. તેમને જ્યારે ગુજરાતી ફિલ્મ જગતમાં કામ કરવાની શરૂઆત કરી ત્યારે તેમણે બિલિમોરિયા અટક સાંભળી હતી. તેમણે આ અટક અંગે જ્યારે વધુ જાણ્યું તો તેમને માલુમ પડ્યું આ અટક બિલિમોરા ગામ પરથી પડી છે.

આ વાતથી પ્રભાવિત થઈને મહેશ-નરેશે પણ પોતાના ગામ કનોડા ઉપરથી પોતાની અટક કનોડિયા રાખી હતી. એક ઈન્ટરવ્યૂમાં નરેશ કનોડિયાએ કહ્યું હતું કે: “આજે પણ જ્યારે કંઈક નવું કામ કરવાનું હોય કે પછી ઘરમાં સારો પ્રસંગ હોય તો તે જરૂરથી ગામમાં આવેલા હરસિદ્ધ માતાના મંદિરે પગે લાગવા જરૂર જાય છે.”

અભિનેતા નરેશ કનોડિયા અને અભિનેત્રી સ્નેહલત્તાની જોડી ફિલ્મોમાં ખુબ જ વખાણવામાં આવતી. એક સમય જ્યારે ટીવી અને મલ્ટીપ્લેક્સનું એટલું ચલણ નહોતું ત્યારે તેમની ફિલ્મો મહિનાઓ સુધી સિનેમાગૃહમાં ચાલતી અને આ ફિલ્મો જોવા માટે પણ ટોળા ઉમળતાં હતા.

મહેશ-નરેશની જોડી ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે ખુબ જ યાદગાર છે. તેમને ગુજરાતી ફિલ્મોમાં જે ફાળો આપ્યો છે, તે કદાચ બીજું કોઈ વિચારી પણ ના શકે. એવું પણ કહી શકાય કે મહેશ-નરેશની જોડીએ ગુજરાતી ફિલ્મોના સૂર્યોદય સમાન છે.

ગુજરાતી સિનેમા અને ગુજરાતી ચાહકો મહેશ-નરેશની જોડીને હંમેશા યાદ રાખશે, તેમના યોગદાનની પ્રસંશા કરશે. તેમની ખોટ કોઈ પુરી કરી શકે એમ નથી. ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના !!!

મહેશ-નરેશની જુગલબંધીનો છેલ્લો વિડીયો જોઈને તમારી પણ આંખો ઉભરાઈ જશે, જયારે મહેશ કનોડિયા બીમાર હતા ત્યારે નરેશ કનોડિયાએ તેમની પાસે બેસીને સંગીતના સૂર છેડ્યા હતા, એમાં બીમાર મહેશ કનોડિયાએ પણ સૂર પૂર્યા હતા. જુઓ તેનો વિડીયો…

વર્ષો પહેલા ગાયેલું એક ગીત આજે જાણે સાચું થતું જોવા મળ્યું. મહેશ-નરેશની જોડીએ જીવનના સ્ટેજથી એકસાથે વિદાય લીધી.