મહેસાણામાં શિક્ષિકાની પાડોશીએ જ કરી દીધી ઘાતકી હત્યા, ઘરમાં ઘૂસી કર્યો હુમલો – માસુમ દીકરાની આવી હાલત થઇ

મહેસાણામાં નવદીપ ફ્લેટમાં ટીચરની યુવકે ઘરમાં ઘૂસીને વાંદરી પાનાથી હત્યા કરી

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના મામલાઓ સામે આવી રહ્યા છે, છેલ્લા ઘણા સમયથી હત્યાના કેસોમાં ઘણો વધારો થયો છે. ત્યારે હાલમાં મહેસાણામાંથી એક હત્યાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. બુધવારના રોજ મહેસાણાના મોઢેરા ચોકડી નજીક આવેલ નવદીપ ફ્લેટમાં રહેતા મહિલા ટીચર પર તેમના પાડોશમાં રહેતા યુવક દ્વારા હુમલો કરવામાં આવ્યો. આ હુમલો લોખંડના વાંદરી પાનાથી કરવામાં આવ્યો હતો.

યુવકે મહિલા પર 2થી વધુ ઘા માર્યા હતા,જેના કારણે તેનું મોત નિપજ્યુ હતુ અને ત્યારે અચાનક મહિલાનો પુત્ર આવી જતા તેણે તેના પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. હાલ મહિલાનો પુત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલિસે હત્યારાને હથિયાર સાથે દબોચી લીધો છે. હાલ આ મામલે પોલિસ તપાસ કરી રહી છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો, 45 વર્ષિય મહિલા ટીચર કલ્પનાબેન પટેલ જે નવદીપ ફ્લેટમાં રહે છે તે બોદલા સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા અને તેઓ જયારે બુધવારે 8.30 વાગ્યા આસપાસ એકલા હતા.

ત્યારે પાડોશમાં રહેતો એક યુવક અચાનક તેમના ઘરમાં ઘૂસ્યો અને તેણે કલ્પનાબેન પર હુમલો કર્યો હતો અને તેના કારણે કલ્પનાબેનનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. આ દરમિયાન મૃતકનો દીકરો જે 21 વર્ષનો છે, તે દૂધ લઇને ઘરે આવ્યો ત્યારે તેને પણ હત્યારાએ માથામાં ઘા માર્યા, જેને કારણે તેને ઇજા પહોંચી હતી. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. આ હત્યાની ઘટનાને પગલે પોલિસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને હત્યાનું કારણ જાણવા હાલ તપાસ આદરવામાં આવી છે.

Shah Jina