દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

“મહેંદીનો એક અદ્ભુત રંગ” – જેમ મહેંદીના કલરથી હાથ ચળકી ઊઠે એમ જ દિપાલીએ પોતાની જાત ઘસી કાશીમાનું ઘર મહેકાવ્યું..!!

“મારી વહુ બહારગામ કયાંય મહેંદી મુકવા જતી નથી. જેને મહેંદી મુકાવવી હોય એ બધી જ છોકરીયું અમારા ઘરે આવી જાય છે. અરે ગામમાં પણ એ કોઈના ઘરે મહેંદી મુકવા જતી નથી તો બહારગામ તો બહુ દૂરની વાત છે. તમને પોસાણ પડે તો તારીખ લખાવો નહીતર બીજી મહેંદી મુકવા  વાળી ગોતી લ્યો”

image source : twimg.com

કાશીમાએ  પોતાના ઘરે આવેલ બે જુવાનીયાઓને બેધડક કહી દીધું. બેય જુવાનીયાએ વધારે પૈસાની લાલચ આપી પણ કાશીમાં ના  ફગ્યા ઈ ન જ ફગ્યા. ઉલટાનું મોઢા પર સંભળાવી દીધું.

“આ તો મારો દીકરો ત્રણ  વરસથી કેનેડા છે અને અમારી દિપાલી વહુને ટાઇમ પાસ થાય એટલા માટે જ મહેંદી મુકવાનું કામ કરે છે. બાકી જે દિવસ મારો  સાગર આવશે ને તે દિવસથી વહુને આ કામ કરવાનું નથી. મારો સાગર એક મોટી કંપનીમાં તાલીમ લેવા કેનેડા ગયો છે. એ હવે થોડા સમયમાં જ આવવાનો છે. પછી તો એય ને દીકરા અને વહુ સાથે રહીને અમદાવાદમાં લહેર કરવાની છે લહેર!!  બાકી મારો સાગર ઘટે એટલા પૈસા કેનેડાથી મોકલાવે જ છે. અમે કઈ મહેંદી મુકીને પેટ નથી ભરતા. પણ આતો અમારા વહુની ઈચ્છા હતી કે અહી ગામડામાં બેઠા બેઠા કંટાળી જાય એના કરતા એને ગમતું કામ કરે તો કંટાળો ન આવે એટલે જ મારી દિપાલી વહુ  મહેંદી મુકે છે. તમને ફાવે તો નામ લખાવો ના ફાવે તો નહિ અને હા પૈસા અમે પહેલા લઈએ છીએ. અમે બે સાસુ વહુ ઘરે એકલાં છીએ એટલે પૈસા બાકી રાખ્યા હોય તો ઉઘરાણીએ આવવાની કોઈને નવરાશ નથી”

image source : gizbot.com

સાસુ આવેલ બે ભાઈઓ સાથે વાત કરી રહ્યા હતા. દિપાલી પોતાના ત્રણ વરસનાં પુત્ર સ્મિત સાથે હીંચકામાં બેસીને હિંચકતી હતી. પોતાના બને હાથે દિપાલીએ મહેંદી મુકેલી હતી. મહેંદીથી દિપાલીના હાથ શોભી રહ્યા હતા. બે ય ભાઈઓ નામ અને સરનામું લખાવ્યું અને એડવાન્સ પૈસા આપીને મહેંદીનું બુકિંગ કરાવી લીધું. કાશીમાની ઉમર હશે પાંસઠ વરસની પણ   ગાયકવાડના વતની એટલે વાંચતા લખતા પણ આવડતું!! દિપાલીનો મહેંદીનો વહીવટ એ જ  સંભાળતા હતા!!
કાશીમાનો દીકરો સાગર!! મોટી ઉમરે સાગરનો જન્મ થયો એટલે લાડકોડમાં ઉછરેલો પણ ખરો. ઉકાભાભાને જમીન સારી અને કુવામાં પાણીયે સારું એટલે ખાધે પીધે સુખી કુટુંબ!! સાગર જયારે દસેક  વરસનો હતો ત્યારે જ એના પિતાજી ઉકા જેઠાનું  અવસાન થયેલું. ઉકા જેઠા  ગામના બીજા માણસો સાથે એક છકડામાં બેસીને ખરખરે જતા હતા ત્યારે છકડો ખાળીયામાં ઉંધો પડ્યોને ઉકા જેઠા સાથે બીજા બે ભાભલાઓ પણ સ્વધામ પહોંચી ગયેલા!!

image source : globalpunjabtv.in

ગામમાં હાહાકાર થઇ ગયેલો. પણ ચૂંટણીનું ટાણું હતું એટલે રાજકીય પક્ષોના દિલમાં સેવાની સરવાણી ફૂટેલી એટલે સારી એવી રકમ ત્રણેક પાર્ટીઓ તરફથી મળેલી. વળી ઉકા જેઠાએ ચારેક વીમા પણ લીધેલા એ પણ પાકી ગયાં. ઘર પહેલેથી સમૃદ્ધ હતું. ઉકા જેઠાના અકાળે અવસાનથી ઘર વધારે સમૃદ્ધ થઇ ગયેલું!! કાશીમા એ બધો જ વહેવાર અને ખેતી સંભાળી લીધેલ.  વાડીએ એકને બદલે બે સાથી રાખી લીધાં. આવી પડેલા સંજોગો સામે એ મક્કમતાથી લડવા લાગ્યા અને સાગર મોટો થવા લાગ્યો.

સાગર એકનો એક દીકરો અને વળી મોટી ઉમરે  કાશીમા એ સંતાનનું મુખ ભાળેલું એટલે સાગર ને સાગર જેટલી  વિશાળ સાચવણથી રાખવામાં આવ્યો. કપડા લતે જરા પણ ખોટ નહિ, પૈસા વાપરવાની  ડબલ છૂટ અને લાડકોડમાં અતિરેક!! પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે સાગર લગભગ ચાર પાંચ છોકરાના ચાળા ના લે ત્યાં સુધી એના જીવને શાંતિ ન થાય! ક્યારેક કોઈકને ટીપે ક્યારેક બીજાને હાથે ટિપાઈને ઘરે આવે!! માર ખાધો હોય તો એ ઘરે આવે ત્યારે મોઢા પરથી આંસુ લુછીને જ ઘરે આવે તેમ છતાં કોઈ છોકરું કાશીમાંને ખાનગીમાં કહી આવે કે સાગરને ફલાણે માર્યો હતો તો કાશીમાં એ છોકરાને ઘરે જઈને એની અને એ છોકરાની માની બેય ની   ધૂડય કાઢી નાંખે એટલું ખીજાઈ આવતા!! અને ગામ પણ સમજતું કે હવે કાશી માં બિચારા એકલા છે. ઉકા આતાની ગેરહાજરી અન આ માનતાનો થયેલો એકનો એક દીકરો એટલે માડીનો સ્વભાવ આવો થઇ ગયો છે.. એની સામે બોલવું નહિ એ કહે એમ સાંભળી લેવું!! અને આ બાજુ સાગર પણ અપ ટુ ડેટ જ હોય!! પોઝીશનમાં સહેજ પણ ઘોબો એ ચલાવી ના લે!! અને વળી રૂપાળોય એવો કે કોઈ પણ છોકરીને સાગર સાથે વાત કરવાનો વિચાર કોમળ દિલમાં જાગી જ જાય!!

image source : wikimedia.org

હાઈસ્કુલનું શિક્ષણ  બાજુના ગામમાં પૂરું કરીને સાગર આગળ ભણવા માટે અમદાવાદ ગયો. બાર સાયંસ પૂરું કરીને અમદાવાદમાં જ એ એન્જિનિયરિંગ કોલેજમાં દાખલ થયો.  સદાબહાર ગણાતી બ્રાંચ મીકેનીકલ એન્જીનીયરમાં સાગરનું શિક્ષણ શરુ થયું. કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ભણતી અને ખુબ જ દેખાવડી છોકરી દિપાલી સાથે સાગર પાંચમાં સેમેસ્ટરમાં હતો ત્યારેજ પરિચયમાં આવ્યો. કોલેજના એન્યુઅલ ફંકશનમાં એક મહેંદી સ્પર્ધામાં જ દિપાલી સાથે એનો પરિચય થયેલો. કિરોડીમલ કોલેજ દિલ્હીમાં યોજાયેલી એક અનોખી મહેંદી સ્પર્ધા જેવી જ સ્પર્ધા સાગરની એન્જિનિયરિંગ કોલેજમાં યોજાઈ હતી. એમાં ભાગ લેનાર દરેક છોકરીઓ કોલેજના કોઈ છોકરાના હાથમાં મહેંદી મુકવાની હતી. એમાં દિપાલીએ ભાગ લીધો અને સાગરના હાથમાં દિપાલીએ મહેંદી મૂકી હતી. દીપાલીની મમ્મી વસ્ત્રાપુરમાં  બ્યુટીપાર્લર ચલાવતા હતાં. મહેંદીના સંસ્કાર દિપાલીને વારસામાં મળ્યા હતા. દિપાલીના પાપા  વરસો પહેલા અબુધાબી ગયા હતા અને પછી ત્યાંજ રોકાઈ ગયા હતા.સમયાંતરે એ પૈસા મોકલતા હતા. દિપાલીએ સાગરના બને હાથમાં અદ્ભુત મહેંદી મૂકી હતી.સ્પર્ધામાં ૭૨ જેટલી છોકરીઓએ ભાગ લીધો હતો. નિર્ણાયકો દ્વારા દિપાલીને વિજેતા જાહેર કરવામાં આવી હતી અને ઇનામ પણ મળ્યું હતું. કાર્યક્રમ પૂરો થયો અને હોલની બહાર નીકળતી વખતે સાગરને દિપાલીએ કહ્યું.

“ સાગર મેં દિલથી મહેંદી મૂકી છે. ફક્ત મહેંદી જ નથી મૂકી પણ હૈયાની લાગણીઓ ચીતરી છે. મારી મહેંદીને દિલથી જાળવજે!! અત્યાર સુધી મેં છોકરીઓના હાથમાં જ મહેંદી મૂકી છે. મારા જીવનમાં તું પ્રથમ છોકરો છો જેના હાથમાં મે મહેંદી મૂકી હોય!!”

“ તારા જીવનમાં બીજો કોઈ છોકરો હવે મહેંદી મુકવા માટે આવશે પણ નહિ.. ફર્સ્ટ અને લાસ્ટ હું જ છું.. આ  મહેંદીના રંગ હું જીવનભર સાચવીશ!! તને ખબર છે દિપાલી મહેંદીના અમુક રંગ અઠવાડિયા સુધી રહે છે!! અમુક રંગ જીવનભર રહે છે જે દિલમાં ઉતરતાં હોય છે.પણ તારી આ મહેંદીનો રંગ મારા  આત્મામાં ઉતરી ગયો છે જે ભવોભવ સુધી નહિ ભુલાઈ” આટલું કહીને સાગરે પોતાના બને હાથ દિપાલીના ગાલ પર મૂકી દીધાં!! અને દિપાલીના ગાલ પર શરમના શેરડા ફૂટી નીકળ્યાં!!

image source : pixabay.com

એક જ વરસમાં આ  સાગર અને દિપાલી એકદમ નજીક આવી ગયા. બને પ્રેમી પંખીડા કાંકરિયા, લો ગાર્ડન કે વૈષ્ણોદેવીના બાંકડા પર સાથે જ જોવા મળતાં. સાગરનું મીકેનીકલ એન્જિનિયરિંગ પૂરું થયું અને એને જોબ પણ અમદાવાદમાં જ મળી ગઈ હતી. દિપાલીએ એના ઘરે વાત કરી કે એ સાગર સાથે પરણવા માંગે છે અને ઘરમાં ભડકો થયો.  દીપાલીની  મમ્મીને આ  સબંધ મંજુર નહોતો. એણે દિપાલીને કહી દીધું.

“ આ લવ ના ચક્કર આ ઘરમાં મને નહિ પોસાય!! દુનિયામાં લવ જેવું કશું જ હોતું નથી. સહુ સહુની જરૂરિયાત મુજબ સહુ કોઈ એક બીજાનો ઉપયોગ કરે છે. છેલ્લે કામ પતે એટલે સંબંધ પૂરો કરતાં હોય છે. તારા માટે સગપણ પણ હું જ ગોતીશ અને જ્યાં સગપણ ગોતું ત્યાં તારે ચુપચાપ પરણી જવાનું.. બીજી કોઈ માથાકૂટ મારે ન જોઈએ!!”

“તને ના પોસાય પણ મમ્મી મને પોસાય છે એનું શું??? મારા જીવનમાં શું કરવું એ મારે જોવાનું છે!!” દિપાલી આટલું બોલી ત્યાંજ એની માતા કલ્પનાબેને એક તમાચો એના ગાલ પર ચોડી દીધો અને કહ્યું.

“ હું હેરાન થઇ છું એટલે હું નથી ઈચ્છતી કે તને પણ હેરાન થવા દઉં, આ એન્જીનીયરોનો કોઈ ભરોસો નહિ. એ લોકોને કેવળ મગજ હોય છે દિલ જેવું કશું જ હોતું નથી. તારા પાપા પણ કેમિકલ એન્જીનીયર હતા. હું પણ તેની સાથે પ્રેમમાં પડી.તારા જન્મ પછી એ અબુધાબી જતા રહ્યા. છ વરસ સુધી મારો સંપર્ક રાખ્યો ત્યાં બીજી રૂપાલીને પરણી ગયા છે. મારી સાથે રહ્યા એની રકમ એણે ચૂકવી દીધી છે. મારું મન જાણે છે કે મેં તને કેમ મોટી કરી છે!! હા એક વાત સાચી મૂળ તો તારામાં તારા બાપનું જ લોહી વહે છે ને!! જેના જીનેટીક્સમાં લવ નામનો વાયરસ હોય એ સાત પેઢી સુધી ના જાય એ વાત અંતે તો સાચી જ પડીને” કહેતા કહેતા કલ્પના બેન રીતસરના ધ્રુજતા હતા.

image source : pixabay.com

“ તારી પસંદગી ખોટી પડી એનો બદલો તારે મારી સાથે શું કામ લેવો જોઈએ મમ્મી?? મારો તો કોઈ વાંક નથીને એમાં?? કોઈની ભૂલ ની સજા મને શું કામ???” દિપાલી બોલતી હતી જરા પણ ઉશ્કેરાટ વિના!!
અને પછી ત્રણ જ દિવસમાં સાગર અને દિપાલી કોર્ટમાં પરણી ગયા. સાગરે ઘરે પણ વાત નહોતી કરી. લગ્નના દસ દિવસ પછી સાગર દિપાલીને લઈને પોતાની માતા કાશીમાં પાસે આવ્યો. દીકરાને જોઇને કાશીમાં હરખમાં આવી ગયા.  સાગરની સાથે દિપાલી આવી છે એ એના ધ્યાનમાં પણ ન આવી. થોડી વાર પછી કાશીમાએ પૂછ્યું.

“બટા આ છોડી કોણ છે?? કોના ઘરે એને જાવું છે?? તારી હારે જ આવી છે?? કોની મહેમાન છો બટા તું?? “ જવાબમાં સાગર ગોથા ખાતો હતો ત્યાંજ દિપાલી બોલી.

“બા હું આજ  ઘરે આવી છું.. બા ઘરમાં કંકુ તો હશે જ ને!! થાળીમાં કંકુ નાંખીને પાણી સાથે  મેળવીને લઇ આવો બા!! સાગરે મારી સાથે લગ્ન કરી લીધાં છે પણ બા એ તમારાથી બહુ જ બીવે છે ને એટલે કહી શકતો નથી!! બા ઝટ કંકુની થાળી લઇ આવો.. કંકુ પગલા કરવા પડશે ને બા હવે” દિપાલી બોલતી હતી અને ચકળ વકળ આંખે કાશીમાં બધું સાંભળતાં હતા. તરત જ એ કંકુની થાળી લઇ આવ્યાં. કંકુ પગલાં સાથે દિપાલીએ સાગરના ઘરમાં પ્રવેશ કર્યો અને કાશીમાને પગે લાગી. કાશીમાએ દિપાલીને બાથમાં લીધી અને બોલ્યાં.

‘સુખી રહે વહુ બેટા!! મારા દીકરાની પસંદગી છે એટલે એમાં કોઈ ખામી તો હોય જ નહિ.. ગામ આખું હમણાંથી વાતો કરતુ હતું. આ સાગરીયો મોટો થઇ ગયો પણ કાશી ડોશીના પેટનું પાણી પણ હલતું નથી હવે એને વરાવવો છે કે નહિ!! પણ સાંભળો છોને સાગરના આતા જુઓ તમારા દીકરાએ મારી આ ઉપાધિ પણ મટાડી દીધી. હું એકલે પંડે કયાં સંબંધ જોવા જાત એના કરતાં આ સાગરીયો સીધો  પરણીને જ આવી ગયો અને વહુ પણ કેવી ગોતી!! એકદમ પરી જ જોઈ લ્યો પરી!!”  ઓશરીમાં ઉકાઆતા હાર ચડાવેલા ફોટા સામે જોતા કાશીમાં આંખમાં સહેજ ભીનાશ સાથે બોલતા હતા.

image source : pinimg.com

ગામ આખામાં વાયુવેગે સમાચાર ફેલાઈ ગયા કે ઉકા જેઠાનો સાગર જે  અમદાવાદમાં નોકરી કરતો હતો એ પ્રેમ લગ્ન કરીને ફિલ્મની હિરોઈન જેવી વહુ લઈને આવ્યો છે. અને કાશી ડોશી બે દિવસમાં ગામ જમાડવાના છે!! ડોશીના તો હરખનો પાર નથી. અને વહુ પણ એકદમ ટીકડી ટી જેવી છે!!

કાશીમાં એ ગામ આખાને જમાડ્યું. પછી વહુને લઈને ગામની દરેક ડેલીએ ચા પણ પી આવ્યાં. ગામ આખામાં દિપાલી જેવી દેખાવડી છોકરી હજુ સુધી આવી નહોતી. સાગર પંદર દિવસ રોકાયો. અને આ પંદર દિવસ કાશીમાં માટે જાણે ગોળના ગાડાં જેવા હતા. એની ચાલ ફરી ગઈ હતી. અને આમેય દીકરાની વહુ ઘરમાં આવે એટલે સાસુ તો  કોળ્યમાં જ આવી જાયને!!

સાગર અને દિપાલી પાછા અમદાવાદ જવા રવાના થયા. સાગરે ઘણું કીધું કે બા હવે ખેતી ભાગિયા અને સાથી કરશે તમે અમારી સાથે ચાલો પણ કાશીમા બોલ્યાં.

image source : idiva.com

“તમારા ફરવા ના દિવસ છે,, ન્યા મને ના ફાવે અને હજુ તો હું કડેધડે છું.. તમારી સાથે જ રહેવાની છું.પણ હજુ ટાણું નથી આવ્યું. એ ય ને તમે બેય સંપીને રહેજો.. અને દિપાલી વહુ બેટા.. આ સાગર છે એ નાનપણ થી લાડકો અને તોફાની પણ ખરો..પણ એના પેટમાં પાપ નહિ. એને બરાબર સાચવજો. નાનપણમાં એને કૈંક થાય કે બીમાર પડે તો હું ખાતી પણ નહિ. મારો એકનો એક દીકરો મને જીવથીય વ્હાલો છે.. એ ય તમે બે ય જણા જરાય ઢીલા ન પડો.. થોડા સમય પછી હું તમારી સાથે રહેવા આવીશ”  સાગરની આંખમાં આવેલ આંસુને પોતાના સાડલા ના છેડાથી લૂછતાં લૂછતાં કાશીમાં બોલ્યાં. માતાનો સાડલાનો છેડો  હમેશા આશીર્વાદથી ભરેલો હોય છે. સંતાનોને એ છેડાના સ્પર્શથી અરધું દુઃખ તો ક્ષણવારમાં જ મટી જાય છે!!

સમય વીતતો ચાલ્યો. વરસ દિવસ પછી દિપાલીને સારા દિવસો રહ્યા. સાગર દિપાલીને ઘરે મૂકી ગયો. દિપાલી કાશીમાં સાથે બરાબરની હળી મળી ગઈ હતી. અજાણ્યા અને બહારગામના ને તો એમ જ લાગે કે આ બને મા દીકરી છે. ડીલીવરી માટે દિપાલીનો આગ્રહ જ હતો કે મારે સાસુ સાથે જ રહેવું છે. ગામની તમામ સ્ત્રીઓ સાથે દિપાલી હળી મળી ગઈ હતી. દિપાલી ગામની છોકરીઓને મસ્ત મજાની મહેંદી મૂકી દેતી હતી. દિપાલીના હાથે મુકાયેલી મહેંદી જરા હટકે હતી. એક તો એની ડિઝાઈન એકદમ ઝીણી અને આકર્ષક રહેતી. દિપાલીએ મુકેલી મહેંદીમાં કોઈ તાલ ભારેય ભૂલ કાઢી શકતું નહિ!!   પુરા નવ માસે દિપાલીએ બાળકનો જન્મ આપ્યો. નામ પાડ્યું સ્મિત!! અસલ સાગરની જ કાર્બન કોપી!! કાશીમાં તો રાજીના રેડ!! સ્ત્રીને સોનાનો ખુબ જ શોખ હોય છે અવનવા ઘરેણા એના શરીરને શોભાવતા હોય છે. પણ પોતાના સંતાનોના સંતાનો ખોળામાં હોય એ ઘરેણું એને મન સોનાથી પણ   શ્રેષ્ઠ હોય છે!!

છ માસ પછી  વળી સંતાનને લઈને દિપાલી સાગર સાથે  અમદાવાદ જતી રહી. ત્રણ  પછી સાગરે એક વાર માતાને ફોનમાં કહ્યું હતું કે કંપની મને કેનેડા મોકલે છે બે વરસ મારે કેનેડા રહેવું પડશે અને પછી અહી મારો પગાર ચાર ગણો થઇ જશે. હું કેનેડા જાવ ત્યારે દિપાલી તમારી સાથે રહેશે. હું કેનેડાથી પાછો આવું પછી આપણે બધા સાથે રહીશું. અમદાવાદમાં સારું મકાન રાખીશું અને  સાથે રહીશું. સ્મિત એક વરસનો હતો ને દિપાલી અચાનક જ એના એક વરસના સંતાન સ્મિત સાથે અચાનક ઘરે કાશીમાં પાસે આવી.

“સ્મિતના પાપાને અચાનક જ જવાનું થયું. બધું જ ઉતાવળમાં  ગોઠવાઈ ગયું છે. કેનેડા  પહોંચીને એ ફોન કરશે. બે જ દિવસમાં એ લગભગ બે વરસ ત્યાં રોકાવાનું કહેતા હતા. કદાચ વધારે પણ રહેવું પડે. પૈસાની જરૂર પડશે તો એ આપણને મોકલાવી દેશે” કાશીમાં ના ચહેરા પર કોઈ રેખા ન દેખાણી!! એ ખાલી એટલું જ બોલ્યા.

“મને મળવા પણ ન આવ્યો.. કાઈ વાંધો નહિ.. ધંધા અને નોકરી માટે જાવું તો પડે જ ને!!”

બે દિવસ પછી કાશીમાં એ સાગર સાથે વાત કરી. વાત કરીને કાશીમાને શાંતિ થઇ. દિપાલીએ પણ વાત કરી. નાનો એવો સ્મિત હજુ બોલવા જ શીખ્યો હતો એણે પણ કાલી ઘેલી ભાષામાં ફોનમાં વાત કરી.!!

image source : stylesatlife.com

સમય વીતતો ચાલ્યો. વરસ દિવસ થવા આવ્યું.. સાગરના ફોન રોજ આવતા હતા એ હવે અઠવાડિયે આવતાં હતા. સ્મિત મોટો થઈ રહ્યો હતો. દિપાલીએ એક દિવસ કીધું.

“ બા હું  આ ગામની દીકરીઓને લગ્ન અને સારા પ્રસંગે મહેંદી મુકવાનું શરુ કરું. લગ્ન વખતે આ બધી દીકરીઓ બહાર મહેંદી મુકાવા જાય છે પાર વગરના પૈસા આપીને પણ મહેંદીમાં કોઈ જ ઠેકાણા નથી હોતા.. એ બહાને મારો ટાઈમ પણ જાય અને થોડી કમાણી પણ થઇ જાય” કાશીમાં દિપાલીને કોઈ જ વાતની મનાઈ ક્યારેય કરતા જ નહિ!!

અને મહેંદી શરુ થઇ!! એક જ વરસમાં એ જ ગામમાં નહિ પણ આજુબાજુના સાત આઠ ગામમાં દિપાલીએ મુકેલી મહેંદી વખણાવા લાગી. લગ્ન પ્રસંગ હોય કે ચાંદલાનો પ્રસંગ મહેંદી તો દિપાલીએ મુકવાની હોય!! શીયાળા અને ઉનાળામાં લગ્ન પ્રસંગે છોકરીઓ રીતસરની લાઈનમાં ઉભી હોય મહેંદી મુકાવવા માટે!! લોકો વાતો કરતા કે દિપાલી વહુના હાથમાં જાદુ છે એના જેવી મહેંદીના રંગો બીજે ક્યાય આવતા નથી!! બધા જ ખુશ હતા!! હવે કમાણી પણ વધતી ચાલી હતી. તોય સમયાંતરે સાગરના પૈસા આવી જતા હતા. હવે તો કાશીમાં પણ કહેતા સાગરને ફોન પર!!

“ હવે બળી તારી નોકરી!! તું ભલો થઈને આવતો રહે.. તારા પગાર જેટલો પગાર તો હવે તારી વહુ લાવે છે અને એ પણ ઘરે બેઠા બેઠા!! કોઈની પણ ઓશિયાળ નહિ!! જેને મહેંદી મુકાવવી હોય એ ઘરે આવે અને પહેલા પૈસા આપી જાય!! ના કોઈ ટેન્શન કે ના કોઈ ઉઘરાણીની માથાકૂટ!! અમદાવાદમાં દિપાલી મહેંદી મુકવાનું શરુ કરે તો તારી કમાણી પણ ટૂંકી પડે એમ છે” જવાબમાં સાગર કહેતો કે બહુ ઝડપથી હવે એ પાછો આવવાનો છે.

ત્રણ વરસ પુરા થવા આવ્યાં હતા. ગામની સ્ત્રીઓ હવે ગુચપુચ કરવા લાગી હતી.ત્રણ વરસ થયા તોય સાગર હવે કેનેડાથી આવ્યો નહોતો. અને આ બાજુ દિપાલી ખુલીને કશું કહેતી નથી એની પણ નવાઈ લાગતી હતી. એમાં એક ઘટના બની ગઈ અને ગામની સ્ત્રીઓને વધારે શક પડ્યો હતો.

ગામની જ એક છોકરી જે સાગર સાથે ભણતી હતી એ પિયર આવી. એ દિપાલી પાસે બેઠી હતી અને સ્મિતને રમાડતા રમાડતાં બોલી.
“અસલ એના બાપ પર ગયો છે આ સ્મિત!! અસલ એના બાપ જેવું જ ભાગ્ય લઈને આવ્યો લાગે છે.. અસલ સાગર જેવું સુખ મળવાનું છે આ સ્મિતને” અને આ સાંભળીને દિપાલીનો ચહેરો કરડો થયો અને એ બોલી!!

“એના બાપ જેવું એને નહિ હોય!! મારો દીકો અલગ જ ભાગ્ય લઈને આવ્યો છે.. ભુલ્યે ચુકે એના બાપ સાથે ના સરખાવો” દિપાલી થી બોલતા બોલાઈ ગયું. આંખ પણ ભીની થઇ ગઈ.  પેલીને સમજ ના પડી કે મેં શું ખોટું કહી દીધું પણ આ વાત ગામ આખામાં ફેલાઈ ગઈ. સહુ સહુ પોતાની રીતે અંકોડા મેળવવા લાગ્યા હતા!

કોઈક કહેવા લાગ્યું કે સાગર કેનેડા રોકાઈ ગયો. ત્યાં એણે બીજા લગ્ન કરી લીધા છે. વિદેશ એટલે વિદેશ ત્યાં તમે લપેટાઈ જ જાવ!!  દિપાલી ખાનદાન છે એટલે રોકાઈ ગઈ છે . બીજી હોય તો ક્યારનીય લબાચા ભરીને ચાલી ગઈ હોય પણ આ તો ખરું ખાનદાન!! ઘણાંએ વાતનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો પણ દિપાલી કોઈને કોઠું પણ આપતી નહિ!! વળી સાગર કેનેડા છે પણ દિપાલી તો સજી ધજીને રહેતી હતી. દર પંદર દિવસે એના હાથમાં એક અલગ ડીઝાઈનની મહેંદી જોવા મળતી હતી. દીપાલીની આંખમાં કયારેય જીવન સામેની ફરિયાદ જોવા મળતી નહિ.

image source : pinimg.com

સાડા ત્રણ વરસ થવા આવ્યા. કાશીમાં એ હવે સાગરને ચોખ્ખું કહી દીધું હતું કે તારે હવે આવી જવું જોઈએ. ગામમાં તારી અવનવી વાતો થાય છે.. તારા છોકરાની સામે તો જો!! તારી વહુની સામે તો જો!! અને એક દિવસ અચાનક કાશીમાને તાવ આવ્યો. બે દિવસ સખ્ત તાવ આવ્યો .ડોકટરોએ બાટલા ઉપર બાટલા ચડાવ્યા!! પણ જેના શ્વાસના ક્વોટા પુરા થઇ ગયો હોય એને કોઈ જ બાટલા અસર ના કરે!! સાગર સાથે છેલ્લી વાર ફોન પર વાત કરીને કાશીમાએ દેહ છોડ્યો!!

ગામ આખું ભેગું થઇ ગયું હતું. દિપાલીએ  છાતી ફાટ રુદન કર્યું. સહુ એને સાંત્વના આપતા હતા. કાશીમાને અગ્નિ સંસ્કાર આપ્યા પછી સહુ ઘરે આવ્યા. ઘર આખું સુનું થઇ ગયું હતું. કોઈક દિપાલીના ભાગ્ય પર આંસુ સારતા હતા. કોઈક સાગરને દોષ દેતા હતા. હવે તો સાગર આવશે એમ સહુ માનતા હતા. બીજે દિવસે અમદાવાદથી સાગરના ભાઈ બંધો આવ્યાં. એને જોઇને દિપાલી વળી રડી પડી અને આ વખતે એણે પોતાના કપાળેથી ચાંદલો  ભૂંસી નાંખ્યો, હાથના કંગન પણ તોડી નાંખ્યા. સહુ સ્ત્રીઓ અવાચક બની ગઈ હતી. સહુને લાગ્યું કે દિપાલી એ મગજ ગુમાવી દીધું છે. દિપાલી ગાંડી થઇ ગઈ છે.

આ બધું જોઇને સાગરનો ખાસ મિત્ર પરેશ બોલ્યો. અને ગામ આખું સાંભળીને આભું જ બની ગયું!!

“સ્મિતના જન્મ પછી છ મહીને સાગરને છાતીમાં દુઃખાવો ઉપડયો. અમે બધાએ સિવિલમાં તપાસ કરાવી. સાગરને લોહીનું કેન્સર છેલ્લા સ્ટેજમાં હતું. બસ વધુમાં વધુ એ છ મહિના જ જીવવાનો હતો. અમે બધા ખુબ જ રોયા. સાગરને એની માતા સાથે ખુબ જ લાગણી. એને એમ હતું કે એના મૃત્યુ પછી એની માતા એનો આઘાત સહન નહિ કરી શકે. એ પાગલ થઇ જશે. દિપાલીએ રસ્તો કાઢ્યો કે હું એવું નહિ થવા દઉં!! આપણે તમારી સારવાર શરુ રાખીએ કદાચ મટી પણ જાય.!! સાગર પાસે અમે જ ફોન કરાવ્યો કે કેનેડા જવાનું છે. એ પણ દિપાલીના કહેવાથી જ!! કેન્સર વધતું ચાલ્યું અને એક  દિવસ સાગરે આ દુનિયા છોડી દીધી પણ દિપાલીએ એને વચન આપ્યું કે તમારી મમ્મીને કશું જ નહીં થાય!! એ જવાબદારી હવે મારી છે તમારા નામની મહેંદી આ હાથમાં મૂકી છે એનો રંગ ક્યારેય ઝાંખો નહિ થાય!! અને પછી સ્મિત સાથે દિપાલી અહી આવી ગઈ.!! સાગરનો અવાજ હું અસલ કાઢી શકતો હતો. સાગર તો આ દુનિયામાં હતો નહિ પણ એને બદલે હું કાશીમાં સાથે એનો દીકરો બનીને વાત કરતો. બે ત્રણ મહીને અમે બધા થોડા થોડા પૈસા કાશીમાને મોકલી આપતાં. અમને ખુબ જ દુઃખ છે પણ સહુથી વધુ ધન્યવાદને પાત્ર તો આ દિપાલી છે. પતિ અવસાન પામ્યો હોવા છતાં સાડા ત્રણ વરસ મંગળસૂત્ર પહેરી રાખ્યું.  બસ સાગરની છેલ્લી ઈચ્છા કે કાશીમાં આઘાત નહિ સહન કરી શકે એટલે એને ખબર ન પડવી જોઈએ કે એનો સાગર આ દુનિયામાં નથી!!”પરેશની વાત થી સહુ નવાઈ પામી ગયા. દિપાલી વહુ તરફ ગામ સન્માનની નજરે જોતું  જ હતું પણ હવે અહોભાવની નજરે જોતું હતું. ગામમાં સહુના મુખે એક જ વાત હતી કે દિપાલી વહુ નથી પણ સાક્ષાત જગદંબા છે!!  કાશીમાની  બારમાની બધી જ વિધિ સ્મિતના હાથે થઇ!!

દિપાલીએ કાશીમાનું કામ સંભાળી લીધું. દીપાલીની મહેંદી મુકવાનું કામ હવે ખુબ જ વધી ગયું હતું. લોકોને મહેંદીનું રહસ્ય સમજાઈ ગયું હતું. મહેંદીની જેમ જ  જાત  ઘસીને દિપાલી એ કાશીમાંના કુટુંબને ઉજળું કરી બતાવ્યું  હતું!! આવી સન્નારીના હાથે મુકાયેલી મહેંદી સોળે કળાએ ન ખીલે તો જ નવાઈ!!

અમુક મહેંદીના  રંગ અઠવાડિયા સુધી રહે છે!! અમુક  મહેંદીનો રંગ જીવનભર રહે છે જે દિલમાં ઉતરતાં હોય છે. પણ અમુક  મહેંદીના રંગો આત્મા  સુધી ઊંડા  ઉતરતા હોય છે જે ભવોભવ સુધી નથી ભુલાતા!! દિપાલીએ સાગરના નામની જે મહેંદી મૂકી એ ભવોભવ સુધી ભૂલાવાની નહોતી!!

લેખક :- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ” શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ,મુ.પો. ઢસા ગામ તા .ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks