ડોક્ટર-શિક્ષક પરિવારના 9 સભ્યોના મોતને લઈને આવ્યો નવો વળાંક, પરિવારે આત્મહત્યા નહીં પરંતુ આ કારણે તેમની હત્યા થઇ

મહારાષ્ટ્રના સાંગલીમાં ભણેલા ગણેલા 9 લોકોની આત્મહત્યા નહીં પણ હત્યા થઇ હતી, સૌથી મોટો ડરામણો ખુલાસો થયો

છેલ્લા થોડા સમયથી દેશમાં હત્યા અને આત્મહત્યાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા જ એટલે કે 20 જૂનના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાંથી એક જ પરિવારના 9 લોકોએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પરંતુ હવે આ મામલામાં નવો વળાંક સામે આવ્યો છે. શરૂઆતમાં આ મામલો દેવાના કારણે આત્મહત્યા કરી હોવાનો સામે આવ્યો હતો, પરંતુ હવે આ મામલામાં નવો વળાંક આવતા આ કેસ હત્યાનો કહેવામાં આવી રહ્યો છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બંને ભાઈઓના પરિવારજનોને કથિત રીતે તાંત્રિક અને તેના ડ્રાઈવરે ઝેર પીવડાવીને હત્યા કરી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. 20 જૂને સાંગલીના મહૈસલ ગામમાં લગભગ દોઢ કિલોમીટરના અંતરે આવેલા બંને ભાઈઓના ઘરમાંથી નવ પરિવારના સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા. તેમાંથી એક ભાઈ શિક્ષક હતો અને બીજો પશુચિકિત્સક હતો.

આજતકના અહેવાલ પ્રમાણે પોલીસ મહાનિરીક્ષક મનોજ કુમાર લોહિયાએ જણાવ્યું હતું કે, “તાંત્રિક અબ્બાસ મુહમ્મદ અલીએ વનમોર ભાઈઓ (ડૉ. માણિક વનમોર અને પોપટ વનમોર) માટે ગુપ્ત નાણાં શોધવાનું વચન આપ્યું હતું અને તેના બદલામાં તેણે લગભગ 1 કરોડ રૂપિયા પણ લીધા હતા. જ્યારે ગુપ્ત નાણાં ન મળ્યા ત્યારે વનમોર ભાઈઓએ તાંત્રિક પાસે તેમના પૈસા પાછા માંગવાનું શરૂ કર્યું. પરંતુ અબ્બાસ પૈસા પરત કરવા માંગતા ન હતા. જ્યારે દબાણ વધ્યું, ત્યારે તેણે વનમોર ભાઈઓના સમગ્ર પરિવારને રસ્તામાંથી દૂર કરવાની યોજના બનાવી.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, “પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તાંત્રિક અબ્બાસ મોહમ્મદ અલી, તેના ડ્રાઈવર ધીરજ ચંદ્રકાંત સુરવશે સાથે 19 જૂનના રોજ મહૈસલ ગામમાં વનમોર ભાઈઓના ઘરે પહોંચ્યો હતો. જ્યાં તાંત્રિકે છુપાયેલ ખજાનો શોધવાની વિધિ શરૂ કરી હતી. આ દરમિયાન તેણે પરિવારના સભ્યોને તેમના ઘરની છત પર મોકલ્યા, પછી એક પછી એક તેમને નીચે બોલાવ્યા અને ચા પીવા માટે કહ્યું, જેમાં કોઈ ઝેરી પદાર્થ પહેલેથી જ ભેળવેલો હતો. પોલીસના જણાવ્યા અનુસાર વનમોર પરિવારના સભ્યો કથિત રીતે આ ચા પીધા પછી બેહોશ થઈ ગયા હતા અને તેઓએ બેભાન અવસ્થામાં જ મોતને ભેટ્યા.

Niraj Patel