મીની બસમાં લાગી ભીષણ આગ, બાળકો સાથે 11 લોકો ઊંઘમાં જ બળીને થઇ ગયા ભડથું, રૂંવાડા ઉભા કરી દેનારો અકસ્માત

બિચારા લોકો સવારે 5 વાગે બસમાં અંદર ઊંઘમાં હતા ને અચાનક જ 11 લોકોના મોત, બાળક પણ સામેલ, જુઓ વીડિયો

ગુજરાત સમેત દેશભરમાં અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સતત સામે આવી રહી છે, કેટલાક અકસ્માત તો એવા ગંભીર હોય છે કે તેના વિશે જાણીને જ કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જતા હોય છે, હાલ એવા જ એક અક્સ્માતની ખબર સામે આવી છે, જેમાં એક ટ્રકની ટક્કરથી એક મીની બસમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી અને આ આગના કારણે બસમાં સવાર બાળકો સમેત 11 લોકો બળીને મોતને ભેટ્યા હતા.

આ દર્દનાક મામલો સામે આવ્યો છે મહારાષ્ટ્રના નાસિકમાંથી. અહીં એક ટ્રક સાથે અથડાયા બાદ બસમાં આગ લાગી હતી, જેમાં 11 લોકો સળગીને મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં 10 વયસ્કો અને એક બાળકનો સમાવેશ થાય છે. પુણે તરફ જતી આ બસમાં નાસિક-ઔરંગાબાદ રોડ પર આ અકસ્માત થયો હતો. નાસિક પોલીસે અકસ્માતની પુષ્ટિ કરી છે. નાશિક પોલીસે જણાવ્યું કે મૃતદેહો અને ઘાયલ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

આ ઉપરાંત સમાચાર એજન્સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે ઘટના સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે નાસિકના ઔરંગાબાદ રોડ પર એક ટ્રક સાથે અથડાયા બાદ બસમાં આગ લાગી હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બસમાં આગ લાગ્યા બાદ આગનો મોટો ગોળો બની રહ્યો છે. ફાયરના જવાનોએ આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે આ ઘટના મારા ઘર પાસે બની હતી. ઘટના બાદ બસમાં આગ લાગી હતી અને લોકો દાઝી ગયા હતા. અમે જોયું પણ કંઈ કરી શક્યા નહિ. બાદમાં ફાયર વિભાગ અને પોલીસ આવી હતી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં માર્યા ગયેલા લોકોના નજીકના સંબંધીઓને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. તેમણે ઘટનાની તપાસના આદેશ પણ આપ્યા છે.

ગંભીર રીતે ઘવાયેલા મુસાફરોને હોસ્પિટલમાં લઈ ગયા બાદ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. નાશિક પોલીસના જણાવ્યા અનુસાર બસમાંથી જે લોકોને બચાવી લેવામાં આવ્યા છે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધવાની પણ આશંકા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બસ પહેલા અકસ્માતનો શિકાર બની, પછી તરત જ તેમાં આગ લાગી, જેમાં ઘણા મુસાફરો ફસાયા હતા. ઈજાગ્રસ્તોને બચાવીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘણા ઘાયલોને સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

Niraj Patel