ઇતિહાસનાં પાનામાં નોંધાયેલ રાજસ્થાનના ધૌલપુર જિલ્લાની સૌથી મોટી શાળા, મહારાણાનાં ત્રણ ઓરડાઓ 115 વર્ષો પછી ખોલવામાં આવ્યા. શાળાના આ ત્રણેય ઓરડાઓ ઘણાં વર્ષોથી બંધ પડયા હતાં અને સ્થાનિક વહીવટીતંત્રને એમ હતું કે તેમાં કોઈ ભંગાર પડ્યો હશે, પરંતુ તાજેતરમાં જયારે આ ત્રણ ઓરડાઓ ખોલવામાં આવ્યા ત્યારે ત્યાં હાજર ‘ખજાનો’ જોઈને લોકો ચોંકી ગયા હતા.

અસલમાં આ ઓરડાઓમાં ઇતિહાસનો એવો વારસો રાખવામાં આવ્યો હતો જે આજે ખૂબ જ કિંમતી છે. વહીવટીતંત્રને આ ઓરડાઓમાંથી એવા પુસ્તકો પ્રાપ્ત થયા છે, જે એક સદીથી વધુ જૂનાં છે. આ પુસ્તકોની આંતરરાષ્ટ્રીય બજારમાં આજે કિંમત કરોડોમાં છે.
શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે જ્યારે ઓરડાઓ ખોલવામાં આવ્યા ત્યારે આ ત્રણ ઓરડામાં વીસ હજારથી વધુ કિંમતી દુર્લભ હસ્તપ્રતો, બ્રિટીશકાળના પુસ્તકો અને શબ્દકોશો વગેરે ભરેલા પડયા હતા. આમાંના કેટલાક પુસ્તકો સોનેરી શાહીમાં લખાયેલા છે. કેટલાક પુસ્તકો વર્ષ 1905થી પણ પહેલાંના છે, જે આજના સમયમાં મળવા મુશ્કેલ છે.

એક પુસ્તક તો લગભગ 3 ફુટ લાંબુ છે, જેમાં વિશ્વના દેશો અને રજવાડાઓના નકશા બનેલા છે. ઇતિહાસકારો આ અનોખા ખજાનાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેમનું કહેવું છે કે આ પુસ્તકો સંગ્રહિત રાખવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં આ પુસ્તકો વિદ્યાર્થીઓને ખૂબ મહત્વની માહિતી પ્રદાન કરશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે મહારાજ ઉદયભાનને દુર્લભ પુસ્તકોનો શોખ હતો. મહારાજા ઉદયભાન સિંહ બ્રિટિશ કાળ દરમિયાન લંડન અને યુરોપની યાત્રા કરતા હતા. ત્યારે તેઓ આ પુસ્તકો લઈને આવતા હતા. તેમણે પોતે અંગ્રેજીમાં સનાતન ધર્મ પર એક પુસ્તક લખ્યું હતું. જેનું વિમોચન મદન મોહન માલવીયાએ કર્યું હતું. ધૌલપુર રાજ પરિવારને શિક્ષણ પ્રત્યે એટલી રુચિ હતી કે તેઓએ BHUના નિર્માણમાં મદન મોહન માલવીયાને મોટી રકમ પણ આપી હતી.

આશ્ચર્યજનક વાત એ છે કે છેલ્લા 115 વર્ષોમાં ઘણા આચાર્યો અને તમામ સ્ટાફ બદલાઈ ગયો. પણ કોઈએ પણ બંધ પડેલા આ ત્રણેય ઓરડાઓ ખોલાવવું યોગ્ય ન સમજ્યું. જ્યારે પણ સ્ટાફને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે, દર વખતે તેમને એક જ જવાબ મળ્યો કે જૂનો ભંગાર ભરેલો છે. આચાર્યએ જણાવ્યું કે મેં પણ આ ઓરડાઓ જૂનો ભંગાર સાફ કરવાના આશયથી ખોલાવ્યા હતા.
આ પુસ્તકો ખૂબ જ કિંમતી છે એ વાતનો અંદાજો એ પરથી લગાવી શકાય છે કે 1905માં આ પુસ્તકોની કિંમત 25 થી 65 રૂપિયાની વચ્ચે હતી. જ્યારે તે દરમિયાન સોનું 27 રૂપિયા તોલું હતું. આ દુર્લભ પુસ્તકો હવે બજારમાં ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં, આ 1-1 પુસ્તકોની કિંમત હાલમાં લાખોમાં અંદાજવામાં આવી રહી છે. બધા પુસ્તકો ભારત, લંડન અને યુરોપમાં છપાયેલા છે.

આ સિવાય વર્ષ 1957માં ભારત સરકાર દ્વારા મુદ્રિત રાષ્ટ્રીય એટલાસ, પશ્ચિમ-તિબેટ અને બ્રિટીશ બોર્ડર લેન્ડ, હિન્દુ અને બૌદ્ધના સેક્રેડ દેશ 1906, અરબી, ફારસી, ઉર્દૂ અને હિન્દીમાં લખેલી હસ્તપ્રતો, ઓક્સફર્ડ એટલાસ, એન્સાયક્લોપીડીયા, બ્રિટાનિકા, 1925માં લંડનમાં મહાત્મા ગાંધીજીનું સચિત્ર જીવનચરિત્ર ધ મહાત્મા પણ આ પુસ્તકોમાંથી મળી આવ્યું છે. ભંગારમાંથી મળેલા આ પુસ્તકો ખૂબ ઉપયોગી છે. જો લાઇબ્રેરી બનાવીને આ પુસ્તકોને રાખવામાં આવે તો ઇતિહાસ અને સંશોધનનાં વિદ્યાર્થીઓ ધૌલપુરમાં જ મહત્વની ચીજો મેળવી શકશે.
આ માટે ટૂંક સમયમાં કેટલાક રેક્સ બનાવીને વિદ્યાર્થીઓ માટે દુર્લભ પુસ્તકો પ્રદર્શિત કરવામાં આવશે. બંધ ઓરડાના ભંગારમાંથી મળી આવેલી અન્ય ઘણા પુસ્તકોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે કે તે કેટલા જુના અને મહત્વપૂર્ણ છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.