BREAKING : લત્તા મંગેશકર બાદ વધુ એક દિગ્ગજનું થયુ નિધન, 74 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

છેલ્લા ઘણા સમયથી મનોરંજન જગતમાંથી એક બાદ એક દુખદ સમાચાર સામે આવતા જઇ રહ્યા છે. હાલમાં જ ભારત રત્ન લત્તા મંગેશકરનું નિધન થયુ છે અને લોકો વચ્ચે શોક વ્યાપેલો છે. ત્યાં વધુ એક નિધનના સમાચાર સામે આવ્યા છે. બીઆર ચોપરાની પ્રખ્યાત ટીવી સીરિયલ “મહાભારત”માં ભીમનું પાત્ર ભજવનાર અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનું નિધન થયું છે. પ્રવીણ કુમાર 74 વર્ષના હતા. પ્રવીણ તેમના વિશાળ કદ માટે જાણીતા હતા. તેમણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી હતી. સાડા ​​6 ફૂટ ઉંચા અભિનેતા અને રમતવીર પંજાબના વતની હતા.અભિનયમાં જોડાતા પહેલા પ્રવીણ કુમાર હથોડી અને ડિસ્કસ થ્રો એથલીટ હતા. તેમણે એશિયન ગેમ્સમાં ચાર મેડલ (2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ) જીત્યા હતા. તેમણે બે ઓલિમ્પિક ગેમ્સ (1968 મેક્સિકો ગેમ્સ અને 1972 મ્યુનિક ગેમ્સ)માં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.

તેઓ અર્જુન પુરસ્કાર વિજેતા પણ હતા. રમતગમતના કારણે જ પ્રવીણ કુમારને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)માં ડેપ્યુટી કમાન્ડન્ટની નોકરી મળી હતી. ટ્રેક અને ફિલ્ડ સ્પોર્ટ્સમાં સફળ કારકિર્દી પછી, પ્રવીણ કુમારે 70ના દાયકાના અંતમાં મનોરંજનની દુનિયામાં ઝંપલાવ્યું. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં, પ્રવીણ કુમારે તેમની પ્રથમ બોલિવૂડ ફિલ્મ સાઈન કર્યાનું યાદ કર્યું જ્યારે તે એક ટુર્નામેન્ટ માટે કાશ્મીરમાં હતા. તેમની પ્રથમ ભૂમિકા રવિકાંત નાગાયચ દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી જેમાં તેમની પાસે કોઈ સંવાદો ન હતા.

ગયા વર્ષે ડિસેમ્બરમાં પ્રવીણ કુમારે ‘નવભારત ટાઈમ્સ’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેઓ ઘણા સમયથી ઘરે છે. તબિયત સારી નથી રહેતી અને ખાવામાં અનેક પ્રકારના ત્યાગ છે. તેમને કરોડરજ્જુની સમસ્યા છે. ઘરમાં પત્ની વીણા પ્રવીણ કુમારનું ધ્યાન રાખે છે. તેમને એક દીકરી છે જેના લગ્ન મુંબઈમાં થયા છે. પેન્શનને લઈને પ્રવીણ કુમારે ‘નવભારત ટાઈમ્સ’ને કહ્યું હતું કે તેમને પંજાબની તમામ સરકારો તરફથી ફરિયાદો છે.

એશિયન ગેમ્સ કે મેડલ જીતનારા તમામ ખેલાડીઓને પેન્શન આપવામાં આવતું હતું, પરંતુ તેમને ના પાડવામાં આવી હતી, જ્યારે સૌથી વધુ ગોલ્ડ મેડલ તેઓ જીત્યા હતા. કોમનવેલ્થનું પ્રતિનિધિત્વ કરનાર તે એકમાત્ર એથલીટ હતા.જો કે હાલમાં તેમને BSF તરફથી પેન્શન મળી રહ્યું છે. પ્રવીણ કુમારે વર્ષ 1981માં આવેલી ફિલ્મ ‘રક્ષા’માં મહત્વની ભૂમિકા ભજવી હતી. બોલિવૂડમાં તેમનો સૌથી યાદગાર દેખાવ અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘શહેનશાહ’માં ‘મુખ્તાર સિંહ’ તરીકે હતો. પ્રવીણ કુમારની ફિલ્મોગ્રાફીમાં ‘કરિશ્મા કુદરત કા’, ‘યુદ્ધ’, ‘જબરદસ્ત’, ‘સિંહાસન’, ‘ખુદગર્જ’, ‘લોહા’, ‘મોહબ્બત કે દુશ્મન’, ‘ઇલાકા’ અને અન્ય ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે.

80ના દાયકાના અંતમાં, તેમણે બીઆર ચોપરાની ‘મહાભારત’માં ભીમની ભૂમિકા ભજવવા માટે સાઈન કરવામાં આવ્યા હતા. આ પાત્ર દર્શકો વચ્ચે ખૂબ જ મહત્વપૂર્ણ હતું. વર્ષ 2013માં, પ્રવીણ કુમારે રાજકારણમાં કારકિર્દી બનાવવાનો પ્રયાસ કર્યો અને વજીરપુર મતદારક્ષેત્રથી આમ આદમી પાર્ટીની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડી પરંતુ તેઓ હારી ગયા. બાદમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. પ્રવીણ કુમારે વર્ષ 2021માં પંજાબ સરકાર તરફથી પેન્શન ન મળવા પર નારાજગી વ્યક્ત કરી હતી.

Shah Jina