9 Days Significance Navratri - Garba - History કૌશલ બારડ ગરવી ગુજરાત ધાર્મિક-દુનિયા પ્રસિદ્ધ રસપ્રદ વાતો લેખકની કલમે

માગશર મહિનામાં બહુચરાજીએ ભક્તની લાજ રાખવા કેરીના રસનું જમણ કરાવ્યું હતું! વાંચો ‘ગરબા’ના જન્મદાતા વલ્લભ મેવાડાની અદ્ભુત કહાની

નવરાત્રીના નવ દિવસ માતા અંબાનાં શક્તિસ્થાનની ચોતરફ ભાવપૂર્વક ગરબે ઘૂમતા ગુજરાતીઓમાંથી કેટલાને ખબર છે કે આ ‘ગરબા’ની શરૂઆત ક્યારે થઈ? કોણે કરી? પહેલો ગરબો લખ્યો કોણે? અમુક વાતો એવી હોય છે, જે જાણવી એક સંસ્કૃતિના ઉપાસક તરીકે ઘણી જરૂરી છે. ‘ગરબા’ પાછળની વાત પણ એવી જ રોચક અને અદ્ભુત છે.

માતા ન ખીજાય, પણ બાપ તો ખીજાય જ! —

રાજસ્થાનના ઉદયપુરનાં નાથદ્વારામાં આવેલ ભગવાન વિષ્ણુના પવિત્ર તીર્થસ્થાન શ્રીનાથજી મંદિરનાં પ્રાંગણમાં એક અણસમજુ ને ઓછી ઉંમરનો યાત્રી થૂંક્યો. હવે આ તો સરેઆમ હલકટાઈ કહેવાય! લોકોએ તેને ખૂબ ઠપકો આપ્યો. યાત્રી કહે, “છોકરાં મા-બાપના ખોળામાં થૂંકે તો મા-બાપ એને થોડા ખીજાય? છોરું સમજીને જવા દે.”

Image Source

લોકોએ કહ્યું, “છોકરા! એ તો મા ન વઢે. પણ બાપ તો ખીજાય જ! શ્રીનાથજી તો બાપ છે.”

લોકકથા કહે છે, કે એ પછી વૈષ્ણવ પંથી એવા એ યાત્રીએ વૈષ્ણવધર્મ છોડી દીધો અને શક્તિનો-ભગવતીનો-આદ્યઅંબાનો ઉપાસક બન્યો. એણે મહેસાણામાં આવેલ શક્તિપીઠ બહુચરાજીમાં આશરો લીધો અને ગુજરાતી ભાષામાં સૌપ્રથમ માતાજીના ‘ગરબા’ લખ્યા. એ માણસનું નામ હતું: વલ્લભ મેવાડો!

ગુરૂએ નિશાળેથી હાંકી કાઢ્યો! —

વલ્લભ મેવાડાનો જન્મ ઇ.સ.૧૭૪૦ના વર્ષમાં અમદાવાદના નવાપુરા વિસ્તારમાં થયો હતો. મેવાડો તેની જ્ઞાતિનું નામ હતું, પણ મૂળ અટક તો ‘ભટ્ટ’ હતી. ચાર ભાઈઓ હતા. એક ભાઈ છેવટ સુધી માતાજીની ઉપાસના કરવામાંં સાથે રહ્યો. એ હતો: ધોળો મેવાડો. વલ્લભ-ધોળાની જોડી બહુ વખણાઈ. નાની ઉંમરે પરમાનંદ સ્વામી પાસે ભણવા મૂક્યા પણ એમાં ચિત્ત ન ચોટ્યું એટલે સ્વામીજીએ રજા આપી.

Image Source

ભગવતીની આરાધના —

વલ્લભ મેવાડાના ગરબાઓ વગર તો આજે પણ નવરાત્રી અધૂરી છે. એમનો અતિ વિખ્યાત ગરબો એટલે ‘આનંદનો ગરબો’. કુલ 118 કડી એટલે 236 લાઇનનો આ ગરબો છે! આજે પણ આ ગરબો ખુબ ગવાય છે. શરૂઆતની પંક્તિ આમ છે:

આઈ આજ મુંને આનંદ, વધ્યો અતિ ઘણો મા;
ગાવા ગરબા છંદ, બહુચર માત તણો મા!

Image Source

આ ઉપરાંત પણ અનેક ગરબાઓ વલ્લભ મેવાડા દ્વારા રચાયેલા છે. ગુજરાતમાં આવેલ ત્રણેય શક્તિપીઠ; અંબાજી, પાવાગઢ અને બહુચરાજીના ગરબાઓ તેમણે લખ્યા છે. એમના દ્વારા લખાયેલા બીજા બે ગરબાઓ તો ખૂબ પ્રસિધ્ધ છે. તમે સાંભળેલા પણ હશે:

રંગતાળી-રંગતાળી-રંગતાળી રે રંગમાં રંગતાળી;
હે મા ગબ્બરના ગોખવાળી! રે રંગમાં રંગતાળી…!

એ ઉપરાંત પાવાગઢની માતાને ઉદ્દેશીને લખાયેલો આ ગરબો પણ કેટલો અદ્ભુત છે:

મા પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે,
મા એ વસાવ્યું ચાંપાનેર, પાવાગઢવાળી રે!

માગશર મહિને કેરીનો રસ ક્યાંથી? —

Image Source

બહુચરાજીમાં વલ્લભ અને ધોળો મેવાડો રહેતા ત્યારે અમદાવાદમાં એમના માતા ગુજરી ગયા. માતાજીએ અંતર્ધ્યાન રહી આ ખબર આપ્યા. વલ્લભ અને ધોળો અમદાવાદ ગયા. નાતીલાઓએ હાંસી કરી. આ વળી ફૂટી કોડી પણ ન ધરાવતા ભિખારીઓ એની માતાનું બારમું શું કરી શકવાના? જ્ઞાતિજનોએ દા’ડાનાં ભોજન રસપૂરીનું જમણ માંગ્યું. હવે કળકળતા શિયાળાના માગશર મહિનામાં તો આંબે મોર પણ ના આવ્યો હોય એવે ટાણે પાકેલી કેરીઓ ક્યાંથી લાવવી?

પણ જેની ઉપર જેનો કુકડો ગુજરાતના સોલંકી રાજવીઓને જગતમાં વિખ્યાત કરતો હતો એ ભગવતી બહુચરનો આ બ્રાહ્મણ ભાઈઓ પર હાથ હતો! માતાજીએ ચમત્કાર કર્યો અને બધા નાતીલાઓને રસપૂરીનું જમણ પીરસાણું! એ વખતથી નાતના લોકોએ બંને ભાઈઓ સામે હાથ જોડ્યા.

આજે પણ બહુચરાજીના મંદિરમાં વલ્લભ મેવાડાની સ્મૃતિ મોજૂદ છે. વધારે ખરાઈ કરવી હોય તો આરતી ટાણે બહુચર માતાના મંદિરમાં હાજરી આપી દેવી. આરતી પછી કાયમને માટે ‘વલ્લભ મેવાડાની જય!’ અને ‘વલ્લભ-ધોળાની જય!’ બોલાવાય છે.

Image Source

આ વલ્લભ મેવાડો ૧૮૫૧માં પૂરાં ૧૧૧ વર્ષનું દીર્ઘાયુ ભોગવીને અવસાન પામ્યો. આજે આપણને આ ભગવતીનો પરમ ઉપાસક કેટલેક અંશે યાદ છે? ગરબે ઘૂમતી વખતે એના જન્મદાતાને તો યાદ કરવો પડે ને?

આદ્યઅંબા-બહુચરની જય! વલ્લભ-ધોળાની જય!
Author: કૌશલ બારડ – GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.