“હે અર્જુન! ઋતુઓમાં હું વસંત છું, વૃક્ષોમાં હું પીપળો છું અને મહિનાઓમાં હું માગશર છું!”

ભગવાન કૃષ્ણ કરુક્ષેત્રનાં મેદાનમાં પાર્થને ગીતાનો ઉપદેશ આપતી વખતે આ વાત કહે છે. આના પરથી જ ખ્યાલ આવે છે કે માગશર મહિનાનું મહત્ત્વ કેવું છે અને કેટલું છે! ખુદ ભગવાન શ્રીકૃષ્ણએ જેને મહિનાઓમાં શ્રેષ્ઠ માન્યો છે એ માગશર મહિનો આપણા માટે પણ જીવનનું ઉત્તમ ફળ લઈને આવે છે. આ મહિનામાં જો અમુક એકદમ આસાન અને સરળતાથી થઈ શકે તેવાં કામ કરી લેવામાં આવે તો આ ૩૦ દિવસમાં અમૂલખ પુણ્ય હાંસલ કરી શકાય તેમ છે. આ લેખમાં આગળ એ બધું જણાવ્યું છે. વાંચજો. ઉપયોગી થશે.

‘સંવત્સર ભૂષણ’ મહિનો માગશર:
માગશર મહિનાને ૧૨ મહિનાઓમાં શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. રામાયણમાં મહર્ષિ વાલ્મિકીએ એને ‘સંવત્સર ભૂષણ’ કહ્યો છે – અર્થાત્ આખા વર્ષનું ઘરેણું. માગશર મહિનાની શુક્લ પક્ષની અગિયારસના દિવસે જ ભગવાન કૃષ્ણએ અર્જુનને મહામૂલી ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આ દિવસ એટલે ‘ગીતા જયંતી’ અથવા તો ‘મોક્ષદા એકાદશી’.
વળી, માગશર મહિનાની પૂનમના દિવસે દત્તાત્રેય જયંતી પણ ઉજવવામાં આવે છે. બ્રહ્માના માનસ પુત્ર અત્રિ અને મહાસતી અનસૂયાના પુત્ર એટલે ભગવાન દત્તાત્રેય. દત્તાત્રેયને વિષ્ણુના અવતાર મનાય છે. ઉલ્લેખનીય છે, કે માતા અનસૂયાની કૂખે બ્રહ્મા ચંદ્રમા સ્વરૂપે અને ભગવાન શંકર પણ દુર્વાસારૂપે અવતર્યા હતા. અનસૂયા માતા તો સતીઓમાં પણ ‘મહાસતી’ માનવામાં આવે છે!

નાહવાનું મહત્ત્વ આ ૩૦ દિવસમાં સૌથી વધારે:
આ વરસે ૧૫ ડિસેમ્બરના દિવસથી માર્ગશીર્ષ એટલે કે માગશર મહિનો શરૂ થાય છે. આ મહિનામાં વહેલા ઊઠીને સ્નાન કરવાનું મહત્ત્વ જરા વધારે પડતું છે એમ કહો તો ચાલે! વાત તો એમ છે કે, સૂર્ય નારાયણ દેખા ના દે તે પહેલા જ નદીમાં સ્નાન કરી આવવું. પણ હાલ સરીતાસ્નાન તો બહુ ઓછા લોકોનો ભાગ્યમાં છે. આથી તુલસીનાં કૂંડામાંથી થોડીક એવી માટી લઈ એનો શરીરે લેપ કરીને સ્નાન કરવાનો રસ્તો ઉત્તમ છે. આ મહિનામાં યમુના નદીમાં સ્નાન કરવા લોકો મોટા પ્રમાણમાં આવે છે. આના પરથી જ સ્નાનનું મહત્ત્વ સમજાઈ જશે. માટે આળસ તજીને આ ત્રીસ દિવસ પૂરતું આવું કરવામાં આવે તો ફાયદો તો થવાનો જ – માનસિક પણ અને શારીરિક પણ!
આ મહિનામાં સ્નાન કરવાનું આટલું મહત્ત્વ શા માટે? – આવો સવાલ ઉદ્ભવે તો એની પાછળનો જવાબ કંઈક આવો છે : ગોકુળની ગોપીઓએ ભગવાન વાસુદેવનાં દર્શનાર્થે તપ કર્યું અને હઠ લીધી ત્યારે પ્રભુએ તેમને માગશર મહિનામાં વહેલા ઊઠીને યમુના નદીમાં સ્નાન કરવાની સલાહ આપેલી, જે ફળીભૂત પણ થઈ હતી! આ વાત પરથી સ્નાનનું મહત્ત્વ સાબીત થઈ જાય છે.

બાળકૃષ્ણને માખણ ને મિસરી ધરો:
માગશર મહિનાને કૃષ્ણએ પોતાનું સ્વરૂપ કહ્યું છે. આથી સ્વાભાવિક રીતે જ આ માસમાં કૃષ્ણનું પૂજન ફળદાયી છે. પણ હા, કૃષ્ણનાં બાલ સ્વરૂપની પૂજા ઇચ્છનીય છે. બાલકૃષ્ણને તુલસીનાં પર્ણો સાથે માખણ અને મિસરીનો ભોગ ધરવો.
સ્નાનાદિ કર્મથી પરવાર્યા બાદ ઉગતા સૂર્યનો પણ અભિષેક તો કરવો જ રહ્યો. એ વગર દિવસની શરૂઆત સાચી રીતે થઈ જ કહેવાય! તાંબાના લોટામાં જળ લઈને ભગવાન સૂરજ નારાયણ સમક્ષ ઊભીને ‘ૐ સૂર્યાય નમ:’નો મંત્રજાપ કરીને જળાભિષેક કરવો.

આ મહિને કરેલું દાન અફળ નથી રહેતું:
માગશર મહિનામાં જપ, તપ અને દાનનો મહિમા પણ ખુબ છે. જરૂરિયાતમંદોને આપેલું અન્નદાન, ધનદાન કે વસ્ત્રદાન પુણ્યની પોટલી બાંધી આપે છે. જેને પરિણામે આગળ જતા સમૃદ્ધિનાં દ્વાર ખુલે છે. વળી, ગોળનું દાન પણ આ મહિનામાં જ કરવામાં આવે છે. આમ, મૃત્યુલોકમાં સુખશાંતિ ભર્યું જીવન ઇચ્છતા ભાવિકો તો દાન કરે છે, યથાશક્તિ આપતા રહે છે.

શંખની પૂજા પણ ફળદાયી છે:
આપણે દેવી-દેવતાઓની મૂર્તિરૂપે કે યંત્રો સ્વરૂપે પૂજા કરીએ જ છીએ. માર્ગશીર્ષ મહિનામાં એવી રીતે શંખની પૂજા કરવાનું પણ માહાત્મય રહેલું છે. આ પૂજા પણ ઘણી ફળદાયી છે. આ માટે ઘરમાં પૂજાસ્થળે શંખ રાખવો.
લોકો આ મહિનામાં નિત્ય સવારે ગજેન્દ્રમોક્ષ, વિષ્ણુ સહસ્ત્રનામ અને શ્રીમદ ભગવદ્ ગીતાનો પણ પાઠ કરે છે. કાયમ થોડું-થોડું વાંચીને અને મનન કરવું. ગજેન્દ્રમોક્ષનો પાઠ તો દેવામાંથી મુક્તિ મેળવવા માટે પણ પ્રખ્યાત છે. ભક્તિભાવપૂર્વક ઈશ્વરનું સ્મરણ કરવું. અડધીએક કલાકની આ સમગ્ર ક્રિયાઓ આખો દિવસ સુધારે તેવી છે!

આટલાં કામ ના કરો:
પહેલું તો એ કે ક્રોધ ના કરો. જેમ બને તેમ ક્રોધ પર કાબુ રાખો. ક્યાંક એવું ના બને કે, ઉપર જણાવેલાં કર્મો કરીને પુણ્યનું બાંધેલું ભાતું ક્ષણમાત્રના ક્રોધથી છૂટી જાય. મોટાભાગનો ક્રોધ પાછળથી અકારણ કર્યો હોય તેવું લાગે છે. તો એ ક્ષણે જ સંયમ વર્તી લેવાથી એવી પસ્તાવાની સ્થિતી પેદા ના થાય! શાંત રહો. કોઈની ઇર્ષ્યામાં રચ્યાપચ્યા ના રહો અને મનમાં આનંદ રાખી કરતા હો તે રોજિંદો ધંધો કર્યા કરો, બસ!
આશા છે કે, આ લેખ તમને ગમ્યો હશે. ઉપરની બધી વાતો વિવિધ સ્ત્રોતોમાંથી લીધેલી છે. જાણકારોના જણાવ્યા પ્રમાણેની છે. અમે પોતે કંઈ ઉમેરણ કર્યું નથી બલ્કે, સરળ ભાષામાં ઉતારીને સંકલન કર્યું છે. વધારે યોગ્ય માહિતી અને ખરાઈ માટે આપને યોગ્ય લાગે તે જે-તે જાણકારનો સંપર્ક કરવો, ધન્યવાદ! અને હા, લેખની લીંક શેર કરી દેજો – આપના મિત્રો, ઓળખીતા કે સબંધીઓ સાથે!