બનાસકાંઠાના શહીદ વીર જવાનની અંતિમ યાત્રામાં ઉમટ્યું માનવ મહેરામણ, મગરાવા ગામ સાથે આખા ધાનેરામાં છવાયો શોકનો માહોલ, જુઓ વીડિયો

માતૃભૂમિની રક્ષા કરી રહેલા ઘણા જવાનો દુશ્મનો સામેની અથડામણમાં શહીદી પણ વહોરી લેતા હોય છે પરંતુ આપણા દેશની રક્ષા ખડેપગે ઉભા રહીને કરતા હોય છે. ઘણીવાર જવાન સરહદ ઉપર ઠંડી, તડકો અને વરસાદ સહન કરીને પણ દેશની રક્ષા કરે છે અને ઘણીવાર બીમાર થઈને પણ તેમનું નિધન થાય છે.

આવા જ એક વીર બહાદુર જવાન લાભાઇ નારણભાઇ ચૌધરીનું શુક્રવારે ન્યૂમોનિયાથી નિધન થયું હતું, તેઓ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના મગરાવા ગામના રહેવાસી હતા અને કાશ્મીરમાં સેનામાં ફરજ બજાવતાં હતા. તેમની ઉંમર ફક્ત 24 વર્ષની હતી. તેમના નિધન બાદ સમગ્ર પંથકમાં પણ શોકનો માહોલ ફરી વળ્યો હતો.

ભલાભાઈના પાર્થિવ દેહને તેમના વતનમાં લાવ્યા બાદ તેમની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. જેની ઘણી તસવીરો પણ સામે આવી છે. ભલાભાઈની અંતિમ યાત્રામાં ઉમેંટેલું માનવ મહેરામણ બતાવે છે કે આપણા દેશના સામાન્ય માણસો પણ આપણી સેનાના જવાનોને કેટલી પ્રેમ કરે છે, તેમના દિલમાં સૈનિકો માટે કેટલો આદર ભાવ છે.

ભલાભાઇ નારણભાઇ ચૌધરી ભારતીય સેનામાં ત્રણ વર્ષ પહેલા ભરતી થયા હતા અને હાલમાં કાશ્મીર ખાતે ફરજ બજાવતા હતા. ત્યારે ભલાભાઇને 5 ઓક્ટોમ્બરે તાવની અસર જણાતાં 8 ઓક્ટોમ્બરે બીકાનેર ખાતે આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમની હાલત વધારે બગડતા આઇસીયુમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં ભલાભાઇને ન્યૂમોનિયા હોવાનુ બહાર આવ્યુ હતુ. આને આખરે તેમને શુક્રવારના રોજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.

ગુજ્જુરોક્સની ટીમ દ્વારા ભલાભાઈના ખાસ મિત્ર અને તેમના ગામના વતની એવા દશરથભાઈ પટેલ સાથે વાતચીત દરમિયાન તેમના જીવન વિશેની ઘણી બધી બાબતો જાણવા મળી હતી. તેમને જણાવ્યું હતું કે ભલાભાઈનું સપનું ધોરણ 9માંથી જ આર્મીમાં જવાનું હતું. દિવસે દિવસે તેમની આર્મીમાં જવાની પ્રબળ ઈચ્છા વધતી ગઈ અને તેમને પોતાની મહેનત દ્વારા આ સપનું પૂર્ણ કર્યું હતું.

દશરથભાઈ સાથે વાત કરવા દરમિયાન જાણવા મળ્યું હતું કે તેમના લગ્ન આજથી પાંચ મહિના પહેલા જ એટલે કે 24 મેં 2021ના રોજ થયા હતા. લગ્ન બાદ તે પોતાની ફરજ ઉપર પરત ચાલ્યા ગયા હતા અને હવે જ્યારે રજાઓમાં પાછા આવવાના હતા ત્યારે તે તેમના લગ્નનું આલ્બમ લેવા માટે પણ જવાના હતા. પરંતુ તેમનો પાર્થિવ દેહ હવે તેમના વતન પહોંચ્યો.

ભલાભાઈના પિતા અને એક મોટા ભાઈ ખેતી કામ કરે છે જયારે તેમનો એક નાનાભાઈ સુરતની અંદર ગુજરાત પોલીસની અંદર ફરજ બજાવે છે. તેવું દશરથભાઈ દ્વારા જાણવા મળ્યું છે. ભલાભાઈના નિધન બાદ તેમના મગરાવા ગામ સાથે સમગ્ર જિલ્લાની અંદર શોક વ્યાપી ગયો છે, આ સાથે જ ઘણા રાજકીય લોકો સાથે અન્ય લોકો પણ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

Niraj Patel