ખબર

હાઈકોર્ટે કહ્યું, કોવિડની બીજી લહેર માટે આ અધિકારીઓ છે જવાબદાર, જાણો સમગ્ર વિગત

દેશમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની રહી છે. આ દરમિયાન મદ્રાસ હાઈકોર્ટે કોરોનાની બીજી લહેર માટે ચૂંટણી પંચને જવાબદાર ઠેરવ્યું છે. તામિલનાડુ, પશ્ચિમ બંગાળ સહિત દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન રેલીઓમાં તમામ પક્ષના નેતાઓએ કોરોના ગાઈડલાન્સનું પાલન કર્યું નહોતું. તમામ રેલીઓમાં માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.

મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એસ.બેનરજીએ એક કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું કે ચૂંટણી પંચે બીજી લહેર માટે જવાબદાર છે કારણ કે ચૂંટણી પંચે કોરોના સંકટ છતા પણ રેલીઓ અટકાવી નહોતી. ચીફ જસ્ટિસે કહ્યું કે ચૂંટણી પંચના અધિકારીઓ પર ખૂનનો ગૂનો દાખલ થાય તો પણ ખોટું કામ નહીં ગણાય. ચૂંટણી પંચે કોર્ટમાં જણાવ્યું કે, તેમણે ચૂંટણીઓ દરમિયાન કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરાવ્યું છે. મતદાનના દિવસે તમામ નિયમોનું પાલન થયું હતું. આ જવાબ સાંભળી કોર્ટે ચૂંટણી પંચને આકરા શબ્દોમાં સવાલ કર્યો કે,જ્યારે રેલીઓ થઈ રહી હતી, પ્રચાર થઈ રહ્યો હતો ત્યારે ચૂંટણી પંચ બીજા કોઈ ગ્રહ પર હતું કે શું…

દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3.53 લાખ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં 2.19 લાખ લોકો સાજા થયા છે. દેશમાં કોરોના સંક્રમિત કુલ કેસની સંખ્યા 1.7 કરોડ થઈ છે. જેમાંથી 1.4 કરોડ લોકો સાજા થયા છે.