લેખકની કલમે

મેડમ તમારી ચા મેં બદલી છે. વાંચો વિહાન અને મુક્તિની શરત સાથે શરૂ થયેલી આ ખુબસુરત લવસ્ટોરી…..

મેડમ તમારી ચા મેં બદલી હતી!”

અમદાવાદ આવ્યાને હજુ અઠવાડિયો જ થયો હતો. અજાણ્યા અને નવા આ શહેરોમાં સેટ થવું મારી માટે વધુમુશ્કેલ બની રહ્યું હતું. કદાચ આની પાછળ મારો સ્વભાવ અને લોકોથી દુર રહેવાની મારી આદત જવાબદાર હશે! ત્યાંજ મે અવાજ સાંભળ્યો મુક્તિ જમવા ચલ! રાતનું. મારું જમવાનું પતાવીને હું મારા પીજીની બહાર નીકળી કયાં જવું એની મને ખબર નહોતી અને અઠવાડિયાથી પણ હું મારા કોલેજથી પીજી સુધીનો જ રસ્તો જાણી શકી હતી. આજે ઘરની પણ બહુ જ યાદ આવતી હતી એટલે બસ ચાલતા ચાલતા હું લગભગ એસ.જી.હાઈવેના મેઈન રોડ સુધી આવી પહોંચી. ડાબી બાજુ રસ્તા પર એક ચા વાળાની દુકાન હતી. નાની એવી એ દુકાનમાં સારી એવી ભીડ હતી. સામેના સર્વિસ રોડ પર છૂટા છવાયા છોકરા છોકરીઓ ટોળું કરીને બેઠા હતા. આટલી ભીડ જોઈને મને લાગ્યું અહીંયાની ચા કદાચ ફેમસ હોવી જોઈએ અને આમ પણ ચા નું મને ભારે વળગણ! મસાલાવાળી ચા નો ઓર્ડર આપીને ખૂણામાં એક ખાલી જગ્યા મેં પકડી લીધી અને ત્યાં બેસીને હું આજુબાજુ જોવા લાગી. પોતાની જ દુનિયામાં જીવતા એ યુવાનોના દિવસની શરૂઆત કદાચ અહિયાં રાત્રે જ થતી હશે. મિત્રો અને સારું ગ્રુપ હોય તો કદાચ અમદાવાદમાં જીવવું વધારે સરળ બની જાય છે.

 હું વિચારોમાં ખોવાયેલી હતી ત્યાં જ એક છોકરો હાથમાં ચા લઈને આવ્યો અને ખૂબ જ આત્મીયતા સાથે એણે શુદ્ધ ગુજરાતીમાં મને કહ્યું “અમને આશા છે તમને અમારી ચા ગમશે!” અને એ જતો રહ્યો. ચા પીધા ની સાથે જ મારું મોઢું બગડી ગયું હું ગુસ્સામાં જ ઉભી થઈ અને સીધા ચાની દુકાનના માલિક સુધી પહોંચી ગઈ મને ગુસ્સામાં જોઈને એમણે મને પૂછ્યું બેટા શું થયું? કંઈ તકલીફ છે? એમના મોઢામાંથી નીકળેલા “બેટા” શબ્દ એ મને લગભગ શાંત જ કરી નાંખી કારણ કે અજાણ્યા શહેરમાં આ શબ્દ પહેલી વાર મારા કાને પડ્યો હતો. મેં એમને કહ્યું મેં મસાલાવાળી ચા મંગાવી હતી અને તમે મને ફુદીનાવાળી ચા આપી છે. મને ફુદીનાથી એલર્જી છે આ રીતે જ ધ્યાન રાખો છો તમે તમારા કસ્ટમરસનું?

માર્કેટિંગની સ્ટુડન્ટ હોવાથી મેં મારું ચોપડીમાંથી ભણેલુ ગોખણીયુ જ્ઞાન બધુ જ દુકાનવાળા સામે ઠાલવી દીધું. મારો અવાજ અને દલીલોથી લગભગ આજુબાજુ બધાં જ ભેગા થઈ ગયા. ત્યાં જ એક બેફિકર અવાજ આવ્યો “મેડમ તમારી ચા મેં બદલી છે” મારા મોઢાના હાવભાવ બદલાઈ ગયા, ગુસ્સાથી મારા મગજની નસો ફાટવા લાગી. ત્યાં જ મેં પાછળ ફરીને જોયું તો જીન્સના ખિસ્સામાં હાથ નાખીને એક યુવાન બેફિકરાઈથી ઉભો હતો. બ્રાન્ડેડ ટીશર્ટ અને સારા કપડાં પરથી એ સારા ઘરનો લાગતો હતો. એની આજુબાજુ એના બીજા બે-ચાર મિત્રો હતાં જેમાં બે છોકરીઓ હતી. મારા માટે નવાઈ ની વાત એ હતી કે હું આ લોકોને ઓળખતી નથી છતાંય આ લોકોએ મારી સાથે કેમ આવું કર્યું! ગુસ્સામાં જ હું એની નજીક ગયી અને મેં એને પૂછ્યું તમારે આ કરવાની જરુર શું પડી? મને યાદ છે ત્યાં સુધી આપણે એકબીજાને ઓળખતા પણ નથી. ત્યાં તરત જ એની એક ફ્રેન્ડે આવીને મને સોરી કહ્યુ. મેં એની વિત વચ્ચેથી જ કાપી નાખી અને કહ્યું જેણે કર્યું છે સોરી પણ એ જ બોલશે. નાનપણથી જ દલીલ કરવાના મારા સ્વભાવને લીધે મે હંમેશા તકલીફો જ ઉભી કરી છે અને આજે પણ કંઈક એવું જ થયું હતું. એ છોકરાએ મને સૉરી ના કહ્યું અને એ ત્યાંથી ચાલવા લાગ્યો.
મારો ગુસ્સે એની ચરમસીમાએ પહોંચી ગયો અને હું એની આગળ જઈને ઉભી રહી ગઈ. મારા ગુસ્સાને જોઈને લગભગ એ પણ ડરી ગયો અને આખરે એણે સરેન્ડર કરી જ નાખ્યું અને એણે મને સૉરી કહી દીધું પણ અહિયાંથી જ અટકી જાય એ મુક્તિ નહી મેં એને પૂછ્યું આવું કરવાનું કારણ? ત્યારે એણે એટલી જ બેફિકરાઈથી કહ્યું કે “શરત લાગી હતી” મારી આંખો પહોળી થઈ ગઈ. એણે કહ્યું મેડમ મારા ફ્રેન્ડ સાથે મારી શરત લાગી હતી કે કોઈ પણ છોકરીની ચા ને બદલવાની અને તમારા કમનસીબે તમે આ લપેટમાં આવી ગયા. પણ તમે આટલું બધું ઓવર રીએક્ટ કરશો એની મને નહોતી ખબર.

આ તો તમે દુકાનવાળાને આટલું સંભળાવતા હતા એટલે હું કંટાળીને સામે આવી ગયો. બાકી તમે દસ રુપિયાની ચા બીજી મંગાવી લો હું પૈસા આપી દઇશ. છોટુ આ મેડમને ચા આપી દે અને હા પૈસા મારી પાસેથી લઈ લેજે આટલું કહીને એ ત્યાંથી નીકળી ગયો. હું પણ મારા પીજીમાં પાછી આવી આખી રાત લગભગ મેં એ જ વિચાર્યું હું આવા લોકો સાથે આ શહેરોમાં બે વર્ષ કઈ રીતે નીકાળીશ! બીજા દિવસે.

રવિવાર હોવાથી મેં આખો દિવસ મારા રુમમાં જ પસાર કર્યો. રહી રહીને મારા મગજમાં પેલી શરતવાળી વાત આવી જતી હતી. મેં શાંત મગજે વિચાર્યું શરત જ લગાવી હતી ને આ કંઈ એટલી મોટી વાત નહોતી. કદાચ મેં એટલા દિવસોનો બધો જ સ્ટ્રેસ નીકાળીને આ વાતને બહુ જ મોટી બનાવી દીધી. રાત્રે હું ચાની દુકાને પાછી ગઈ અને પહોંચીને પહેલા મેં ચા વાળા ને સૉરી કહ્યું અને ખૂણામાં બેઠેલા એ ગ્રુપ પાસે ગઈ અને હિંમત કરીને મેં સૉરી કહ્યું એ લોકોએ પણ મને સૉરી કહી મને પોતાની સાથે બેસવા માટે કહ્યું. પછી આ અમારો દરરોજનો ક્રમ થઈ ગયો અને ધીરે ધીરે વિહાન, નિષ્ઠા, શુભમ, પ્રાર્થના અને મન મારા મિત્રો બની ગયા હતાં. પસાર થતા સમય સાથે હું અને વિહાન એકબીજાના વધારે નજીક આવી ગયા હતા. અમે બંને રાત્રે બહુ મોડા સુધી બેસીને વાતો કરતા, એકબીજાને જાણતા સમજતા. અમને ખબર જ ના પડી ક્યારે અમે બંને એકબીજાની આટલી નજીક આવી ગયા. એકવાર હું ચાની દુકાને પહોંચી અને ત્યાં અંધારું જોઈને મારું હ્રદય પણ ધબકારો ચૂકી ગયું. વિહાનને ફોન લગાવવા માટે મેં મારો ફોન નીકળ્યો ત્યાં અચાનક જ લાઈટ થઈ. મારી સામે વિહાન હાથમાં ચા નો ગ્લાસ લઈને બેઠો હતો એણે મને કહ્યું હું આ ચા પીને કંટાળી ગયો છું તું મારા માટે ચા બનાવીશ? આઈ લવ યુ મુક્તિ. મારી આંખોમાંથી આસું નીકળી ગયા વિહાને મને ગળે લગાવી અને ત્યાં ઉભેલા દરેકે અમારી માટે ચાના કપ સાથે ચિયર કર્યું. વિહાને અને મેં એકબીજાના હાથની પક્કડ વધુ મજબુત કરી લીધી.

ખ્યાતિ ઠક્કર
સફર

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks