દિલધડક સ્ટોરી રસપ્રદ વાતો લેખકની કલમે

“મા ના પુણ્ય,પરિવારને ફળ્યા…” – દરેક માતપિતા પોતના બાળકનાં સુખી જીવન માટે આખી જિંદગી પ્રાર્થના કરતાં જ હોય છે..

“શુભ કર્મ મા બાપના, સંતાનોને કેવા ફળે.
પ્રભુ તરફથી જીવનના, હર સુખ એને મળે…”
– અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

પચીસ વર્ષના યુવકે ઘરના દીવાનખંડમાં રાખેલા સુખડનો હાર ચડાવેલ એના દાદીના ફોટા સામે જોયું બે હાથ જોડ્યા અને આવતી કાલે સવારે પોતાના પિતાજીના ધંધાની પોતાના દ્વારા ખોલાનાર એક બીજી શાખાના ઉદ્ઘાટન અને ધંધાની સફળતા માટે માટે મનોમન પોતાની મૃતક દાદીના આશીર્વાદ મેળવવા એ બોલ્યો…

image source : squarespace.com

“દાદી, હું જ્યારથી સમજણો થયો છું ત્યારથી માત્ર મેં જ નહીં પણ આપણા આખા પરિવરે તમને જ ભગવાનના રૂપમાં જોયા છે. દુનિયામાં ભગવાન છે કે નહીં એ વાતમાં પડ્યા વિના અમે સૌએ તમારા રૂપમાજ ભગવાનના દર્શન કર્યા છે. જેમ મારા પિતાશ્રી, કાકાઓ અને ફોઇબા કોઈ પણ કામ કરતા પહેલા ભગવાન ના દર્શન પહેલા તમારા દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા આવશ્યક સમજે છે એમ આજે મારા જીવનની સફળતા માટે હું તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. અત્યાર સુધી જેમ બધા પર અને આપણાં આખા પરિવાર પર તમારી કૃપા રહી છે એમ મારી પર પણ એ કૃપા વરસાવજો…”

અને એ મૃત ધવલ આત્મા જાણે પોતાના પૌત્રને ઇશારાથી મુક આશિષ આપતો હોય એમ એક પવનની લહેરખી આવી અને છબી પર રહેલ સુખડના હારની પાંદડીઓ એ યુવાનના માથાને સ્પર્શ કરી રહી…

પોતાના દાદી પાસે આટલા આશિષ માંગી એ યુવાન પોતાના આવતીકાલના આયોજનની તૈયારી કરવા માટે અને લોકોને આમંત્રિત કરવા કેટલાક ફોન કરવા પોતાના રૂમમાં ચાલ્યો ગયો.

પોતાના પુત્રને પોતાની મૃત મા ની છબી સામે આમ મુક સંવાદ કરતો એ યુવાનના પિતાજી ઉપરના રૂમની આગાશીમાંથી જોઈ જ રહ્યા અને મનોમન એમને પણ પ્રાર્થના કરી કે…

image source : theculturetrip.com

“મા, અમારામાં સીંચેલા સંસ્કારનુજ આ પરિણામ છે કે આજના આ આધુનિક યુગમાં જ્યાં જીવતા ઘરડા લોકો ઘરમાજ મજાક અને ટીરસ્કારના ભોગ બનતા હોય છે ત્યાં આજે તમારી ત્રીજી પેઢી પણ તમને ભગવાનની જેમ પૂજનીય સમજે છે. મા તમારી દયાના હજારો હાથ અમારી પર સદા વરસાવતા રહેજો…”

image source : amazonaws.com

ત્રણ બાય ત્રણ ની એ છબીમાં છુપાયેલ મૃતક એ માજીનો પરિવાર એટલે એમના પોતાના બે દીકરા અને એક દીકરી. શહેરના સૌથી સુંદર વિસ્તારમાં આવેલું એમનું આલિશન મહેલ જેવું મકાન. દિકરાઓમાં સૌથી મોટા દીકરાનો શહેરમાં કાપડનો ખૂબ સારો અને પ્રતિષ્ઠિત ધંધો. નાના દિકરાનો પણ કોમ્યુટર સોફ્ટવેર બનાવવાનો ધંધો. બંને દીકરાઓની એકબીજા સાથે ખૂબ પ્રેમથી રહેતી પત્નીઓ અને ખૂબ સુખી ઘરે પરણાવેલી સુખમાં રહેતી એની દીકરી. મોટા દીકરાનો પણ પચીસ વર્ષનો અને હવે પોતાના પિતાના કાપડના ધંધાની બાગડોર સાંભળવા લાયક યુવાન દીકરો. પરિવારનું બેન્ક બેલેન્સ લાખો નહિ પણ કરોડોમાં હતું. અને પરિવારના પરસ્પર પ્રેમ, સહકાર ,વિશ્વાસ, સંસ્કાર અને સુખનું બેલેન્સ તો એટલું હતું કે એ કોઈ આંકડામાં વર્ણવી શકાય નહીં. એ પરિવારની એક ઉડીને આંખે વળગે એવી ખાસિયત એ હતી કે આખું કુટુંબ એ દાદીની ત્રીજી પેઢીએ પણ હજી સંયુક્ત હતું. આખા ઘરનો વહીવટદાર એ ઘરનો સૌથી મોટો દીકરો હતો. એનો નાનો ભાઈ પણ પોતાના ધંધાની આવક મોટાભાઈના હાથમાં આપી દેતો હતો. ઘરની બંને વહુઆરુ બે સગી બહેનોના પ્રેમને પણ શરમાવે એટલા પ્રેમથી રહેતી હતી. આમ કોઈ પણ પ્રકારનું દુઃખ એ પરિવારને ન હતું. પરિવારમાં એક માત્ર તૃટી ઘરના દરેક સભ્યો ડગલેને પગલે મહેસુસ કરતા એ માત્ર એ છબીમાં છુપાયેલ માજીની હતી.

image source : insuretoassure.com

એક વાર આખો પરિવાર સાંજનું વાળું પતાવી ઘરની આગાશી પર બેઠેલો હતો. માજીના મોટા દીકરાના દીકરાએ એના પિતાજીને પોતાના પરિવારના ભૂતકાળ વિશે વાત કરવા કહ્યું અને એના પિતાજીએ આખા પરિવારને એ તમામ ઘટનાઓ કહી સંભળાવી કે કઈ રીતે ભૂતકાળમાં સંઘર્ષ કાળમાં પણ હંમેશા દયા કરુણા અને ધર્મના રસ્તે ચાલી એમની માતાએ પરિવારને સંસ્કારો અને સદવિચારોથી પોસિત કર્યો હતો. યુવાનીમાં આવી પડેલી આખા પરિવારની જવાબદારી કઈ રીતે એમના માતાએ વહન કરી અને દીકરાઓને કાબેલ બનાવ્યા હતા.

મોટા દિકરા એ વાતની શરૂઆત એ દિવસથી કરી કે જ્યારે પોતે માત્ર સત્તર વર્ષનો અને નાનો ભાઈ તેર તેમજ એમની બહેન દસ વર્ષની હતી. પિતાજી લાંબી બીમારી બાદ સ્વર્ગે સિધાવી ગયા અને ઘરની સંપૂર્ણ જવાબદારી મા પર આવી ગઈ હતી.
મોટા દીકરાએ આગળ કહ્યું કે…

“દિકરા , વાત છે જ્યારે હું સત્તર અઢાર વર્ષનો હતો. મા રસોડામાં રસોઈ બનાવતી હોય. હું ,તારા કાકા અને ફોઈ શાળાએથી ઘેર આવતા. લગભગ રસોઈ બનાવવાનું કામ મા એ પૂરું કરી નાખ્યું હોય અને એ અમારી રાહ જોતી ઘરના બારણે બેઠી હોતી. એ અમારી રાહ જોતી સાથે સાથે બીજી એક વ્યક્તિની પણ કાયમ રાહ જોતી. એ બીજી વ્યક્તિ એટલે ગામમાં રોજ માંગી ને પોતાનું પેટ ભરતા એ પંચોતેર વર્ષના વિધવા માંજી. એ માંજી ને આગળ પાછળ કોઈ હતું નહીં. ગામના છેવાડે આવેલા એક સાવ જર્જરિત ઝૂંપડામાં એ પોતાનું જીવન ગુજારતા. આંખે ઓછું દેખાતું અને કાને ઓછું સંભળાતું એમને. રોજનો એમનો ક્રમ હતો આખા ગામમાં ફર્યા કરે માંગ્યા કરે પણ બપોરનો સમય થાય એટલે આપણાં ઘરના દરવાજે અચૂક હાજર થઈ જ જાય. એમની આવવાની ઘટના રોજની બની ગયેલી એટલે સમય થાય એટલે મા પણ એ માજીની રાહ જોતાજ હોય…”
બાજુમાં પડેલા ગ્લાસમાંથી થોડું પાણી પી એમને વાત આગળ ચલાવતા કહ્યું…

“કોઈ કોઈ વાર એવું બનતું કે અમે શાળાએથી વહેલા ઘેર આવી જઈએ અને મા ને જમવાનું આપવા કહીએ તો મા કહેતી કે ઉભા રો પેલા માજી ને આવી જવાદો. એમને પહેલા ખવડાવી લઉં પછી આપણે સાથે બેસી જમી લઈશું. બેન અને તારા કાકા નાના હોવાથી જમવાની જીદ કરે તો મા અમને એ માજીની રાહ જોતા જોતા સંસ્કાર અને દયા ની અવનવી વાતો કરે અને ત્યાં સુધી એ માજી આવી જાય એમને ખૂબ ભાવથી ખવડાવે અને પછી અમે બધા સાથે જમતા…
એ સમયે મને સમજાયુ ન હતું કે મા સાથે બેસી જમવાનો જ આગ્રહ શા માટે રાખે છે ? પણ આજે સમજાય છે કે એ સમયે મા એ શીખવેલ કુટુંબની એકતાના પાઠનુજ આ પરિણામ છે કે આપણો આખો પરિવાર આજે સાથે છે.

મા એ બહેરા માજીને રોજ ખવડાવે અને જમીને એ માજી આંખોમાં કરુણા અને આભારવશ હૃદયથી ભીતરથી હંમેશા કહીને જાય કે…

‘બુન, ભગવાન તમારું ભલું કરે. તારા છોકરા સૈયા ને સાજા નવરા રાખે અને તારા દીકરાઓને ક્યાંય નાખેય મારગ ના રહે એટલું ભગવાન આપે…’
અમે નાના હતા એથી માજીના એ સમયે અપાયેલા એ અંતરના આશીર્વાદ ને માત્ર શબ્દો માં જ લખતા. પણ એ માજીના ભીતરથી બોલાયેલા એ શબ્દો કેટલા પ્રભાવશાળી હતા એ આજે આપણે સૌ જોઇજ રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ…
ન જાણે કેટલીયે વખત એવા પણ પ્રસંગો બનેલા છે કે મા બહારગામ જાય તો માત્ર એ માજીને બપોરે જમાડવા માટે થઈને બહારગામથી બપોરના સમયે ઘેર આવી જતી.

કોઈ કોઈ વાર બહારગામથી ઘેર ન આવી શકાય તો રાત્રે સૂતા વખત સુધી પણ મા ને મેં જીવ બળતી જોઈ છે…”

અને વાતને પૂર્ણ કરતાં એ દાદીના દીકરાએ કહ્યું કે બીજું કોઈ માને કે ન માને પણ મા ના જીવનનો જીવદયાનો અને અન્યની આંતરડી ઠારવાનો આ સોનેરી અધ્યાય હતો કે જેનો પ્રતાપ અને પ્રભાવ છે કે આપણે સૌ સાથે ખૂબ સુખેથી જીવી રહ્યા છીએ. મા કર્મોના વિજ્ઞાન વિશે ઝાઝું જાણતી ન હતી કે એ ભણેલી પણ ન હતી છતાં એ એટલું તો ચોક્કસ જાણતી હતી કે પ્રભુએ માણસને જે ધબકતું હૃદય આપ્યું છે તો એમાં જો ગરીબ વિશે દયા અને કરુણાનો ભાવ ન હોય તો આપણા માનવ જીવનનું કોઈ મૂલ્ય નથી. મા કદાચ એ પણ જાણતી હતી કે એ પોતે જે સદકાર્ય કરશે એનું શુભ ફળ એના દિકરાઓને અવશ્ય મળશે. અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે મા ની એ માન્યતા સો ટકા સાચી હતી…હું જ્યારે પણ એકાંતમાં હોઉં છું ત્યારે એ બહેરા માજીના અપાયેલા એ આશીર્વાદ , ‘બુન, તારા દીકરાઓને ક્યાંય નાખેય મારગ ન રે એટલું સુખ ભગવાન આપે…’ યાદ આવી જાય છે ત્યારે મા અને એ માજીને હું મનોમન વંદન કરી લઉં છું…સમય જતાં એ માજી મૃત્યુ પામ્યા અને એના એકાદ મહિના પછી મા પણ સ્વર્ગે સિધાવી ગયા…”

એ પરિવારની સુખ ,શાંતિ અને સમૃદ્ધિ જોઈ એમને જાણતા બધાજ લોકો હંમેશા કહેતા કે…
“માજીએ કદી કોઈનું ખોટું કર્યું જ ન હતું. હંમેશા ધર્મમય જીવન જીવતા રહ્યા. ભૂખ્યા લોકો એમાંય ખાસ પેલા બહેરા માજીને જમાડતા રહ્યા અને આજે…
મા ના પુણ્ય, પરિવારને ફળ્યા…

● POINT :-
આવું પણ ચોક્કસ બને છે કે માતા પિતાને કરેલા સદકર્મ એના સંતાનો માટે આશીર્વાદ બની ફળે છે. અને એ પણ સત્ય છે કે પોતાના સંતાનો માટે હંમેશા સુખની કામના કરતી મા પોતાની જાત પર કષ્ટો સહી જીવનમાં કોઈ એક સદકાર્યનું વ્રત લે છે અને જીવન પર્યંત એ નિભાવે છે…

લેખક :- અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (શંખેશ્વર)
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks