“લ્યો સાહેબ પેંડા ખાવ” – જીવનમાં ભણતર, ગણતર અને ઘડતરનું શું મહત્વ છે એ સમજાવતી અદભૂત સ્ટોરી મુકેશ સોજીત્રાની કલમે વાંચવાનું ચૂકતા નહી !!

0

મેરામણ એ વી સ્કુલના કમ્પાઉન્ડની સામે એક પાનના ગલ્લા ની બાજુમાં આવેલ એક પીપરના ઝાડની નીચે ધારાસભ્યે પોતાની ગ્રાન્ટમાંથી બનાવેલ એક સિમેન્ટ પાઈપના બાંકડા પર બેઠો અને બાજુમાં પોતાની સાથે લાવેલ એક કાપડની થેલી મૂકી.થેલી ફરી એક વાર જોઈ લીધી એમાં આજની પરિક્ષાની હોલ ટિકિટ અને બીજા જરૂરી કાગળિયાં હતા. બે વરસ પહેલા જ એણે બાર ધોરણ પાસ કર્યું હતું. અને બે વરસથી રાત દિવસ એ લોક રક્ષક દળની પરિક્ષાની તન તોડ અને મન તોડ તૈયારી કરી રહ્યો હતો. સામે એક લારી હતી. ઉપર લખ્યું હતું “વડ વાળા લચ્છી સેન્ટર”!! આમ તો સવારે જ એણે નાસ્તો કર્યો હતો અને પછી નક્કી કર્યું હતું કે લોક રક્ષકનું પેપર પૂરું થાય પછી જ થોડું ઘણું ખાઈ લેવું. પણ લચ્છી જોઇને એનું મન ફગી ગયું. એક ગ્લાસ લચ્છીનો પી લીધા પાછો પોતાના બાંકડા પર બેસી ગયો. મનોમન ઘડીક ઈષ્ટદેવનું સ્મરણ કર્યું. પોતે ચોક્કસ પાસ થઇ જશે એવી પોતાના જ હૈયાને હામ આપી અને એ આજુબાજુની જગ્યાનું નિરિક્ષણ કરી રહ્યો હતો. જેમ જેમ સમય વીતતો ગયો એમ પરિક્ષાર્થીઓની સંખ્યા ગેઈટની આગળ વધતી ગઈ. કોઈ વળી ફોર વ્હીલમાં આવ્યું હતું તો કોઈક વળી ટુ વ્હીલમાં!! મેરામણ પોતે સિકસ વ્હીલમાં આવ્યો હતો. સિકસ વ્હીલ એટલે ડમ્પર!! રેતી ભરેલા એક ડમ્પરમાં એ લગભગ ૧૫૦ કિમીથી આવતો હતો. ડમ્પરમાં ભોગાવોની રેતી ભરી હતી. ગધેડીયા ફિલ્ડમાં રેતીની સાથોસાથ એ ઉતરી ગયો ઉતરીને એણે ભાડું આપવા પાકીટ કાઢ્યું અને ડમ્પર વાળો બોલ્યો.
“પોલીસની પરીક્ષા આપવા આવ્યા છોને?? નથી જોઈતું ભાડું!! હા કદાચ નસીબ બળ કરી જાયને નોકરી મળી જાય તો અમારા જેવાનું કામ કરી દેજો!! જાવ મોજ કરો” કહીને ડમ્પર ડ્રાઈવર ખડખડાટ હસી પડ્યો!!

અચાનક સ્કુલની બહાર નોટીસ લાગી. અને થોડી વારમાં જ વાતાવરણમાં ગરમી આવી ગઈ. નોટીસ બોર્ડમાં લખ્યું હતું કે ઉપરથી આવેલ સુચના મુજબ આજનું પેપર લીક થવાને કારણે તેની પરીક્ષા મુલતવી રહી છે. નવી તારીખ હવે પછીથી જાહેર કરવામાં આવશે.તકલીફ બદલ ક્ષમા પણ સહકાર આપશો. નોટીસ બોર્ડની સુચના વાંચીને સહુ પોત પોતાની તીવ્ર પ્રતિક્રિયા આપવા લાગ્યા.અમુક તો બે ત્રણ ગાળો બોલી ગયા. મેરામણ અડધો કલાક સુધી પોતાના બાંકડે બેસી રહ્યો. કદાચ પરીક્ષા લેવાઈ પણ ખરી એવી મનમાં ઊંડે ઊંડે એક વિશ્વાસ હતો. કલાક પક્ષી પોલીસની ગાડીઓ આવી ગઈ અને બહાર ખુરશી નાંખીને બેસી ગઈ. કાયદો અને વ્યવસ્થા ના બગડે એ માટે પોલીસ માટેની પરિક્ષામા પોલીસ આવી ગઈ હતી!! છેલ્લે ફાઈનલ થઇ જ ગયું કે પરીક્ષા ખરેખર કેન્સલ જ થઇ છે ત્યારે મેરામણ ઉભો થતો હતો ત્યાંજ એનો મોબાઈલ રણક્યો!! સ્ક્રીન પર નામ ફ્લેશ થયું.
“જીજ્ઞેશ સર” અને મેરામણે ફોન રીસીવ કર્યો.
“નમસ્તે ગુરુદેવ” મેરામણ હમેશા આ જ નામે સંબોધન કરતો.
“જી નમસ્તે બેટા.. મેં હમણા જ સાંભળ્યું કે પેપર લીક થવાથી પરિક્ષાઓ હાલ પુરતી રદ થઇ છે.કદાચ મહિના પછી પણ લેવાય કે એનાથી પણ મોડું થાય! આપણે બીજા જે કરે એ કોઈ વિવાદમાં પડવાનું નથી..પેપર કોણે ફોડ્યું?? શા માટે ફોડ્યું ?? એવી કોઈ સીઆઈડી તપાસમાં પડ્યા વિના શાંતિથી ફરીવાર અભ્યાસ શરુ કરી દેવાનો છે.. આપણે એમ માનવાનું કે પરિક્ષાની તારીખ જ દોઢ મહિનો મોડી આવી છે..બોલ બીજું!! જીજ્ઞેશ સર બોલતા હતા. અને આમેય પ્રાથમિક શાળાના શિક્ષકોની એક ખાસિયત હોય છે કે એ એના જુના વિદ્યાર્થીને ફોન કરે ને ત્યારે વર્ગમાં જ શીખવાડતા હોય એમ મુલ્ય શિક્ષણ શરુ કરી દેતા હોય છે!!

“પણ સાહેબ આટલું બધું મોટું વ્યવસ્થાતંત્ર!! આટલી જડબેસલાક વ્યવસ્થાના દાવા હોવા છતાં પેપર લીક થાય જ કેમ?? આ તો ખબર પડી ગઈ નહીતર હોંશિયાર વિદ્યાર્થીને કેટલો અન્યાય થાત નહિ?? મેરામણ ઢીલા અવાજે બોલ્યો.
“સાચી વાત છે બેટા!! હકીકતમાં પેપર નથી લીક થયું!! હલકટ માણસો લીક થયા છે!! સિસ્ટમમાં ઘણા વિક માણસો ભરાઈ ગયા છે!! આ વિક જલદી લીક થઇ જાય છે!! જે લોકોને ભૂંડાઈનો ભાગ ભજવવો છે એ કોઈ પણ રીતે ભજવીને રહે!! પણ હવે પછીની પરિક્ષમા આનાથી વધારે સુરક્ષા હશે એટલે આમ તો લગભગ વાંધો નહિ આવે!! તને હવે વધારે સમય મળ્યો છે એનો ઉપયોગ કરી લેવાનો નિરાશ નહિ થવાનું બેટા!! ચાલ ત્યારે શુભેચ્છાઓ!! તારા મમ્મી અને પાપાને યાદ આપજે!! ફોન મુકું છું” કહીને જીજ્ઞેશભાઈ એ ફોન મૂકી દીધો.

વળતી વખતે પણ એક ટ્રક મળ્યો. સરકારી અને ખાનગી બસોમાં પાર વગરની ભીડ હતી.ટ્રકમાં અલંગ નો માલ સામાન ભર્યો હતો. આગળ કેબીનમાં બેસવાની જગ્યા મળી
ગઈ. નારી ચોકડી આગળથી ટ્રકે સહેજ ગતિ પકડી. મેરામણ જીજ્ઞેશ સાહેબની વાતો મમળાવી રહ્યો હતો. અત્યારે એ આ પરીક્ષા આપવાને કાબેલ બન્યો છે એમાં જીજ્ઞેશ સાહેબનો મોટો રોલ હતો નહીતર એના માટે ભણતરના દ્વાર બંધ જ થઇ ગયા હતા ને!! ઠંડી પવનની લહેરખી આવી રહી હતી અને મેરામણ પોતાના અને ભૂતકાળમાં ખોવાઈ ગયો.!!
નામ એનું મેરામણ સોંડા હતું.. સોંડા લખા અને ઉજીબેનનો એકનો એક દીકરો!! સોંડા લખાને ઘેટા અને બકરા હતા એ ચારવા જાય અને ઉજી ઘર સાચવે.. ઘર જ નહિ આખો વેવાર ઉજી સાચવી જાણતી!! મેરામણ છ વરસનો હતો અને ઉજીએ એને નિશાળે દાખલ કર્યો!! પણ નિશાળે જાય નહીં!! ઉજી એને સમજાવે બિસ્કુટનું પડીકું લઇ દે ત્યારે મેરામણ માંડ માંડ નિશાળે ટકે!! શાળાના આચાર્ય હતા જીજ્ઞેશભાઈ !! એણે મેરામણને લગભગ પાટે ચડાવી દીધો. ધીમે ધીમે મેરામણ ભણતો ગયો. શાળાના કામમાં પાવરધો થઇ ગયો!!

આમ તો એને વાંચતા લખતા આવડે પણ અંગ્રેજી અને ગણિતમાં થોડો નબળો!! બીજા વિષયમાં ખીલી ઉઠતો મેરામણ ગણિતની ચોપડી જુએ એટલે કરમાઈ જાય!! શાળામાં બાકી ગમે તે કામ હોય એ દોડીને કરે!! ઝાડવાને પાણી પાવું હોય એમાં માસ્ટરી!! પ્લાસ્ટીકની પાઈપમાં ગમે એવું કાણું પડ્યું હોય, એક પાઈપમાં બીજી પાઈપ ભરાવવાની હોય, નિશાળના દારમાંથી પાણીની પાઈપ ખેંચવાની હોય મેરામણ આવે એટલે કામ ફટકીમાં પતી જાય!! વળી રમતગમતમાં પણ એક્કો!! લાંબી કૂદ હોય કે ઉંચી કૂદ!! દોડ હોય કે ગોળા ફેંક એનું પ્રદર્શન સર્વ શ્રેષ્ઠ જ હોય!! આઠ સુધી તો શાળામાં વાંધો ના આવ્યો. પણ નવમાં ધોરણમાં ગામથી ૧૪ કિમી દૂર આવેલી એક માધ્યમિક શાળામાં સાયકલ લઈને જવા લાગ્યો. અને મુસીબતના ઝાડવા ઉગ્યા!!
અઠવાડિક કસોટીમાં બીજા વિષયમાં તો એ પાસ થઇ જતો. પણ ગણિત અને અંગ્રેજીમાં એ લગભગ બોર્ડર પર જ પાસ થવા લાગ્યો. આ બેમાં તો એ નબળો હતો પણ વિજ્ઞાન પણ ગણીતનો ભાઈ જ હોય એવું થઇ ગયું હતું એમાં પણ દાખલાઓ આવતા હતા.. શિક્ષકોનો કકળાટ અને ટોર્ચર વધવા લાગ્યું. પ્રાથમિક શાળામાં લાડથી ઉછરેલા બાળકને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ભણવા જાય ત્યારે પિયરમાંથી સાસરિયા માં ગયા જેવું લાગતું હોય છે!! એમાં બે સાહેબનો ત્રાસ મેરામણ પર વધી ગયો..!! આ બે સાહેબોના નામ પણ છોકરાએ પાડેલા એકનું નામ મેંગો ડોલી પાડેલું.. કારણકે એનું મોઢું કેરી જેવું હતું!! બીજાનું નામ લંબે હનુમાન!! કારણ કે એ તાડ જેવો ઉંચો હતો અને હનુમાનજીનો પ્રખર ભક્ત હતો!! મેંગો ડોલી અંગ્રેજી અને સંસ્કૃત ભણાવે અને લંબે હનુમાન ગણિત અને વિજ્ઞાન!! નવમા ધોરણની છ માસિક પરીક્ષા પછી તો મેરામણની સાથે બીજા આઠ છોકરાને આ શિક્ષકો એ કહી જ દીધું.

“તમારા બાપાને કયો કે સર્ટી કઢાવી જાય.. શિષ્યવૃતિના ફોર્મ ભરાઈ ગયા છે એટલે પૈસા તો તમારા ખાતામાં આવી જશે વહેલા મોડા..બાકી દસમાં ધોરણનું પરિણામની પત્તર ખાંડવાની જરૂર નથી. તમે સર્ટી લઈને જતા રહો અથવા શીખી જાવ બેમાંથી એક કરો!! અમારા વિષયનું પરિણામ નબળું આવે તો અમારે ઉપર જવાબ દેવો પડે એના કરતા ધંધે વળગી જાવ!! હીરાના કારખાના ખાલી છે, ઘેટા બકરા ચારો પણ ભાઈ સાહેબ અહીંથી જાવ ” રોજ રોજ આવા વાકબાણથી છોકરા વીંધાવા લાગ્યા. મેરામણ પણ નબળા વિષયમાં વધારે આપવા લાગ્યો. પણ કોઈ દિવસ પચાસ ટકા ગુણ કરતા એ વટ્યો જ નહિ!! અંતે હારી થાકીને એણે નિશાળે જવાનું બંધ કર્યું!!
એક દિવસ બપોરે રિશેષના સમયે મેરામણની બા ઉજીબેન જીજ્ઞેશભાઈની પાસે નિશાળમાં આવ્યાં અને કહ્યું.
“ હે સાહેબ હાઈસ્કુલમાં એવા કાયદા ખરા કે નબળા બાળકોને પરાણે ઉઠાડી મુકે.. મેરામણ બે દિવસથી નિશાળે જાતો નથી..કે છે કે બાપાને બોલાવ્યા છે સર્ટી લેવા”

“જીજ્ઞેશભાઈ નિશાળ પૂરી થઇ એટલે મેરામણ ને ઘરે ગયા અને આખી વાત જાણી અને બોલ્યાં.

“આમાં એવું છે કે અત્યારે નબળા ને ભણાવવા કોઈ રાજી નથી. એ કદાચ નાપાસ થાય દસમાં ધોરણમાં તો શાળાનું પરિણામ બગડે!! શાળા ને સો ટકા પરિણામ મળે તો એની વાહ વાહ થાય પણ આવી વાહ વાહ સેંકડો નબળા બાળકોની હકાલપટી ના કારણે વહેલા આંસુડાની ઈમારત પર ઉભી હોય છે!! તમે જઈને કહી દો કે મેરામણ ભણવામાં ધ્યાન આપશે..ખુબ ધ્યાન આપશે..પણ એનું સર્ટી તો કોઈ કાળે નહિ નીકળે!! એ દસમું તો અહીંજ ભણશે..” જીજ્ઞેશભાઈ બોલ્યા.
બીજે દિવસે ઉજીબેન હાઈસ્કુલમાં ગયા. અને ઓફિસમાં જ આચાર્યને કીધું.
“સાહેબ મારો દીકરો બહુ હોંશિયાર નથી એ મને ખબર છે. એ કદાચ ઓછા ગુણ લાવશે તો પણ અમારી કોઈ જ ફરિયાદ નહિ હોય.. પણ એ ભણશે તો અહીં જ તમારા સાહેબોને કહી દેજો કે એ એની ખોટી રીતે ઘાણી ના કરે! તમારા સાહેબો કે શે કે એને ભણવાની જરૂર નથી..તમારે તો ઢોર અને બકરા જ ચારવાના હોય!! ધંધે ચડી જાવ અને બે પૈસા કમાણી કરો અને બાપા ને ઉપયોગી થાવ !! નિશાળે આવતા જ નહિ અને સર્ટી લઇ જાજો!! આવું આવું રોજ એ માથે માર્યા કરે છે! મારે એ સાહેબોને કેવું છે તમે નવમા ધોરણમાં હતા ત્યારે બાપદાદાના ધંધે વળગી જવું હતું ને!!?? અમારા છોકરા ઉપર શું સિક્કા માર્યા છે કે આનાથી નો ભણાય??!! માની લીધું કે એને અમુક વસ્તુ ન આવડે!! બધાને બધી વસ્તુ ના પણ આવડે!! એનો મતલબ એવો તો નથી કે એને તમે તગેડીને કાઢી મુકો!! અમારી પાસે સો જેટલી બકરીઓ અને એંશી ઘેટા છે!! એ બધા કાઈ સરખું દૂધ કે ઉન નો આપે!! કોઈ વળી ઠામુકું દૂધ જ ન આપે!! અમે રહ્યા અબુધ તોય અમે એ ઘેટા બકરાને કાઢી ના મુકીએ!! શું સમજ્યા તમે બધા?? મારા છોકરાની બીજી ફરિયાદ હોય તો કહો મને અત્યારે તમારી સામે ધીબેડી નાંખું!! આવડો મોટો થયો એની એક ફરિયાદ નથી આવી!! અહી તો છો મહિનાથી જ ભણવા આવે છે!! ગામની નિશાળમાં આઠ વરસ ભણ્યો પણ મારા દીકરાની એક પણ ફરિયાદ નથી આવી. એ તોફાન કરે તો એને તમે ઠમઠોરજો.!! હું કે એના બાપા તમારી આગળ ફરિયાદ લઈને નહિ આવીએ!! બાકી સર્ટી કાઢવાની અને ઘેટા બકરા ચારવાની સલાહ આપતા હોય ઈ સાહેબોને કહી દેજો કે માપમાં રહે!! કોઈએ મારા છોકરાને ગદરાવી નથી દીધો કે એને દાટીયું મારો છો અને મોટા સાહેબ બીજી વાત સાંભળી લ્યો!! તમે કોઈ ઉપકાર નથી કરતા અમારા છોકરાને ભણાવીને!! તમને પગાર મળે છે!! ખિસ્સા ફાટી જાય અને પાકીટ તૂટી જાય એટલો પગાર મળે છે!! એટલે સહુ સમજી જાજો!! હવે પછી જો કોઈએ ખોટી રીતે સર્ટી કાઢવાની દાટી મારી છે ને તો હું જીલ્લાની ઉપલી ઓફિસે જઈશ.. બીજે માળે ઓફીસ આવી છે.. ત્યાં તમારાથી મોટો સાહેબ બેઠો છે એને હું કહીશ અને જ્યાં સુધી એ નિરાકરણ ના લાવે ત્યાં સુધી એની ઓફિસમાંથી ઉઠીશ નહિ” ઉજી એક શ્વાસે બોલી ગઈ. ઓફિસમાં સન્નાટો પ્રસરી ગયો. આચાર્ય બોલ્યા.
“તમે હવે જાવ બેન!! હવે તમારા છોકરાને કોઈ સર્ટી કાઢવાની વાત નહિ કરે, એ જવાબદારી મારી, પણ તમે હવે જાવ” ઉજીબેન ગયા અને આચાર્યે સાત પાનાની નોટીસ કાઢીને સ્ટાફને ખખડાવી નાંખ્યો. પણ આ બનાવ પછી મેરામણ અને એની સાથે બીજા સાત છોકરાને શાંતિ થઇ ગઈ!! મેરામણે દસમું બાવન ટકા સાથે પાસ કર્યું. અને એક ઘટના બની ગઈ.

મેરામણ ના એક કાકા સુરેન્દ્રનગર ની બાજુમાં ગામડામાં રહેતા હતા.થોડી ઘણી જમીન પણ ખરી અને ઢોર ઢાંખર પણ ખરા એ અચાનક અવસાન પામ્યા.એના છોકરા હજુ નાના નાના હતા. એટલે સોંડા ભાઈ અને ઉજી બહેન અહીંથી ગામ છોડીને ત્યાં રહેવા ગયા. જતા હતા ત્યારે જીજ્ઞેશભાઈ એ ભલામણ કરી ઉજીબેનને.

“બાર ધોરણ સુધી તો આને ભણાવજો જ.. એવું નથી કે ભણવા માટે નિશાળે જવું પડે!! ઘરે બેસીને પણ ભણી શકાય!! જરૂર પુરતું અંગ્રેજી અને ગણિત બીજાની પાસેથી શીખી શકાય.. બે ત્રણ વરસ પછી ખાનગી ઉમેદવાર તરીકે બારમાં ધોરણનું ફોર્મ ભરી દેવાનું પરીક્ષા આપી દેવાની!!” સાહેબની વાત મેરામણના મગજમાં બરાબરની ઉતરી ગઈ હતી. એણે એ પ્રમાણે ભણવાનું શરુ કર્યું. બે વરસ પછી બારમાની પરીક્ષા આપી.મેરામણ પાસ થઇ ગયો અને કોલેજના પેલા વરસમાં ફોર્મ ભરી દીધું.સાથોસાથ લોક રક્ષકની પરિક્ષાની પણ તૈયારી કરવા લાગ્યો. આ એક જ નોકરી એને અનુકુળ આવે એમ એને લાગ્યું. બે વરસ ખુબ જ મહેનત કરીને એ આજ પેપર દેવા આવ્યો હતો ને પેપર આજે લીક થઇ ગયું હતું.
પોતાનું ગામ આવ્યું અને મેરામણ વર્તમાનમાં પાછો આવ્યો. ઘરે જઈને ફરીથી તૈયારી શરુ કરી દીધી. મહિના પછી ફરીથી પરીક્ષા આપી અને મેરામણ સિલેક્ટ થઇ ગયો. સહુ પ્રથમ એણે ફોન પર જીજ્ઞેશભાઈનો આભાર માન્યો.!! એના માતા પિતા પણ ખુશ થઇ ગયા. તાલીમ પૂરી કર્યા પછી એ પોસ્ટીંગ પર જવા રવાના થયો એ પહેલા જીજ્ઞેશભાઈ ને મળવા એના ગામ ગયો. સોંડા ભાઈએ મેરામણને હવે બાઈક લઇ દીધું હતું. બાઈક લઈને એ જવા તૈયાર થયો. રસ્તામાં એક જગ્યાએ ગીર ગાયના દૂધમાંથી બનાવેલા ઓર્ગેનિક પેંડા મળતા હતા. કિલો કિલોના બે પડીકા બંધાવીને એ ઉપડયો. એ જે ગામ રહેતો હતો એની પહેલા રસ્તામાં પેલી હાઈ સ્કુલ આવી. જ્યાં તે સાયકલ લઈને જતો અને સર્ટી કાઢવાની ધમકીઓ મળતી હતી. મેરામણનું બાઈક સીધું આચાર્ય ઓફીસ આગળ ઉભું રહ્યું.

અંદર જઈને જોયું તો સ્ટાફ એનો એ જ હતો. આચાર્યને પગે લાગીને પેંડાનું બોક્સ ખોલીને મેરામણ બોલ્યો.
“સાહેબ ઓળખ્યો હું મેરામણ સોંડા!! આ જ શાળામાં દસ સુધી ભણ્યો.. બારમાની પરીક્ષા ઘરે બેઠા આપી..પોલીસમાં પાસ થઇ ગયો છું!! લ્યો સાહેબ પેંડા ખાવ” કહી ને મેરામણે સાહેબના મોઢામાં એક પેંડો મૂકી દીધો!!

આખા સ્ટાફમાં બધાને આ રીતે જ મેરામણે પેંડા ખવડાવ્યા. બધાને પગે લાગ્યો.મોઢા પર કોઈ ફજેતીની કે ઠેકડીની ભાવના નહોતી!! પેલા બે સાહેબોને તો બે બે વાર પેંડા ખવડાવ્યા!! પછી મેરામણ બેઠો અને બોલ્યો!!
“ આ શાળામાં હું દસ સુધી ભણ્યો છું.. તમામ ગુરુઓને મારા વંદન અને આ મારું કાર્ડ અને મોબાઈલ નંબર છે.. હાલ તો મારું પોસ્ટીંગ સુરતમાં છે બંબાખાના પાસે.. સુરત આવો ને સાહેબ ત્યારે જરૂર યાદ કરજો..કાળથી ડ્યુટી જોઈન કરવાનો છું. બસ આજે પ્રાથમિક શાળાના શિક્ષકોને અને તમને ખાસ મળવા આવ્યો છું.. હજુ કોલેજ શરુ છે..આગળ પરીક્ષાઓ આપતો જઈશ. બાકી આ નોકરી પણ આપણ ને ફાવે જ છે ને” કહીને મેરામણ બાઈક લઈને ચાલતો થયો!!
દરેક ગુરુજનને ગળપણ ચખાડીને એ ઘણું ઘણું કહેતો ગયો.

મેરામણ જીજ્ઞેશ ભાઈને મળ્યો. શાળાના બાળકોને મેરામણનો પરિચય કરાવ્યો. બાળકો માટે મેરામણ ચોકલેટ લાવ્યો હતો. બધાને ચોકલેટ આપી. રાબેતા મુજબ જીજ્ઞેશભાઈએ મુલ્યનીષ્ઠા સભર શિખામણ આપી. છેલ્લે પૂછ્યું.

  • “બેટા કોઈ જરૂર તો નથી ને??”
  • “એક ઈચ્છા છે સાહેબ જો પૂરી કરવા દો તો” મેરામણ બોલ્યો.
  • “બોલ એમાં શાનો મૂંઝાય છે?? બોલ શી ઈચ્છા છે”
    “આ બગીચો પાવો છે!! અહીંથી ગયા પછી આ શાળાનો બગીચો છૂટી ગયો છે” જીજ્ઞેશભાઈ અને બીજા બળકો જોઈ રહ્યા. એજ લાંબી લાંબી પાઈપો મેરામણે સ્ટોર રૂમમાંથી કાઢી.. સાંધા કર્યા..સાયકલની ટ્યુબ ચડાવીને નીકળતું પાણી બંધ કરીને.. મેરામણે એક કલાક સુધી બગીચો પાયો!! સહુ ધન્યતાથી એની સામે જોઈ રહ્યા હતા!!
    પ્રાથમિક શાળામાં થયેલું ઘડતર અવિસ્મરણીય હોય છે!! એ યાદોથી આખું જીવન મહેંકતું હોય છે!!!

લેખક :- મુકેશ સોજીત્રા
૪૨ , “હાશ” શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ.મુ.પો.ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here