જાણવા જેવું

આ કારણે ગેસ ગીઝર બની શકે છે મોતનું કારણ, કદાચ તમે પણ કરતા હોવ ભૂલ

શિયાળો ચાલી રહ્યો છે અને આ થીજવી દે એવી ઠંડીમાં દરેક વ્યક્તિ ગરમ પાણીથી જ નાહવાનું પસંદ કરે છે અને એ માટે લોકોના ઘરોમાં ગીઝર પણ લગાવ્યા હશે. અને ઘણા લોકોના ઘરોમાં ગેસ ગીઝર લાગ્યા હશે. પણ આપણામાંના મોટાભાગના લોકો એ વાત નથી જાણતા કે બાથરૂમમાં ફિટ કરેલું ગેસ ગીઝર આપણા માટે જોખમી સાબિત થઇ શકે છે.

Image Source

તાજેતરમાં જ ગુજરાતના પાલનપુરમાં રહેતા એક વ્યક્તિનો જીવ ગેસ ગીઝરના કારણે જતા-જતા બચ્યો છે. સવારે નાહવા માટે ગેસ ગીઝર ચાલુ કર્યું હતું અને ગીઝર બાથરૂમમાં જ ફિટ કરેલું છે. જયારે આ વ્યક્તિ બાથરૂમમાં નાહવા ગયો ત્યારે થોડી જ વારમાં તેનો શ્વાસ રૂંધાઇ ગયો અને તે બેહોશ થઇ ગયો. આ વ્યક્તિ 20 મિનિટ સુધી બહાર ન આવતા તેની પત્નીને શંકા ગઈ અને તેણીએ બાથરૂમનો દરવાજો તોડીને જોયું તો પતિ બેહોશ અવસ્થામાં હતો. જેથી તે પોતાના પતિને લઈને તાત્કાલિક હોસ્પિટલ પહોંચી અને તેની આ સમય સૂચકતાને કારણે તેના પતિનો જીવ બચી ગયો.

Image Source

આ સિવાય ગેસ ગીઝરને કારણે ગયા વર્ષે ગાઝીયાબાદના એક દંપતીનું મૃત્યુ થયું હોવાની વાત પણ સામે આવી હતી. આ સિવાય નોઈડામાં પણ એક યુવકના મૃત્યુનું કારણ ગેસ ગીઝર બન્યું હતું. આ બધાનું મૃત્યુ બાથરૂમમાં ગૂંગળાઈને થયું હતું.

જો તમારા ઘરમાં પણ ગેસ ગીઝર બાથરૂમની અંદર ફીટ કરેલું છે તો આ કિસ્સો તમારા માટે આંખ ઉઘાડનાર સાબિત થશે. ગેસ ગીઝર આખરે કેવી રીતે કોઈના મૃત્યુનું કારણ બને છે એ બાબતે એક્સપર્ટનું કહેવું છે કે ગેસ ગીઝર LPG ની મદદથી પાણી ગરમ કરે છે. ત્યારે LPG ઓક્સિજન સાથે સંપર્ક થવા બાદ જ સળગે છે.

Image Source

LPG માં બ્યુટેન અને પ્રોપેન ગેસ હોય છે, જે સળગ્યા બાદ કાર્બન ડાયોકસાઇડ ઉત્પન્ન કરે છે. એવામાં બાથરૂમ નાનું હોવાના કારણે ઓક્સિજનનું પ્રમાણ ઓછું અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવા લાગે છે, જેનાથી વ્યક્તિનો શ્વાસ રૂંધાવા લાગે છે અને તેમનું મૃત્યુ પણ થઇ શકે છે.

એક ન્યુરોલોજીસ્ટ ડોકટરે જણાવ્યું હતું કે એલપીજી ગેસ ગીઝરથી ઉત્પન્ન થતી આગને કારણે ઓક્સિજન ઓછું થઇ જાય છે, સાથે જ કાર્બન મોનોકસાઇડ પણ બને છે. આ હાનિકારક વાયુવાળી હવા શ્વાસમાં જવાથી વ્યક્તિના શરીરમાં ઓક્સિજનની કમી થવા લાગે છે, અને વ્યક્તિના મગજમાં ઓક્સિજનની કમી જીવલેણ પણ સાબિત થઇ શકે છે.

Image Source

એટલે જો તમારા ઘરમાં પણ એલપીજી ગેસ ગીઝર હોય અને એ બાથરૂમમાં લગાવ્યું હોય તો એની જગ્યા બદલાવી લેજો અને જો નવું લગાવડાવવાના હોવ તો બાથરૂમમાં ન લગાવડાવતા.