ઓક્ટોબરના પહેલા જ દિવસે સામાન્ય જનતાને પડ્યો મોંઘવારીનો ફટકો, ગેસ સિલિન્ડરના ભાવમાં થયો કમરતોડ વધારો, જાણો નવા ભાવ

મોંઘવારીએ તો માજા મૂકી છે. પેટ્રોલ ડીઝલના સતત વધી રહેલા ભાવના કારણે સામાન્ય લોકોનું જીવવું પણ મુશ્કેલ બન્યું છે, ત્યારે પેટ્રોલ ડીઝલની સાથે સાથે ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘુ બનવાના કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ મોંઘી થવા લાગી છે, આ બધા વચ્ચે જ આજે મહિનાના પહેલા દિવસે જ સામાન્ય માણસને વધુ એક ફટકો પડ્યો છે.

આજથી રાંધણ ગેસના ભાવમાં પણ વધારો થયો છે. જેના કારણે સામાન્ય માણસની કમર ફરી એકવાર તૂટી ગઈ છે. સબસીડી વગરના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેમજ 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 75 રૂપિયાનો વધારો થયો છે.

આ ભાવ વધારાના કારણે અગાઉ જે કમર્શિયલ સિલિન્ડર 1693 રૂપિયાંમાં દિલ્હીમાં મળતા હતા તે હવે 1736.5 રૂપિયાંમાં મળશે. દિલ્હીમાં ઘરેલુ ઉપયોગવાળા 14.2 કિલોના LPG સિલિન્ડરનો ભાવ 884.5 રૂપિયા થઈ ગયો છે. આ પહેલા પણ ગત 1 જુલાઈના રોજ તેલ કંપનીઓએ રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો.

આ ઉપરાંત સરકારે નેચરલ ગેસના ભાવ 62% ભાવ વધારો ઝીંકયો હોવાથી શહેરોમા CNG અને PNG ના ભાવમાં જંગી વધારો થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુરુવારે સરકારે નેચરલ ગેસની કિંમતમાં 62 ટકા વધારાની જાહેરાત કરી હતી જેનો ઉપયોગ ફર્ટિલાઇઝર, વીજળી ઉત્પાદનમાં થાય છે અને આ નિર્ણય બાદ હવે CNG અને PNG ના ભાવમાં પણ વધારો  થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Niraj Patel