દિલધડક સ્ટોરી મુકેશ સોજીત્રા લેખકની કલમે

“બસ આજ બહુ ખુશ છું. સાંજે તને વાત કરીશ પણ રીયલી આજે મને તારા ઉપર ગર્વ થાય છે લવ યુ સ્વીટુ” વાંચો નોકરી કરતી પત્ની ઉપર ગર્વ થાય એવી વાર્તા

અમદાવાદ- બાવળા હાઇવે પર સુનીલ હાથમાં ટીફીન લઈને ઉભો હતો. વીસેક કિલોમીટર દૂર રોડ ટચ આવેલ એક પ્રાથમિક શાળામાં એ શિક્ષક હતો. આ યુગમાં રોડ ટચ જમીન અને રોડ ટચ નિશાળ ભાગ્યશાળીને જ મળે!! આમ તો એ પોતાની બાઈક લઈને જ નિશાળે જતો હતો. પણ છેલ્લા પખવાડીયાથી બાઈક ઉપર એને બીક લાગતી હતી. એક તો હેલ્મેટ પહેરવું પડતું હતું અને સહુથી મોટી ઉપાધિ કે એની પાસે લાઈસન્સ નહોતું. બાઈકનો વીમો નહોતો અને આટલું બધું ન હોય તો પીયુસી તો ક્યાંથી હોય?? લાઈસન્સ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરી દીધું હતું. એટલે સુનીલે નક્કી કર્યું હતું કે જ્યાં સુધી લાઈસન્સ ન મળે ત્યાં સુધી એ બાઈક નહિ ચલાવે!! પેલી ગાંધીજી એ લીધેલી પ્રતિજ્ઞાની જેમ જ “કારમાં જઈશ કે બસમાં જઈશ પણ જયા સુધી લાઈસન્સ નહિ મળે ત્યાં સુધી બાઈક લઈને નિશાળે નહિ જાવ!!”

Image Source

આજ લગભગ સહેજ મોડું થઈ રહ્યું હતું. નહિતર આટલો સમય એને ઉભું રહેવું ન પડે. આજે સરકારી બસ પણ નહોતી દેખાતી. એમ તો ઘણી કાર પસાર થઇ હતી. પોતે હાથ ઉંચો કરીને લીફટ માંગતો હતો પણ બધી જ કાર ભરેલી હતી અથવા તો એને લીફ્ટ આપવામાં કોઈ જ રસ નહોતો.એવામાં એક કાર ઉભી રહી. અને સુનીલ રાજી રાજી થઇ ગયો. એ કાર પાસે ગયો અને કાચ ખુલ્યો. કારમાં એક સોહામણો યુવાન હતો. સુનીલ કાઈ બોલે એ પહેલા દરવાજો ખોલ્યો અને સુનીલ પોતાનું ટીફીન લઈને આગળની સીટમાં ગોઠવાઈ ગયો. અને કાર ચાલી. થોડી વાર પછી કાર ચલાવતો યુવાન બોલ્યો.

“શિક્ષક લાગો છો?? અને હજુ તો દસ જ વાગ્યા છે કેમ આટલા વહેલા જાવ છો?? અગિયાર વાગ્યે જાવ તો ન ચાલે???
“ના હવે નથી હાલતું. એ બધો સમય હવે જતો રહ્યો. હવે તો સવા દસ પહેલા પહોંચી જવું પડે છે. બહુ કડક નિયમો આવી ગયા છે.”

“હમમમમ સાચી વાત છે.. કઈ શાળા તમારી અને તમારું નામ શું છે?” પેલો યુવાન બોલ્યો.
જવાબમાં સુનીલે પોતાનું નામ જણાવ્યું અને શાળાનું પણ નામ જણાવ્યું. થોડી આડા અવળી વાત થઇ પછી સુનીલ બોલ્યો.

Image Source

“વરસ દિવસ થયું અમારી શાળામાં એક નવા આચાર્ય બહેન આવ્યાં ને બધું રેગ્યુલર થઇ ગયું છે. શરૂઆતમાં તો અમને એમ હતું કે આ નવા આચાર્ય ભલે આવ્યાં એને શું ખબર પડશે પણ આ બાઈ તો માથાની આવી હો. બધું જ જડબેસલાક અને વ્યવસ્થિત થઇ ગયું છે હવે અમારી નિશાળમાં!!”
“હમ્મ્મ્મ શું નામ છે એ નવા આચાર્યનું?? અને કોઈ શાળામાં આચાર્ય આટલી બધી કડક હોય એની નવાઈ લાગે છે. બાકી હું પણ સરકારી શાળામાં જ ભણ્યો છું. એ વખતે તો રામના રાજ્ય હતાં. બાય ધ વે એ નવા આચાર્ય ક્યાં ગામના છે અને ક્યાં રહે છે?

“નામ તો એનું નીતા પટેલ છે. અને અમદાવાદમાં જ રહે છે. બાકીની વિગતની મને ખબર નથી. જોકે અમારા સ્ટાફમાં કોઈને ખબર નથી . એવો કોઈ સમય આવ્યો જ નથી કે સ્ટાફ વાળા ભેગા બેસીને ગપ્પા મારી શકે. બસ કામ કામ ને કામ જ !! જોકે અમને પણ શરૂઆતમાં એમ લાગતું હતું કે નવી નવી છે એટલે થોડા દિવસ કડકાઈ હાલશે પછી દે દામોદર દાળમાં પાણીની જેમ રાબેતા મુજબ થઇ જશે પણ આ તો માથાની મળી. થાકનું નામ નહીં. સવારમાં નવ વાગ્યે એ આવી જાય છે અને ઓફિસમાં બધું કામ કરી નાંખે અને અગિયાર વાગ્યે સાવ નવરી થઇ જાય તે છેક પાંચ વાગ્યા સુધી આખી નિશાળમાં ફર ફર કર્યા કરે. કોઈ શિક્ષક કલાસમાંથી બહાર નીકળી જ ન શકે. બધા પાસેથી સો ટકા કામ લે છે.” સુનીલ હવે ખીલતો જતો હતો. આમેય શિક્ષક ખીલે એટલે આખાય બ્રહ્માંડનો ભાર ઝીલે એવા એના શબ્દો હોય!

“પણ સ્ટાફ વાળા સહયોગ ન આપે તો કોઈ પણ આચાર્ય ઢીલો ને ઢફ થઇ જાય પછી એ ભાઈ હોય કે બાઈ હોય” કાર ચલાવતા ચલાવતા પેલો સોહામણો યુવક બોલ્યો.

Image Source

“વાત તો તમારી સાચી પણ આ નવી આચાર્ય કોઈનો પણ સહયોગ લેતી જ નથી ને એનું શું?? એ બધા જ કામ એની જાતે કરી નાંખે.. રવિવારે એ એકલી શાળાએ આવે. અઠવાડિયાનું પેન્ડીંગ કામ હોય ઈ પોતે જ એકલી એકલી કરી નાંખે.. એને બધું જ વહીવટી કામ ફાવે છે. નોકરી તો એ શોખથી કરતી હોય એમ લાગે છે. અને જ્યારે નોકરી શોખ બને ને ત્યારે કઈક વિશિષ્ટ જ બનતી હોય છે .કારણ કે એ હમેશા નવી નકોર કાર લઈને આવે. વળી ત્રીસે ત્રીસ દિવસ અલગ અલગ રંગની સાડી પહેરેલી હોય. મસ્ત મજાનું અત્તર અતર છાંટીને આવે છે. હજુ નવી નોકરી છે અને ઓછા પગારમાં આટલો ભપકો તો પહેલેથી જ ધનાઢ્ય હોય એને જ પોસાય. વળી દિલની ઓલદોલ છે. શાળામાં જે કાઈ ઘટે એ બધું જ પોતાની કારમાં લેતી આવે. હજુ અઠવાડિયા પહેલા જ એકીસાથે સો સાવરણા અને વીસ સાવરણી લાવી. ફિનાઈલ અને ડેટોલના મોટા મોટા બાટલા પણ લાવી અને બધા બાળકોને કહી દીધું કે તમારે આ બધું વાપરવાનું છે” સુનીલ બોલતો હતો અને કાર વાળો સોહામણો યુવાન આ બધું સાંભળતો હતો. થોડી વાર પછી એ બોલ્યો.
“ નક્કી કોઈ મોટી અને પહોંચેલી માયા હોવી જોઈએ બાકી કોઈ સ્ત્રી બેકઅપ વગર આટલી હિંમત જ ન દાખવી શકે”

“અમને પણ એમ જ લાગે છે. સો ભાયડા ભાંગીને ભગવાને આ સ્ત્રી બનાવી છે એવું અમારા સ્ટાફનું માનવું છે. ગામના મોટી ઉમરના છોકરાઓ જે પહેલા ભણતા હતા એ પહેલા નિશાળમાં ગમે ત્યારે આવતાં અને ગમે ત્યાં બેસતાં. એ પણ આણે બંધ કરાવી દીધું. એક બે છોકરાએ વાયડાઈ કરી ને તો ઓફિસમાંથી સ્ટમ્પ લાવીને સબોડ્યા. ગામમાં ફરિયાદ થઇ એના વાલી આવ્યાં તો એને પણ એ ગાંઠી નહિ. વાલીઓ પણ બી ગયા છે. આ બનાવ પછી ગામના રખડતાં અને અવેડાના દાટા કાઢવા વાળી વેજા તો નિશાળમાં ડોકાતી જ બંધ થઇ ગઈ. એક ફાયદો પણ થયો કે ગામમાંથી પ્રશ્નો આવતા બંધ થઇ ગયા છે. ગામમાં એનું માન પણ વધી ગયું છે.” સુનીલે કહ્યું.
“પણ ગમે તેટલી હોંશિયાર વ્યક્તિ હોય પણ કોઈક ખામી હોય જ ને?” કાર ચલાવતા ચલાવતા યુવાને કહ્યું.

Image Source

“ના આમાં કોઈ જ ખામી નથી. કોઈ શિક્ષક ગેરહાજર હોય તો અમારી આચાર્ય એને મેદાનમાં બેસારીને ઝાડવાના છાંયે ભણાવવા પણ મંડે. મેદાનમાં એટલા માટે ભણાવે કે બાકીના વર્ગમાં શું ચાલે છે એ એની નજરમાં રહે!! મધ્યાહ્ન ભોજનમાં પેલા લાપશીને બદલે લોચા લાપશી હાલતી એ પણ આણે બંધ કરાવી દીધી. દરરોજ તાજા શાકભાજી વાપરવાના. સંચાલક એમ કહેતો કે ગામમાં શાકભાજી ન મળે એટલે ક્યાંથી લાવવાના?? તો એ એની કારમાં અમદાવાદથી શાકભાજી લઇ આવે અને બિલ સંચાલકને આપી દે!! અમારી જેમ સંચાલક પણ ખરો ભેખડે ભરાયો છે. વળી છેલ્લી રીશેષમાં અમારી નિશાળમાં સહુ શિક્ષકો પૈસા કાઢી ને ચા બનાવતાં. હવે એ આવી છે ત્યારથી ચા નો ખર્ચો એ ભોગવે છે. કોઈ શિક્ષક પાસેથી એક રૂપિયો લેવાનો નહિ બોલો. વળી દરેક શિક્ષક્ને સત્રની શરૂઆતમાં કાગળના બે પેકેટ , સ્ટેપલર, ટાંચણી બોક્સ , સ્કેચપેન અને દસ દસ પેન આપી દીધી . ઓફિસમાં કોઈ વસ્તુ લેવા માટે ધક્કો ખાવાનો નહિ. બાળકોના શિક્ષણની એક પણ મિનીટ બગાડવાની જ નહિ. મોબાઈલ તો લાવવાના જ નહિ અને કદાચ લાવો તો હાજરી પૂરીને એક લોકરમાં મૂકી દેવાના. એ પણ પોતાનો મોબાઈલ મૂકી દે.. કોઈ જાતની ખામી છે જ નહિ પણ અમે આઠ શિક્ષકો છીએ. અર્ધા તો કંટાળી ગયા છે સાવ!! થોડીક તો શાંતિ હોય કે નહિ નિશાળમાં?? “ સુનીલે વાત રજુ કરી. એની નિશાળ હવે આવવાની જ હતી.

Image Source

“તો તમે બદલી કેમ કરાવતા નથી?? બદલી કરાવીને છૂટી જવાયને આવી શાળામાંથી!! એ ય ને થોડીક આઘી નિશાળ મળે પણ પછી તો બાર બાદશાહી ને કોઈ ના ઉપર કોઈ ના નીચે ધ્યાન રાખવા વાળું એવી શાળામાં જતું રહેવાય” કાર ચાલકે કાર રોકીને કહ્યું. સુનીલની શાળા આવી ગઈ હતી. જવાબમાં સુનીલ બોલ્યો.

“બસ હવે બદલી કેમ્પ થાય એટલી જ વાર છે અમે ચાર શિક્ષકો તો જતા જ રહેવાના છીએ. છુટકારો લેવો છે આ નિશાળમાંથી” કહીને એણે કારનો દરવાજો ખોલ્યો અને નીચે ઉતર્યો અને પેલો સોહામણો યુવાન બોલ્યો.

“બેસ્ટ ઓફ લક!! તમારો છુટકારો તો થઇ જશે!! વધુમાં વધુ તો હજુ એક વરસ લાગશે!! પણ મારો છુટકારો આજીવન નહિ થાય!! ના સમજ્યા?? ચાલો સમજાવું!! તમારી તો એ આચાર્ય છે ને પણ મારી તો એ પત્ની છે!! બાય ધ વે મારું નામ મયંક પટેલ તમારી આચાર્ય નીતા પટેલનો હસબંડ!! પણ તમે એક વાત કરી એ મને ગમી જયારે નોકરી શોખ બને ને ત્યારે જમાવટ થાય છે. નીતા નોકરી ન કરે તો પણ ચાલે મારે બે ફેકટરીઓ છે. કોઈ કમી નથી પણ મને મારી પત્ની પર ગર્વ છે સુનીલકુમાર” કહીને મયંકે કાર ચલાવી મૂકી .સુનીલને શું બોલવું એ સમજાયું નહિ એ પછી નીચી નજર કરીને શાળા તરફ ઝડપથી ડગ ભરવા લાગ્યો.
થોડેક આગળ જઈને મયંકે મોબાઈલ કાઢ્યો અને નીતાને કોલ લગાવ્યો.
“લવ યુ સ્વીટુ!!” શું કરે છે”
“બસ બાળકો સાથે સફાઈ કરું છું પણ કેમ આજ દસ વાગ્યે વ્હાલ ઉભરાઈ ગયું” નીતાએ રીપ્લાય આપ્યો.
“બસ આજ બહુ ખુશ છું. સાંજે તને વાત કરીશ પણ રીયલી આજે મને તારા ઉપર ગર્વ થાય છે લવ યુ સ્વીટુ” મયંક બોલતો હતો.
“સેઈમ ટુ યુ ડીઅર!! બાય ટેક કેર” કહીને નીતાએ ફોન કાપી નાંખ્યો.

Image Source

ઘણાએ પોતાની પત્નીની સુંદરતા પર ગર્વ હોય. ઘણાને પત્નિના સ્ટેટસ પર ગર્વ હોય પણ મયંક પટેલને પોતાની પત્નિની ફરજ નિષ્ઠા, પ્રમાણિકતા, પ્રત્યે ગર્વ હતો.. મયંક પટેલ સહુથી વધુ ભાગ્યશાળી પતિ હતો.

નોકરી મજબુરીથી પણ થાય અને શોખથી પણ થાય. મજબુરીથી કરેલ નોકરી ભરણપોષણ કરી શકે પણ આત્મપોષણ માટે તો શોખ જ કામ માં આવે અને નોકરીમાં શોખનો સમન્વય થાય ત્યારે સોનામાં સુગંધ ભળે છે!

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.