નવસારીમાં મુસ્લિમ યુવતીની હત્યા કે આત્મહત્યા? પરિવારે બ્રિજેશ પટેલ પર લગાવ્યા આરોપ, તો પ્રેમીએ ફરિયાદ નોંધાવતા લાશ કબરમાંથી બહાર કાઢી, જાણો સમગ્ર મામલો

હિંદુ મુસ્લિમ પ્રેમ પ્રકરણમાં યુવતીએ અંતિમ ચિઠ્ઠીમાં કહેલું ,’મારી મૈયતમાં બ્રિજેશને બોલાવજો’, દફનાવેલી યુવતીની લાશ બહાર કાઢી- જાણો સમગ્ર મામલો

brijesh patel shaista love story : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યા અને આત્મહત્યાના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. જેમાં ઘણા મામલાઓ ચકચારી ભરેલા પણ હોય છે. હાલ નવસારીનો એક મામલો આખા દેશમાં ચર્ચાઈ રહ્યો છે. જેમાં એક મુસ્લિમ યુવતીના શંકાસ્પદ મોતના મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. યુવતીના પ્રેમીની ફરિયાદ બાદ યુવતીની લાશને કબરમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી જિલ્લામાં આવેલા ખેરગામમાં રહેતા બ્રિજેશ પટેલ નામના યુવકને અબ્રામા ગામમાં રહેતી સાહિસ્તા સાથે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધો હતા. પરંતુ અચાનક યુવતીનું મોત થવાના કારણે આ પ્રેમ સંબંધોનો કરુણ અંત આવ્યો. યુવતીના મોત બાદ યુવક બ્રિજેશ પટેલે યુવતીના પરિવાર પર ગંભીર આરોપો પણ લગાવ્યા છે. યુવકનો આરોપ છે કે તેમના પ્રેમ સંબંધો વિશે યુવતીના ઘરે ખબર પાડવાના કારણે તેની હત્યા કરવામાં આવી છે.

આ મામલે મળી રહેલી વધુ માહિતી અનુસાર સાહિસ્તા ગત 20 એપ્રિલના રોજ તેના ઘરેથી નીકળી ગઈ હતી. તેના ગુમ થયા બાદ યુવતીના પરિવારજનો બ્રિજેશના ઘરે પહોંચ્યા હતા અને તેને શોધવા લાગ્યા, જ્યાં બ્રિજેશને માર મારવાની ધમકી આપીને સાહિસ્તાને શોધી આપવાનું જણાવ્યું. જેના કારણે બ્રિજેશે યુવતીને શોધી તેના પરિવાર પાસે મોકલી આપી હતી. પરંતુ ત્યારબાદ યુવતીનું મોત થતા જ આખો મામલો ગરમાયો હતો.

યુવકે આ મામલે પોલીસ ફરિયાદ કરતા જ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ અને તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દીધો. જેના બાદ પોલીસે 5 લોકોની અટકાયત કરીને તેમની પુછપરછ પણ કરી છે. ત્યારે હવે આ મામલે યુવતી દ્વારા લખવામાં આવેલી એક કથિત અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી છે. જેને લઈને પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. લોકચર્ચા એવી પણ છે કે આ અંતિમ ચિઠ્ઠી સાહિસ્તાની નથી.

યુવતીએ અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું છે, “મમ્મા પપ્પા સોરી મને માફ કરી દો. પણ મારી તો કોઇ ભૂલ જ નથી. મેં તો ખાલી કોઇથી મહોબ્બત કરી. સોરી પપ્પા મેં મરી જાવ કેમ કે, મે બધું વસ્તુથી કંટાળી ગઇ. બ્રિજેશને કેહજો કે, સોરી એણે મને કસમ આપીને રોકી હતી પણ મારે જીવવાથી કાંઇ ફાયદો નથી. પપ્પા, મમ્મી ભૂલ તો મારી જ છે. એને મને કીધું કે, હું તારી સાથે શાદી કરવા તૈયાર છું પણ તારું ભવિષ્ય બગડશે.”

તેણે આગળ એમ પણ લખ્યું છે કે, “મારા ઘરે તેલ લાવવાના પૈસા નથી. જે દિવસે મેં પૈસા કમાવવાનું શીખી જવાનો તે દિવસે તને છાતી ઠોકીન લઇ જવા. મમ્મી મેં મરી જાવને તો અલ્લાહના વાસ્તે એને કાંઇ કરતા નહીં એને માફ કરી દેજો. એક મારી ઉમ્મીદ છે કે મારી મૈયતમાં એને બોલાવજો. પ્લીઝ મમ્મી પપ્પા મને માફ કરી દેજો.”  તો બીજી તરફ યુવકનો પણ દાવો છે કે સાહિસ્તાને હું પાંચ વર્ષથી ઓળખું છું. તે આવું પગલું ના ભરી શકે.

Niraj Patel