કોરોના વાયરસના કારણે આખી દુનિયાની અંદર હાહાકાર મચી ગયો છે. આ વાયરસની ચપેટે કરોડો લોકો આવી ગયા છે તો અત્યારસુધી લાખો લોકોના મૃત્યુ પણ થઇ ગયા છે, એક જ પરિવારના ઘણા લોકોએ પોતાનો જીવ પણ આ વાયરસથી ગુમાવવો પડ્યો છે. ત્યારે અમદવાદમાં પણ એવી જ દુઃખદ ઘટના બની છે જેમાં માત્ર 5 જ દિવસમાં એક આખો પરિવાર વેર વિખેર થઇ ગયો છે.
અમદાવાદની અંદર પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહેલા ધવલ રાવલના પરિવારમાંથી માત્ર 5 જ દિવસની અંદર 3 જિંદગીઓ છીનવાઈ ગઈ છે. ધવલ રાવલ પોતે પણ એક કોરોના વોરિયર્સ છે અને અમદાવાદમાં ફરજ બજાવી રહ્યા છે.

ધવલ રાવલે છેલ્લા પાંચ દિવસની અંદર પોતાના માતા-પિતા અને ભાઈના મૃત્યુનો સામનો કર્યો છે. પહેલા ધવલના માતા-પિતા કોરોનાની ચપેટમાં આવ્યા અને તેમને અમદાવાદના ઠક્કરનગરમાં આવેલી એક પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરવામાં આવ્યા. પરંતુ ત્યાં તબિયત વધારે ખરાબ થતા તેમને સિવિલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જયારે તેમના ભાઈને બીજી એક પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત થતા ભરતી કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન ધવલે લાખો રૂપિયા પોતાના પરિવારની સારવાર માટે ખર્ચી નાખ્યા હોવા છતાં પણ તે પોતાના પરિવારના ત્રણેય સદસ્યોને બાચાવી શકવામાં અસમર્થ રહ્યો હતો. ધવલની માતા નયના રાવલનું પહેલા કોરોનાના કારણે નિધન થયું, ત્યારબાદ તેમના પિતા અનિલ રાવલનું પણ નિધન થયું અને છેલ્લે ભાઈ ચિરાગ રાવલ પણ કોરાનાનો જંગ જીતી શક્યા નહિ અને તેમનું પણ નિધન થયું હતું.