ગુજરાતમાંથી ઘણીવાર લૂંટના કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં જૂનાગઢ-પોરબંદર હાઇવે પર મોડી રાત્રે બાંટવાના પાજોદ ગામ નજીકથી આવો મામલો સામે આવ્યો. ત્રણ લૂંટારુઓ અમદાવાદના બે સેલ્સમેન પાસેથી સોનુ-ચાંદી અને રોકડ લૂટી ફરાર થઇ ગયા. મોડી રાત્રે અમદાવાદના બે સેલ્સમેનને છરી બતાવી ત્રણ લૂંટારૂઓએ ઢીકાપાટુનો માર માર્યો અને અઢી કિલો સોનુ, પાંચ કિલો ચાંદી અને અઢી લાખ રોકડની લૂંટ ચલાવી.
ઘટનાની જાણ થતા એસપી, એસઓજી, ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તમામ રોડને નાકાબંધી કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના બે સેલ્સમેન પોતાની ફોર વ્હીલ લઈ કુતિયાણા તરફથી આવી સોમનાથ તરફ જતા હતા.
આ દરમિયાન બાટવા-કુતિયાણા રોડ પર કારમાં પંચર પડતા બંને ઊભા હતા ત્યારે અચાનક જ બાઈક પર આવી એક વ્યક્તિએ આ સેલ્સમેન સાથે અપશબ્દો બોલી માથાકૂટ કરી અને જોતજોતામાં અચાનક જ બે અન્ય ઈસમો આવી છરી બતાવી માર મારી કારમાંથી અઢી કિલો સોનુ, પાંચ કિલો ચાંદી અને 2.50 લાખ રોકડ અને સેલ્સમેના મોબાઈલ ફોન લૂંટી ચાલ્યા ગયા.
ઘટનાની જાણ જુનાગઢ એસપી એસપી હર્ષદ મહેતાને થતા લોકલ ક્રાઇમ,બ્રાન્ચ, એસઓજી સહિતનો કાફલો પહોંચ્યો હતો અને સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસે લૂંટારોઓને પકડવા નાકાબંધી કરી અને પોલીસને તપાસ કરતા બાવળના ઝાડી-ઝાંખરામાંથી મોબાઈલ મળી આવ્યા. હાલ તો પોલીસે આ લૂંટારુંઓ કઈ દિશામાં ફરાર થયા તે તપાસ હાથ ધરી છે.
જાણકારી અનુસાર, અમદાવાદની કલા ગોલ્ડ નામની પેઢીના બે કર્મચારીઓ સાથે આ લૂંટની ઘટના બની છે. અમદાવાદથી જૂનાગઢ સોનું આપવા જઈ રહેલા બે કર્મચારી સોનીની દુકાનમાં ડિલિવરી કરીને કુતિયાણા ગયા અને કુતિયાણાથી પરત ફરતી વખતે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે. આ ઉપરાંત 1 કરોડથી વધુની લૂંટ થઈ હોવાની વાત પણ કહેવાઇ રહી છે.