વિંગ કમાંડર અભિનંદન જેવી મૂંછો રાખવા ઉપર આ પોલીસ કોન્સ્ટેબલ થયો સસ્પેન્ડ, કહ્યું, “સર રાજપૂત છું. નોકરી હોય કે ન હોય પણ મૂંછ તો નહીં મુંડાવું !”

વિંગ કમાંડર અભિનંદન આખા દેશ માટે રિયલ હીરો છે. જ્યારે  તે પાકિસ્તાનમાંથી પરત ફર્યા હતા ત્યારે આખા દેશમાં જશ્નનો માહોલ હતો. અભિનંદની મૂંછો પણ લોકોને ખુબ જ પસંદ આવી  હતી અને ઘણા લોકો તેમની સ્ટાઇલ પણ કોપી કરી હતી, પરંતુ એક પોલીસ કોન્સ્ટેબલને તેમની સ્ટાઇલ કોપી કરવી ભારે પડી ગઈ.

મધ્ય પ્રદેશના ભોપાલમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહેલા રાકેશ રાણાએ તેમની મૂંછો ઇન્ડિયન એરફોર્સના જાબાંઝ ગ્રુપ કપ્તાન અભિનંદન વર્તમાનની જેમ રાખી હતી. તેમના સાથી પણ તેમને અભિનંદન કહેતા હતા. પરંતુ તેમના ઓફિસરને તેમની આ મૂંછો પસંદ ના આવી અને બે દિવસ પહેલા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

પરંતુ હાલ ખબર આવી રહી છે કે સસ્પેન્ડ કરાયેલા કોન્સ્ટેબલ રાકેશ રાણાને પુનઃ નિયુક્ત કરવામાં આવ્યા છે. મૂંછો ન હટાવવાની જીદ પર સસ્પેન્શનનો આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને રાતોરાત ગરમાયો હતો. લોકોએ આ ખબરને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ કરવાનું શરૂ કર્યું.

જ્યારે યુઝર્સ દ્વારા સવાલો પૂછવામાં આવ્યા ત્યારે વિભાગ પણ બેકફૂટ પર આવી ગયું અને હવે રાકેશ રાણાને ફરી એકવાર પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ આ સમાચાર સાથે સહમત થયા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર કોન્સ્ટેબલ રાણાને તેમની લાંબી મૂંછો ઉતારવાનું કહેવામાં આવ્યું હતું. જો કે તેમને આમ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, “હું સસ્પેન્શનનો સામનો કરી શકું છું, પરંતુ મૂંછો નહિ કાપી શકું. કારણ કે હું એક રાજપૂત છું અને તે મારા આત્મસન્માન અને સ્વાભિમાન સાથે જોડાયેલી.” જેના બાદ 7મી જાન્યુઆરીએ કોન્સ્ટેબલ રાકેશ રાણાને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન રાણાએ જણાવ્યું કે તે વર્ષ 2007થી પોલીસમાં ફરજ બજાવે છે અને તેણે વર્ષ 2010થી મૂંછો રાખવાની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે છેલ્લા 14 વર્ષમાં તેમને ક્યારેય મૂંછો હટાવવા માટે કહેવામાં આવ્યું નથી. રાણાએ કહ્યું કે મારી મૂંછોની ડિઝાઈન અંગે અગાઉ ક્યારેય કોઈ અધિકારીને કોઈ વાંધો નહોતો.

Niraj Patel