“લોકડાઉન-21 દિવસ” ભાગ-5, હાલની પરિસ્થિતિ ઉપર લખાઈ રહેલી એક રોમાંચક નવલકથા

0

જો આ નવલકથાના આગળના ભાગ તમારે વાંચવાના ચૂકાઈ ગયા હોય તો ભાગ-1ભાગ-2 ,ભાગ-3, ભાગ-4 ઉપર ક્લિક કરી અને તમે વાંચી શકો છો.

લોકડાઉનનો પાંચમો દિવસ:

સવારે જયારે મીરાં સુભાષ માટે ચા લઈને આવી ત્યારે સુભાષે મીરાંને કહ્યું: “બેસ મીરાં, તારા કાલના નિર્ણય ઉપર આપણે વાત કરીએ.”

મીરાં સુભાષની સામે આવીને બેઠી, અને પૂછ્યું: “તો શું નક્કી કર્યું તમે?”

સુભાષે જવાબ આપતા કહ્યું: “મેં ગઈકાલે ખુબ વિચાર્યું અને નક્કી કર્યું છે કે તું આ બાબતે ખોટી નથી, અને તું જેમ કહે છે તેમ મારાથી પણ થઇ શકે એમ નથી, માટે આપણે અલગ થવું યોગ્ય રહેશે, હું તને ડિવોર્સ આપવા માટે તૈયાર છું.”

Image Source

મીરાંએ કલ્પના નહોતી કરી કે સુભાષ આટલું જલ્દી જ ડિવોર્સ આપવા માટે રાજી થઈ જશે તે તો માત્ર તેને ડરાવવા માંગતી હતી, તેની મમ્મીએ જ તેને આવું કરવા જણાવ્યું હતું, પરંતુ હવે તો સુભાષ પણ ડિવોર્સ આપવા માટે તૈયાર થઇ ગયો એ વાત જાણીને મીરાંને પરસેવો વળવા લાગ્યો, તેને એમ હતું કે ડિવોર્સનું નામ સાંભળી અને સુભાષનું મન બદલાશે, તે ગામની જમીન વેચી અને શહેરમાં ઘર ખરીદવા માટે તૈયાર થશે અથવા તો બીજું કોઈ એવું કામ કરશે જેના કારણે ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓ દૂર થઇ શકે, પરંતુ મીરાંનું વિચારેલું સાવ ખોટું પાડવા લાગ્યું, હવે શું થશે તેના મનમાં એજ મૂંઝવણ હતી ત્યારે સુભાષે કહ્યું:

“આપણે આ લોકડાઉનના બાકી બચેલા 16 દિવસ પુરા થતા જ બીજા દિવસે કોર્ટમાં જઈ અને એકબીજાની સમજુતીથી ડિવોર્સ લઇ લઈશું, પણ એ પહેલા મારી એક શરત છે.”

મીરાંએ ઉતાવળા પૂછ્યું: “કેવી શરત?”

જવાબ આપતા સુભાષે કહ્યું કે: “આવતી કાલથી બાકીના બચેલા 16 દિવસ આપણે એ રીતે જીવવાના છે જે રીતે લગ્નના બાદના શરૂઆતના દિવસો જીવ્યા હતા, આપણા બંનેમાંથી કોઈએ પણ એકબીજા સાથે ઝગડવાનું નહિ, ગુસ્સો નહિ કરવાનો, દરેક વાત એકબીજા સાથે શેર કરવાની, અને આ 16 દિવસમાં એકપણ વાર નહિ વિચારવાનું કે આપણા વચ્ચે ડિવોર્સ થવાના છે, 17માં દિવસે બહાર નીકળી અને આપણે તરત જ ડિવોર્સ લઈ લઈશું, આ સમય દરમિયાન આપણે નવપરણિત પતિ-પત્ની જેવા જ બનીને રહીશું, પરંતુ આપણી વચ્ચે શારીરિક સંબંધ નહિ બંધાય.”

મીરાં કઈ બોલી નહિ અને વિચારવા લાગી કે સુભાષ એક તરફ ડિવોર્સ લેવા માટે કહે છે અને બીજીતરફ આવી શરત પણ મૂકે છે, આ બાબતે તે હમણાં કોઈ નિર્ણય કરી શકે તેમ નહોતી, માટે તેને આ વાતનો પછીથી જવાબ આપવાનું સુભાષને કહીને તે રસોડા તરફ ચાલી ગઈ, સુભાષ પણ થોડીવાર વિચારતો રહ્યો અને પછી ટીવીમાં સમાચાર ચાલુ કરીને બેસી ગયો.

આજે સમાચારના આંકડા જોઈને સુભાષને થોડો સંતોષ થયો, દેશમાં કોરોના સંક્રમિત લોકોના આંકડા હવે ઓછા થયા હતા, ગઈ કાલે જ્યાં એક જ દિવસમાં 100 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા ત્યારે આજના દિવસે સમાચારમાં સંક્રમિત લોકોનો આંકડો 47 બતાવી રહ્યો હતો, સુભાષને પણ લાગ્યું કે હવે લોકો સમજી રહ્યા છે, અને ઘરમાં રહેવાનું મહત્વ પણ સમજી રહ્યા હોવાના કારણે આ આંકડો હવે ઘટ્યો છે. જો આજ રીતે લોકો સમજશે તો આ દેશમાંથી પણ કોરોના જલ્દી જ ચાલ્યો જશે, બીજી તરફ શહેર છોડીને પોતાના ગામ તરફ ચાલીને જઈ રહેલા લોકોના સમાચાર આવી રહ્યા હતા જેના કારણે પણ થોડી ચિંતાઓ વધી શકે તેમ હતું, બીજી તરફ લોકો ઘરની બહાર ના નીકળે એ માટેના પૂરતા પ્રયાસો કરતી પણ પોલીસ જોવા મળી.જરૂર પડે ત્યાં દંડાવારી પણ કરી.

આ મહામારીના સમયમાં ઘણા લોકો દાન કરવા માટે પણ આગળ આવ્યા હતા, ઘણા અભિનેતાઓ, દેશના ખ્યાતનામ ઉદ્યોગપતિઓએ કરોડોના દાન કોરોના વાયરસથી લડવા માટે આપ્યું, તો દેશના ઘણા ધાર્મિક સંસ્થાનો પણ આવા મુશ્કેલીના સમયમાં આગળ આવવા લાગ્યા, ઘણા લોકો આ મહામારીમાં જે રોજ બરોજ કમાઈને ખાઈ રહ્યા હતા અને લોકડાઉનના કારણે તેમની રોજી રોટી પણ છીનવાઈ ગઈ એવા લોકોની મદદે પહોંચ્યા, તેમના માટે ફૂડ પેકેટ, રાશન કીટ બનાવી તેમને આપવા માટે પહોંચી ગયા, આ જોઈને સુભાષને વધારે ખુશી થઇ, આ એવો સમય હતો જયારે કોઈ હિન્દૂ મુસ્લિમના ધર્મના પંથોમાં વહેંચાયા વગર માનવતાનો ધર્મ નિભાવવા માટે આગળ આવી રહ્યા હતા. એક તરફ દેશમાં અલગ અલગ સમયે તોફાનોમાં લોકો એકબીજાના દુશ્મન બની જતા હોય છે ત્યારે આ સમયે બધા એક બની અને સાથે ઉભા હતા.

Image Source

મોડા સુધી ટીવી જોઈને સુભાષે ટીવી બંધ કર્યું, ટીવી બંધ થતાની સાથે જ તેને મનમાં મીરાંના વિચારો જાગી ઉઠ્યા, મીરાં આ સમયે રસોડાની અંદર જમવાનું બનાવી રહી હતી. શૈલી રસોડામાં અને બેઠક રૂમમાં આંટા મારી રહી હતી. સુભાષ પણ ઉભો થઇને રસોડા તરફ ગયો. તેને કઈ કહેવાની ઈચ્છા હતી મીરાંને, પણ બોલી શકાયું નહિ, ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢીને પાછો બેઠક રૂમમાં આવીને બેસી ગયો.

મીરાં સમજી ગઈ કે સુભાષ તેની સાથે વાત કરવા માટે જ આવ્યો હતો પરંતુ કઈ બોલ્યા વિના જ પાછો વળી ગયો છે, કારણ કે સામાન્ય રીતે જયારે મીરાં રસોડામાં જમવાનું બનાવતી હોય છે ત્યારે સુભાષ રસોડામાં આવતો નથી, રજાના દિવસે પણ શૈલી પાસે જ પાણી મંગાવી લેતો, આજે તેને શૈલીને પાણી લેવા મોકલી નહીં અને ઘણાં મહિનાઓ પછી આ રીતે સુભાષ રસોડામાં પાણી લેવા માટે આવ્યો હતો.

મીરાંના મનમાં વિચારો ચાલવા લાગ્યા કે સુભાષે મુકેલી શરતને સ્વીકારવી કે નહિ? તે પણ નહોતી જ ઇચ્છતી કે બંને વચ્ચે ડિવોર્સ થાય, પરંતુ સુભાષને સમજાવવા માટે આ જરૂરી હતું, તેને પણ નિર્ણય કર્યો કે આ 16 દિવસમાં ડિવોર્સ ના થઇ શકે તેવું જ કરશે, સુભાષની શરતને માની લેશે. બપોરે જમ્યા બાદ શૈલીને સુવડાવી તે સુભાષને પોતાને આ શરત મંજુર છે તે જણાવી દેશે.

મીરાંએ સુભાષની શરત માનવાનું તો નક્કી કરી લીધું પરંતુ સાથે તેના મનમાં એક બીજી મૂંઝવણ પણ થવા લાગી, સુભાષે તેને 16 દિવસ સુધી નવપરણિત પતિ પત્નીની જેમ વર્તવાનું કહ્યું હતું, એ કેવી રીતે શક્ય બનશે? છેલ્લા ત્રણ વર્ષથી તો બંને વચ્ચે અબોલા જ ચાલતા આવ્યા છે, નાના મોટા ઝગડાઓના કારણે એકબીજા પ્રત્યે ઘણા મન દુઃખો પણ જન્મ્યા છે. આવા સમયે તે સુભાષ સાથે એક અલગ જ રીતે 16 દિવસ કેવી રીતે વિતાવી શકશે? વિચારમાં જ તેની આંખો સામે લગ્નનો એ પહેલો દિવસ આવી ચઢ્યો. જયારે તે ગૃહપ્રવેશ કરીને ઘરમાં આવી હતી.

“સુભાષની મમ્મી અને પપ્પાએ મને દીકરીની જેમ જ ઘરમાં રાખી હતી, લગ્ન કરીને થોડા દિવસ તો મારે ગામડે જ રહેવાનું હતું, લગ્ન પહેલા તો મેં નક્કી કર્યું હતું કે ગામડે નહિ રહુ, પરંતુ સુભાષ એકલો જ અમદાવાદમાં રહેતો હતો, અને તેના મમ્મી પપ્પાએ પહેલા જ શહેરમાં આવવાની ના કહી હતી, જેના કારણે પણ મીરાંએ લગ્ન માટે હા કહી હતી, થોડો જ સમય ગામડામાં રહીને અમદાવાદ રહેવા જવાનું હતું, સુભાષ પણ લગ્નના પહેલા દિવસથી જ મને અગવળ ના પડે એનું પૂરતું ધ્યાન રાખી રહ્યો હતો, લગ્નની પહેલી રાત્રે સુભાષે મને ભેટ સ્વરૂપે એક વીંટી આપી હતી, એ વીંટી હજુ મારી આંગળીમાં પરોવાયેલી છે.”

Image Source

મીરાંનું ધ્યાન વીંટી તરફ આવ્યું, રસોડામાં ઉભા ઉભા જ તેને એ વીંટીને બીજા હાથથી સ્પર્શી, થોડી ગોળ પણ ફેરવી,  વીટીને આંગળીની બહાર કાઢવા માટે પ્રયાસ કર્યો, પરંતુ નીકળી નહીં, 5 વર્ષથી પહેરી રાખેલી એ વીંટી હવે આંગળીમાં અટવાઈ ચુકી હતી, પાંચ વર્ષોમાં જો વીંટી આગળીની બહાર ના નીકળી શકતી હોય તો સંબંધ કેવી રીતે તૂટી શકે?

મીરાં વિચારી જ રહી હતી ત્યાં જ શૈલીએ આવી અને કહ્યું: “મમ્મી મમ્મ, ભૂખ લાગી છે, જમવાનું આપને!!” મીરાંએ પોતાના વિચારોને છુપાવતા શૈલીને કહ્યું કે: “હા બેટા તૈયાર જ છે, તારા પપ્પાને કહે કે હાથ ધોઈ લે, હું ત્યાં સુધી થાળી પીરસું.”

શૈલી તરત તેના પપ્પા પાસે દોડતી ગઈ અને તેની મમ્મીના જણાવ્યા અનુસાર હાથ ધોવા માટે કહ્યું, સુભાષ પણ હાથ ધોઈને જમવા બેસી ગયો, જમતી વખતે તો કોઈ વાત ના કરી પરંતુ જમ્યાં બાદ મીરાં શૈલીને સુવડાવીને સુભાષ બેઠક રૂમમાં બેઠો હતો ત્યાં આવી અને તેની સામે બેઠી.

સુભાષ: “તો શું નક્કી કર્યું? મીરાં? મારી શરત તને મંજુર છે?”

મીરાં: “હા, મને તમારી શરત મંજુર છે, પણ જો ભૂલથી કદાચ મરાથી કોઇવાતે ગુસ્સે થઇ જવાય કે કોઈ વાત નીકળી જાય તો તમે થોડું ઇગ્નોર કરજો”

સુભાષે કહ્યું: “વાંધો નહીં, મરાથી પણ કઈ બોલાય જાય તો તું પણ જવા દે જે. આવતી કાલે સવારથી જ આપણે બંને લગ્ન કર્યાના પહેલા દિવસની જેમ જ જીવન વીતાવીશું.”

મીરાં “સારું” એમ કહી અને રૂમની અંદર ચાલી ગઈ, સુભાષ પણ કઈ બોલ્યો નહિ અને તે પણ બેઠક રૂમમાં જ સુઈ ગયો, રાત્રે પણ આ બાબતે કોઈ વાત નીકળી નહીં, જમી અને બંને રોજની જેમ જ સુઈ ગયા.
(શું મીરાં આ 16 દિવસમાં સુભાષને બદલી શકશે? શું સુભાષ પોતાના ગામની જમીન વેચવા માટે તૈયાર ઠસી જશે? કેવો રહેશે આ નવી શરતનો પહેલો દિવસ? જાણવા માટે વાંચો “લોકડાઉન-21 દિવસ” ભાગ-6 આવતીકાલે રાત્રે 9:00 કલાકે ગુજ્જુરોક્સ ઉપર, અને આ વાર્તા તમને કેવી લાગી રહી છે કોમેન્ટ કરીને જણાવજો જરૂર, જો આ નવલકથાના આગળના ભાગ તમારે વાંચવાના ચૂકાઈ ગયા હોય તો ભાગ-1ભાગ-2 ,ભાગ-3, ભાગ-4 ઉપર ક્લિક કરી અને તમે વાંચી શકો છો.)
Author:  નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.