“લોકડાઉન-21 દિવસ” ભાગ-13, હાલની પરિસ્થિતિ ઉપર લખાઈ રહેલી એક રોમાંચક નવલકથા

0

જો આ નવલકથાના આગળના ભાગ તમારે વાંચવાના ચૂકાઈ ગયા હોય તો ભાગ-1ભાગ-2 ,ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10,ભાગ-11, અને ભાગ-12 ઉપર ક્લિક કરી અને તમે વાંચી શકો છો.

લોકડાઉનનો તેરમો દિવસ:

સુભાષના મનમાં હવે ચિંતાઓ વધી રહી હતી, એક તરફ સુરભી હતી તો બીજી તરફ મીરાં, સુરભી ઉપર પણ સુભાષને ઘણો જ વિશ્વાસ આવી ગયો હતો, એવું પણ કહી શકાય કે સુરભીએ સુભાષનો વિશ્વાસ જીતી લીધો હતો. અને તેના કારણે જ સુભાષે મીરાં સાથે તૂટતાં સંબંધમાં થીંગડું મારવાનો ક્યારેય પ્રયત્ન પણ નહોતો કર્યો, શૈલના જન્મ બાદ મીરાં પણ બદલાઈ ગઈ હતી, શરૂઆતનો થોડો સમય બાદ કરતા સુભાષે પણ માત્ર શૈલીના કારણે જ મીરાં સાથે એક ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું. પોતાના દિલમાં દુખતી વાતો તે સુરભી સાથે સહજતાથી અભિવ્યક્ત કરી શકતો હતો. અને સુરભી જેમ બને તેમ સુભાષના નજીક આવવાના જ પ્રયત્નો કરતી હતી.

Image Source

સુરભી અને સુભાષનો સંબંધ પણ કંઈક અલગ જ હતો, બનેં જયારે ઓફિસમાં સાથે હોય ત્યારે જ એકબીજાની સાથે વાત કરતા, સુખ દુઃખ વહેંચતા પણ જયારે મીરાં અને સુભાષ પોત પોતાના ઘરે હોય ત્યારે તે બંને ક્યારેય વાત નહોતી કરી, ના સુભાષ ક્યારેય સુરભીને મેસેજ કે ફોન કરતો ના સુરભી સુભાષને. બંને ઓફિસમાં જ એકબીજા સાથે પોતાના દિલની વાતો અભિવ્યક્ત કરતાં હતા.

સુરભીનું પિયર સુરતમાં હતું, જયારે જયારે તે પિયર જવાનું થાય ત્યારે એકલી જ જતી, અને ત્યાં જઈને પણ પોતાના પતિને કામનું બહાનું કાઢીને પોતાના પિયરિયાઓને પતિના ના આવવાનું કારણ જણાવી દેતી હતી. એકવાર તેને સુભાષને પોતાની સાથે પોતાના પિયરમાં મુકવા આવવા માટે જણાવ્યું હતું, પરંતુ સુભાષે પહેલા તો ના કહ્યું, કારણ કે ત્યાં બે દિવસ રોકાવું પડે એમ હતું. સુરભીએ તેને ખુબ મનાવ્યો પોતાની સાથે લઇ જવા માટે, પરંતુ સુભાષ મીરાં અને શૈલીને ઘરે એકલા છોડવા નહોતો માંગતો. પરંતુ એક દિવસ જયારે મીરાં અને શૈલી પણ વડોદરા તેમના પિયરમાં હતા અને સુભાષ અમદાવાદમાં એકલો હતો ત્યારે સુરભીએ પોતાની સાથે સુભાષને સુરત લઇ જવા માટે મનાવી લીધો. સુભાષ પણ ઘરે કોઈ હતું નહિ તેના કારણે જવા માટે તૈયાર થઇ ગયો. સુભાષે પોતાની કાર લઈને જ સુરત મુકવા આવવા માટેનું જણાવ્યું સાથે સુરભીએ તેને એ રાત કોઈ હોટેલમાં રોકાઈ જવા અને બીજા દિવસે તેની સાથે જ તે પછી અમદાવાદ આવી જશે તેમ પણ જણાવ્યું હતું.

મીરાં સુભાષ માટે ગરમ ગરમ ચા અને બટાકા પૌવાનો નાસ્તો લઈને આવી, શૈલી પણ ઉઠી ગઈ હતી, તેના માટે પણ મીરાં દૂધ લઇ આવી, મીરાંએ નાસ્તો કરતા સમયે જ સુભાષને કહ્યું: “લોકડાઉનના બાર દિવસ તો કેવી રીતે વીતી ગયા તે પણ ખબર ના પડી નહીં?”

સુભાષે મીરાની વાતનો જવાબ આપતા કહ્યું: “હા, પણ હજુ પરિસ્થિતિ દિવસેને દિવસે ગંભીર જ થતી જાય છે, હું હમણાં જ સમાચારમાં જોઈ રહ્યો હતો કે લોકડાઉનને હજુ વધારવામાં આવે એવી શક્યતા છે, લોકો હજુ સમજી નથી રહ્યા અને હજુ આ વાયરસનો ફેલાવો કરી રહ્યા છે, અને દિલ્હીમાં જે થયું છે તેના કારણે આ વાયરસ હજુ વધુ ફેલાવવાની આશંકા પણ છે.”

સુભાષની વાત સાંભળી મીરાંએ કહ્યું: “ઓહ, તો હજુ બીજા કેટલા દિવસનું લોકડાઉન આવી શકે?”

`Image Source

મીરાંના પ્રશ્નનો જવાબ આપતા સુભાષે કહ્યું: “હજુ કઈ નક્કી નથી કેટલા દિવસનું બીજું લોકડાઉન આવી શકે, પરંતુ પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે આ લોકડાઉન ઘણું લાંબુ ચાલશે કદાચ બીજા એક દોઢ મહિનો પણ નીકળી જાય.”

સુભાષનો જવાબ સાંભળીને મીરાં મનોમન વિચારવા લાગી કે: “એક રીતે તો લોકડાઉન વધે તો સુભાષ સાથે વધારે સમય પસાર કરી શકાય અને સુભાષની નજીક પણ આવી શકાય” પરંતુ આમ કેટલા દિવસ સુધી ઘરમાં રહેવાનું એ પણ એક ચિંતાનો વિષય હતો મીરાં માટે.

નાસ્તો કરીને મીરાં જમવાનું બનાવવા માટે ચાલી ગઈ, શૈલી પણ સુભાષનો ફોન લઈને ગેમ રમવા માટે લાગી ગઈ, સુભાષના મનમાં આગળ શું કરવું તેના વિચારો ચાલવા લાગ્યા, સુભાષ વિચારવા લાગ્યો કે: “સુરભીને કેવી રીતે હવે સમજાવવું કે હવે તે તેનો સાથ નહીં આપે, અને નોકરી છોડવાનો પણ એક પ્રશ્ન હતો, નવી નોકરી શોધી લેવાના કારણે તે સુરભીથી દૂર તો થઇ જ શકશે, પરંતુ સુરભીને કેવી રીતે જણાવી શકશે કે તેને મીરાં સાથે હવે સંબંધો સારા થઇ ગયા છે, એ કદાચ એવું તો નહિ સમજે ને કે ‘જ્યાં સુધી મીરાં સાથે નહોતું સારું બનતું ત્યાં સુધી મારી સાથે સારો વ્યવહાર રાખ્યો, મારી પાસે સમય પસાર કર્યો અને આજે જયારે મીરાં સાથે સારું બનવા લાગ્યું છે ત્યારે તે તેને ભૂલવા માંગે છે.”

સુરભીએ એક દિવસ સુભાષ પાસે વચન માંગ્યું હતું : “તે આ સંબંધને આ રીતે જીવનભર જીવંત રાખશે ને? ભલે સાથે રહીને નહિ, પરંતુ અલગ અલગ રહીને પણ એકબીજાનો સાથ આપશે ને?” ત્યારે સુભાષે પણ સુરભીના હાથમાં પોતાનો હાથ મૂકીને આ સંબંધ નિભાવવાની સહમતી આપી હતી. એ સમય હતો જયારે સુભાષ અને સુરભી બંને એકલતાની પળો માણી રહ્યા હતા.

સુરભી જયારે સુરત પોતાના પિયર જઈ રહી હતી ત્યારે સુભાષે પોતાની કાર લઈને તેની સાથે ગયો હતો. સુરભી નિર્ધારતી કરેલી જગ્યાએ સવારમાં જ આવી પહોંચી હતી, સુભાષ પણ પોતાની કાર લઈને ત્યાં આવી ગયો અને બંને સાથે સુરત માટે નીકળી ગયા, જતા વખતે બંને વચ્ચે માત્ર વાતો જ થઇ, કોઈ ઠેકાણે જયારે આરામ કરવા માટે સુભાષ કાર ઉભી રાખતો ત્યારે સુરભી સુભાષની નજીક આવીને સુભાષની ઈચ્છાઓને પણ જગાવતી હતી, તેને ગાલ અને હોઠ ઉપર ચુંબનો આપી ઘણા સમયથી શાંત પડેલી સુભાષની વાસનાને જગાવતી પણ હતી, પરંતુ સુભાષ તેને પોતાના મનમાં જ દબાવી લેતો હતો. સુરત પહોંચીને જયારે સુરભીએ પોતાના પિયરમાં રાત્રી રોકાણ કર્યું ત્યારે સુભાષે નજીકમાં જ એક હોટેલમાં રૂમ રાખી અને રોકાઈ ગયો.  બીજા દિવસે બપોરે પાછું નીકળવાનું નક્કી થયું હતું.

સુભાષ એ રાત્રે રૂમમાં જ હતો, મીરાંને તો એ વાતની જાણ પણ નહોતી કે સુભાષ સુરત ગયો છે. તે તો તેના પિયરમાં શૈલી સાથે હતી, ના સુભાષ અને મીરાં વચ્ચે એ સમયે કોઈ વાતો થતી હતી, મીરાંએ પોતાના પિયર ગયા બાદ સુભાષને એક મેસેજ કે ફોન પણ કર્યો નહોતો, સુભાષ તેને રવિવારની રજાના દિવસે વડોદરા મૂકી આવ્યો હતો અને લેવા માટે આવતા રવિવારે આવવાનું નક્કી કર્યું હતું. આ વચ્ચે જ સુભાષ સુરભી સાથે સુરત આવ્યો હતો.

Image Source

રાત્રે સુભાષના મનની ઈચ્છાઓ જાગી હતી, સુરભીએ તેની સાથે કારમાં કરેલો રોમાન્સ તેની આંખો સામે આવી જતો હતો, તેને ઊંઘ પણ આવી રહી નહોતી, અને એ રાત્રે જ સુરભીનો ફોન પણ આવ્યો, સુરભી સુરત પોતાના ઘરે પોતાના રૂમમાં હતી, સુભાષને ફોન કરતા જ તેને જમવાનું અને કોઈ તકલીફ નથી પડતી તેના વિશે પૂછ્યું, પછી ધીમે ધીમે તે વાતોની હદ પાર કરતી રહી, પોતે કારમાં કરેલા રોમાન્સની ક્ષણોને યાદ કરાવતી રહી અને સુભાષની સુતેલી ઈચ્છાઓ પણ જાગૃત થઇ ગઈ, ત્યારે જ સુરભી અને સુભાષે બીજી રાત્રી રસ્તામાં જ કોઈ હોટેલમાં રોકાવવાનું નક્કી કર્યું હતું.

રાત્રે શૈલી સાથે મઝાક મસ્તી કરી અને સુભાષ, મીરાં અને શૈલી સુવા માટે બેડરૂમમાં આવ્યા, થોડી જ વારમાં શૈલી પણ સુઈ ગઈ, મીરાંએ મનોમન વિચાર્યું કે આ યોગ્ય સમય છે સુભાષના નજીક આવવાનો, સુભાષ પણ એ સમયે સુઈ ગયો નહોતો, મીરાંએ પોતાનો હાથ લંબાવ્યો અને સુભાષના હાથને પકડી લીધો, અચાનક થેયલા સ્પર્શથી સુભાષ પહેલા તો ચોંકી ઉઠ્યો પછી જોયું તો મીરાંનો હાથ હતો. તે પણ પડખું ફરી અને મીરાં સામે જોવા લાગ્યો, થોડીવાર સુધી કંઈપણ બોલ્યા વિના જ મીરાંએ સુભાષનો હાથ પકડી રાખ્યો, સુભાષ પણ કઈ બોલી ના શક્યો, પરંતુ સુભાષને એ સમયે જ પોતાની ભૂલ યાદ આવી ગઈ, સુરભી સાથે વિતાવેલી એ પળો અને મીરાં સાથે કરેલી છેતરામણીનો અફસોસ થવા લાગ્યો અને મીરાંનો હાથ છોડાવી તે પડખું ફરી સુઈ ગયો.

મીરાં પણ એ સમયે એવું વિચારતી રહી કે આટલા વર્ષો પછી અચાનક પકડેલા સુભાષના હાથના કારણે અને આટલા સમય પછી નજીક આવવાના કારણે કદાચ થોડો ખચવાટ થતો હશે, પરંતુ પોતે કરેલી આ શરૂઆતથી મીરાં ખુશ હતી, અને ખુશી ખુશી જ તે રાત્રે સુઈ ગઈ.

(શું મીરાં સુભાષની નજીક આવવામાં સફળ બનશે? શું સુભાષ હોટેલની અંદર સુરભી સાથે પોતાનું શરીર વહેંચી શકશે?  શું સુભાષ સુરભીને છોડી શકશે? કેવો આવશે આ નવલકથાનો નવો વળાંક? જાણવા માટે વાંચતા રહો “લોકડાઉન- 21 દિવસ”નો ભાગ-14, જો આ નવલકથાના આગળના ભાગ તમારે વાંચવાના ચૂકાઈ ગયા હોય તો ભાગ-1ભાગ-2 ,ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10,ભાગ-11, અને ભાગ-12 ઉપર ક્લિક કરી અને તમે વાંચી શકો છો.)

Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.